પાઈપમાંથી પાણી નીકળે તોજ બીલ આપવુ-પરેશભાઈ પટેલ
કમાણા રોડ વરસાદી પાણીની લાઈનનો ખર્ચ માથે પડે તેવી શંકા
પાઈપમાંથી પાણી નીકળે તોજ બીલ આપવુ-પરેશભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા સભ્ય પરેશભાઈ પટેલે હંમેશા પાલિકાના વિવાદીત વિકાસ સામે નિડરતાથી અવાજ ઉઠાવ્યો છે. કમાણા રોડ ઉપર અક્ષરધામની સામે રોડની સાઈડમાં નેળીયામાં જમીન ઉપર વરસાદી પાણીની લાઈન નાખતા ભારે વિવાદ સર્જાય છે. પાલિકા સભ્ય પરેશભાઈ પટેલ દ્વારા પાઈપલાઈનમાંથી પાણી નીકળે તોજ કોન્ટ્રાક્ટરને બીલ આપવા રજુઆત કરી છે. આ કેનાલમાં ગટરલાઈનનુ પણ જોડાણ છે ત્યારે પાણી નીકળે છે કે પછી બીલ ચુકવાઈ જાય છે તે ચર્ચાએ જોર પકડ્યુ છે.
વિસનગર પાલિકા દ્વારા કમાણા રોડ ઉપર ગોમતીનગર સોસાયટીના પાછળ ભરાતા ગટરના પાણીના નિકાલ માટે નૂતન મેડિકલ કોલેજના ગેટ આગળ થઈ, રૂદ્રાક્ષ સોસાયટી આગળ થઈ અક્ષરધામ સોસાયટી સામેના ભાગે વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવામાં આવી છે. ગોમતીનગરથી રૂદ્રાક્ષ સોસાયટી સુધી પાઈપલાઈન જમીનની અંદર છે અને ત્યાંથી આગળ નેળીયામાં જમીન ઉપર પાઈપ નાખવામાં આવતા પાલિકા અને કોન્ટ્રાક્ટરની કામગીરી ભારે ચર્ચામાં આવી છે.
સીનેપ્લસ અંબરની પાછળ જલારામ સોસાયટીથી એસ.કે.કોલેજની સામે આસુતોષ સોસાયટી સુધી વરસાદી પાણીની કેનાલ બનાવવામાં આવી છે. જેમાં ગટરના પાણીના પણ જોડાણ છે. આ કેનાલનુ પાણી માર્ગ મકાન વિભાગના નાળામાંથી રોડ ક્રોસ કરી એસ.કે.ના વરંડાની બાજુમાં થઈ ગોમતીનગર સોસાયટીના પાછળના ભાગે ખુલ્લામાં ભરાતુ હતુ. જે પાણીનો નિકાલ કરવા કમાણા રોડ ઉપરની પાઈપલાઈન નાખવામાં આવી છે. સામાન્ય રીતે જોઈએ તો જલારામથી આસુતોષ સોસાયટીની કેનાલ કરતા કમાણા રોડ ઉપરની પાઈપલાઈનનુ લેવલ ઉંચુ દેખાય છે. કેનાલની ગટરનું પાણી આગળ નીકળશે નહી અને જલારામ, આસુતોષ સોસાયટીની કેનાલમાંથી ઉભરાઈ રોડ ઉપર ગંદકી થશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
કમાણા રોડ ઉપર રૂદ્રાક્ષ સોસાયટીની બાજુમાં રોડ સાઈડના ખુલ્લા નેળીયામાં અક્ષરધામ અને ગુરૂદેવ સોસાયટીની ગટરના પાણીનો નિકાલ થતો હતો. ત્યારે વરસાદી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરીમાં પાલિકાના કોન્ટ્રાક્ટરે માટી નાખી પુરાણ કરતા આ બન્ને સોસાયટીની ગટરનુ પાણી ભરાઈ રહેતા તેનો પણ વિવાદ સર્જાયો છે. લેવલ વગરની પાઈપલાઈન નાખવાના વિવાદમાં પાલિકા સભ્ય પરેશભાઈ પટેલે જણાવ્યુ છે કે, વરસાદી પાણીની પાઈપલાઈન નાખવામાં લેવલ જાળવવામાં આવ્યુ નથી. જમીનની અંદર પાઈપલાઈન નાખવાની જગ્યાએ જમીનની ઉપર પાઈપ નાખી છે. આ લેવલમાં પાઈપમાંથી કોઈપણ સંજોગોમાં પાણી નીકળે તેમ નથી. કેનાલમાં ગટરનુ જોડાણ છે ત્યારે પાઈપમાંથી પાણી નીકળે ત્યારે કોન્ટ્રાક્ટરને બીલ આપવુ જોઈએ.