ફતેહ દરવાજા વાલ્વમાં ગટરની ગંદકીથી દૂષિત પાણી પીવા મજબુર આરોગ્ય મંત્રીના શહેરમાં લોક સ્વાસ્થ્યની કોઈ દરકાર નહી
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ ગુજરાતની પ્રજાને ઉત્તમ તબીબી સુવિધાઓ મળે અને લોકોનુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે તેમના શહેરમા પાલિકા તંત્રના ખાડે ગયેલા વહિવટના કારણે પાણીના વાલ્વમા ગટરનુ પાણી ભળતુ હોવાથી લોકો દુષિત પાણી પીવા માટે મજબુર બન્યા છે. ઘણા સમયથી આ પરિસ્થિતિ છે ત્યારે આરોગ્ય મંત્રીના શહેરમા જ લોક સ્વાસ્થ્યની કોઈ દરકાર નથી તેમ કહી શકાય.
ઓપરેટરને વાલ્વ ખોલતા પહેલા અંદરથી ગંદકી દૂર કરવી પડે છે
વિસનગરમાં ફતેહ દરવાજા ભક્તોના વાસના નાકે જોગણી માતાના મંદિર નજીક અને અર્બન હેલ્થ સેન્ટરની આગળ છેલ્લા દોઢેક વર્ષથી ગટર ઉભરાઈને ગંદુ પાણી ભરાય છે. ઘણા સમયથી આ સમસ્યા હોવાથી રજૂઆત કરવા છતા પાલિકા દ્વારા ગટર લાઈન રીપેરીંગ કરવામા આવતી નથી. કડા દરવાજા રામાપીર મંદિર આગળથી પસાર થતી મેઈન લાઈનમા ભુવા પડવાથી તેમજ ચોકઅપ થવાથી ઘણા સમયથી ગટરો ઉભરાય છે. પણ રીપેરીંગ થતુ નથી. ભક્તોના વાસના નાકે જયા ગટર ઉભરાયને ગંદુ પાણી ભરાય છે તેની બાજુમા જ પીવાના પાણીની લાઈનના બે વાલ્વ આવેલા છે. આ વાલ્વની પાઈપોમા ગટરનુ પાણી ભરાઈ જાય છે. બોર ઓપરેટર વાલ્વ ખોલવા માટે આવે ત્યારે પ્રથમ પાઈપોમાંથી કચરો કાઢે છેે. કચરો કાઢયા બાદ વાલ્વ ખોલવા માટેનુ લોખંડનુ પાનુ ભરાવે છે.
આ પરિસ્થિતિ એક બે મહિનાની નહી પરંતુ છેલ્લા દોઢ વર્ષથી છે.વાલ્વની પાઈપમા ભરાયેલુ ગંદુ પાણી વાલ્વ ખોલતાની સાથેજ પીવાના પાણીની લાઈનમા ઉતરે છે. જેના કારણે આ વિસ્તારના લોકો ઘણા સમયથી દુષિત પાણી પીવા માટે મજબુર બની રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતા ગટરની સફાઈ કરવામા પણ આવતી નથી કે પીવાના પાણીના વાલ્વમા ગટરનુ પાણી ન ઉતરે તેવી કોઈ વ્યવસ્થા પણ કરવામા આવતી નથી. ગટર ઉભરાતી બંધ કરી શકાતી નથી. પણ વાલ્વની આજુબાજુની આરસીસીનુ લેવલ ઉંચુ કરી વાલ્વમા ગટરનુ પાણી આવતુ રોકી શકાય તેમ છે. પરંતુ આરોગ્ય મંત્રીના શહેરમા પાલિકા દ્વારા લોકોના સ્વાસ્થ્યની કોઈ પરવાહ નહી હોવાથી આ વિસ્તારના લોકો દૂષિત પાણી પીવા માટે મજબુર બની રહ્યા છે.