કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ અને સ્પોર્ટસ સંકુલ જેવા વિકાસનુ સ્વપ્ન રોળાયુરૂા.૫ કરોડની ગ્રાન્ટ પાલિકા ભવન-વરસાદી કેનાલમાં વપરાશે
વિસનગર પાલિકાને મળેલ પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ચીલા ચાલુ વિકાસમા ન વપરાય અને કોમ્પ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ, સ્પોર્ટસ સંકુલ જેવા મહત્વના વિકાસમા વપરાય તે માટે ચર્ચા હતી. ત્યારે આ માતબર રકમની ગ્રાન્ટ પાલિકા ભવન અને વરસાદી પાણીની કેનાલમાં ફળવાતા મહત્વના વિકાસનુ સ્વપ્ન રોળાયુ છે. કાંસા એન.એ.માં વરસાદી પાણીની સમસ્યા માટે ફળવાયેલ સ્પેશ્યલ ગ્રાન્ટ વિસનગર શહેર માટે ક્યારે ફળવાશે તેની ચર્ચાઓ થઈ રહી છે.
વિસનગર સહકારી નગરી કહેવાય છે તે પ્રમાણે સહકારી સંસ્થાઓ ઘણી છે. પરંતુ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નગરી પ્રમાણે એક પણ સુવિધા નથી. શહેરના લોકોએ ૨૮ વર્ષથી ભાજપને મત આપ્યા છે. પરંતુ ભાજપના ધારાસભ્યો શહેરને મહત્વનો કહી શકાય તેવો વિકાસ આપ્યો નથી. ઋષિભાઈ પટેલ ચોથી ટર્મ વિસનગર સીટ ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. વર્ષ ૨૦૧૭ની પાટીદાર આંદોલન સમયની ચુંટણીમાં પણ શહેરના મતદારોએ ઋષિભાઈ પટેલને મત આપ્યા છે. તે પ્રમાણે શહેરના લોકોને કોઈ મહત્વનો વિકાસનો લાભ થયો નથી. હવે તો ઋષિભાઈ પટેલ કેબિનેટમંત્રી છે અને સરકારમા બીજા નંબરનુ સ્થાન ધરાવે છે. ત્યારે આવા સુવર્ણકાળમા શહેરના લોકો કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ કે અટલ સ્પોર્ટસ સંકુલ જેવા મહત્વના વિકાસની આશા રાખે તેમા કોઈ ખોટુ નથી.
કાંસા એન.એ.ની સમસ્યા માટે ફળવાયેલ સ્પેશ્યલ ગ્રાન્ટ શહેરના વિકાસ માટે ક્યારે ફળવાશે
સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યની અન્ય પાલિકાની સરખામણીમાં વિસનગર પાલિકાને પાંચ કરોડ રૂપિયાની માતબર રકમની ગ્રાન્ટ ફળવાઈ હતી. ગ્રાન્ટની આ રકમ રોડ, પાણી, ગટરલાઈન જેવા ચીલા ચાલુ વિકાસમા ન વપરાય અને મહત્વના વિકાસમા વપરાય તે માટેની વિચારણા હતી. આ ગ્રાન્ટમાથી પાલિકા દ્વારા મહત્વનો વિકાસ કરવામાં આવશે તેવી આશા હતા. પુર્વ પ્રમુખ વર્ષાબેન પટેલે પણ પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાથી શહેરની શોભા વધે તેવા મહત્વના ચારમાથી એક વિકાસ કામ થાય તે માટે મંત્રીશ્રી ઋષિભાઈ પટેલને ભલામણ કરી હતી. માતબર રકમની ગ્રાન્ટમાથી કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ, અટલ સ્પોર્ટસ સંકુલ કે મચ્છરોનો ઉપદ્રવ વધારતી કેનાલો ઢાંકી કમલપથ બને તેવી આશા હતી. પરંતુ વર્ષોથી ભાજપને મત આપવા અને ભાજપની પડખે રહેતા શહેરીજનોની લાગણીઓને અવગણવામા આવતા મહત્વના વિકાસની આશા ઠગારી નિવડી છે.
પાલિકા સુત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાથી પાલિકા ભવન માટે ૧.૫ કરોડ અને ગંજ બજારના મેઈનગેટથી કાંસા ચાર રસ્તા થઈ કાંસા રોડ રામાપીર મંદિર સુધી વરસાદી પાણીના નિકાલની કેનાલ બનાવવામાં રૂા.૩.૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. મંત્રીશ્રી ઋષિભાઈ પટેલ કાંસા એન.એ. ગુરૂકુળ રોડ ઉપર ભરાતા વરસાદી પાણીના નિકાલ કરવા રામાપીર મંદિરથી રૂપેણ નદી સુધી કેનાલ માટે રૂા.૬ કરોડની સ્પેશ્યલ કેસમાં ગ્રાન્ટ લાવ્યા તેવી રીતે ગંજબજારથી રામાપીર મંદિર સુધી વરસાદી કેનાલ માટે સ્પેશ્યલ ગ્રાન્ટ લાવ્યા હોત તો પાલિકાને ફળવાયેલ ગ્રાન્ટમાથી મહત્વનો વિકાસ થઈ શક્યો હોત. કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તિવ્ર ઈચ્છા શક્તિ રાખશે તો જ શહેરના મહત્વના વિકાસની ભેટ મળશે. બાકી ત્રણ ટર્મ ગઈ એમ ચોથી ટર્મ પણ પુરી થશે.