વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ સામે લટકતી તલવાર
કોંગ્રેસે પક્ષાંતર ધારા હેઠળ ત્રણ સદસ્યો સામે કાર્યવાહી કરતા
વિસનગર તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સદસ્યોએ ગુજરાત પક્ષાંતર ધારા અધિનિયમ ૧૯૮૬ની કલમ -૩ હેઠળ ભાજપમાં જોડાયેલા તાલુકા પંચાયત પ્રમુખ સહિત ત્રણ સદસ્યોને સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા ગુજરાત રાજ્યના નામો દિષ્ટ અધિકારીની કચેરીમાં અરજી કરી હતી. જેમા નામો દિષ્ટ અધિકારીએ તાલુકા પંચાયત પ્રમુખ સહીત ત્રણ સદસ્યોને નોટીસ પાઠવી ગત ગુરુવારના રોજ પોતાનો જવાબ રજૂ કરવાનુ જણાવતા અત્યારે આ મુદ્દે ઠંડીના માહોલમાં તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
વિસનગર તાલુકા પંચાયતની ચુંટણીમા પ્રમુખપદ માટે અનુસુચિત જાતિ મહિલા સીટ જાહેર થતા ભાજપ પાસે ૧૭ સભ્યોની સ્પષ્ટ બહુમતી હોવા છતા કોંગ્રેસના સદસ્યને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના ઈશારે ચુંટણી પહેલા પુદગામ સીટના કોંગ્રેસના અનુસુચિત જાતિના મહિલા સદસ્ય પુષ્પાબેન ચંદ્રેશકુમાર વણકર સહીત તાલુકા પંચાયતનાકોંગ્રેસના ત્રણ સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ ચુંટણીમા કોંગ્રેસના ગુંજા સીટના સદસ્ય જીતુભાઈ હિંમતસિંહ ચૌધરીએ ભાજપના ઉપપ્રમુખના ઉમેદવાર જનકબા ચાવડા સામે ફોર્મ ભર્યુ હતુ ત્યારે વિસનગર તાલુકાના મગરોડા ગામના પી.સી.સી.ડેલીગેટ હસમુખભાઈ ચૌધરીએ કોંગ્રેસના ઉપપ્રમુખના ઉમેદવારને મત આપવા કોંગ્રેસના છ સદસ્યોને વ્હીપ આપ્યો હતો. છતાં કોંગ્રેસના હાથ છોડી ભાજપમા જોડાયેલા અનુસુચિત જાતિના મહિલા સીટના પ્રમુખ પુષ્પાબેન વણકર સહીત ત્રણ સદસ્યોએ કોંગ્રેસના વ્હીપનો અનાદર કરી ભાજપના ઉપપ્રમુખના ઉમેદવાર જનકબા જશવંતસિંહ ચાવડાને મત આપ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસના સવાલા સીટના સદસ્યા શહેરબીબી સરફરાજખાન ખોખર અને ગુંજા સીટના સદસ્ય જીતેન્દ્રકુમાર હિંમતસિંહ ચૌધરીએ ગુજરાત પક્ષાંતર ધારા ૧૯૮૬ની કલમ- ૩ હેઠળ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન વણકર સહીત ભાજપમા જોડાયેલા ત્રણ સદસ્યાને તાલુકા પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા તેઓ વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા તા.૮-૧૧-ર૦ર૩ ના રોજ ગુજરાત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ – ગાંધીનગરના નામો દિષ્ટ અધિકારીને વિવાદ અરજી કરી હતી. જેમા રાજ્યના નામો દિષ્ટ અધિકારી દિલીપભાઈ રાવલે ગત ગુરૂવારના રોજ વિવાદ અરજીની સુનાવણી સમયે તાલુકા પંચાયત પ્રમુખ સહિત ત્રણ સદસ્યોને પુરાવા સાથે પોતાનો જવાબ રજૂ કરવા નોટીસ પાઠવતા તાલુકાના રાજકારણમા ભારે ગરમાવો આવ્યો છે. જો કે અગાઉ જીલ્લા પંચાયતની સવાલા સીટ ઉપરથી ચુંટાયેલા રાજીબેન ચૌધરીના પતિ કોંગ્રેસ અગ્રણી હસમુખભાઈ ચૌધરીએ પણ ચુંટણી ટાણે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમા જોડાયેલા પુદગામ સીટના અનુસુચિત જાતિના મહિલા સભ્યને તાલુકા પંચાયત પ્રમુખના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવા તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવાનુ જણાવ્યુ હતુ. આમ કોંગ્રેસના હોદ્દેદારોની કાયદાકીય લડત જોતા તાલુકા પંચાયતના પ્રમુખપદ ઉપર લટકતી તલવાર હોવાનુ રાજકીય તજજ્ઞો અનુમાન કરી રહ્યા છે. ત્યારે પ્રમુખ પુષ્પાબેન વણકર પોતાનુ પ્રમુખપદ બચાવવા કેટલા સફળ થાય છે તે જોવાનુ રહ્યુ ?