Select Page

વિશ્વમાં અને દેશમાં કરોડો લોકો ભૂખ્યા પેટે ઉંઘે છે લગ્ન પ્રસંગોમાં અન્નનો બગાડ એ જગતનો તાત, અન્નદેવતા અને માઁ અન્નપૂર્ણાના અપમાન સમાન

તંત્રી સ્થાનેથી…

  • અત્યારે લગ્નોની મૌસમ પુર બહારમાં ખીલી છે. શહેરનો કે ગામનો એક પણ વિસ્તાર એવો નથી કે જ્યા લગ્નનો જમણવાર ન હોય. વર્ષો પહેલા જમણવારમાં ફીક્સ ડીશ પીરસવામાં આવતી હતી. અત્યારે દેખાદેખીમાં બે સુપ, બે થી ત્રણ નાસ્તાના કાઉન્ટર અને મુખ્ય ડીસની આઈટમો ગણવામાં આવે તો જમણવારમાં ૧૫ થી ૨૦ જેટલી આઈટમો તો હોયજ છે. જેમાં લગ્નપ્રસંગમાં પૈસા પાત્ર લોકોના જમણવારમાં તો અનેક વસ્તુઓ પીરસવામાં આવે છે. આવા મોટાભાગના જમણવારમાં અન્નનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થાય છે. પહેલાના જમણવારમાં પંગતનો રીવાજ હતો. પંગતના જમણવારમાં અન્નનો બગાડ ખૂબજ ઓછો થતો હતો. જમણવાર બાદ છેલ્લે એક વ્યક્તિ શાહુકારી ઉઘરાવવા થાળી લઈને નિકળતો હતો. જેમાં થાળીમાં વધેલી મીઠાઈ લોકો પરત આપતા હતા. આ મીઠાઈ પાછળથી ગરીબોને આપવામાં આવતી હતી. પરંતુ જ્યારથી બુફે જમણવારની પ્રણાલી શરૂ થઈ છે ત્યારથી પ્રસંગોમાં અન્નનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે. જમણવારમાં આમંત્રીતોની સંખ્યા વધારે હોવાથી કાઉન્ટર ઉપર લાઈન હોવાના કારણે ફરીથી લેવા જવુ પડે નહી તે માટે મોટાભાગના લોકો ડીશમાં ખાવાની ક્ષમતા કરતા વધારે પ્રમાણમાં વસ્તુઓ લેતા હોય છે. જમણવારમાં ઘણા લોકોની ડીશમાં અડધુ અડધ ખાવાનુ પડી રહેલુ જોવા મળે છે. લગ્નપ્રસંગમાં કોઈ રોકટોક નહી હોવાથી અન્નનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થાય છે અને છેવટે એઠવાડમાં વધેલુ ભોજન જતુ હોવાથી કોઈના કામમાં આવતુ નથી. જોકે ધાર્મિક પ્રસંગોમાં હવે અન્નનો બગાડ ન થાય તેની જાગૃતિ આવી છે. જમ્યા બાદ ડીશ મુકવાના સ્થળે સ્વયંમ સેવકો ઉભા હોય છે. જે ડીશમાં વધેલુ ભોજન પૂર્ણ કરવા આગ્રહ કરે છે. જેના કારણે ધાર્મિક પ્રસંગમાં અન્નનો બગાડ થતો નથી. પરંતુ લગ્નપ્રસંગમાં અન્નનો એટલો બગાડ થતો હોય છેકે જે નાના સ્લમ વિસ્તારની ભૂખ દુર કરી શકે છે. જગતનો તાત રાત દિવસ મહેનત કરી લોહી પાણી એક કરે ત્યારે અનાજનુ ઉત્પાદન થતુ હોય છે. હિન્દુ સમાજમાં અન્નને અન્ન દેવતા કહેવામાં આવે છે. ત્યારે જમણવારમાં તેનો બગાડ કરીને કે તેનો વેડફાટ કરી આપણે અન્ન દેવતાનુંજ અપમાન કરીએ છીએ. ઘરમાં અનાજ ખૂટે નહી કે પ્રસંગમાં જમણવારમાં વસ્તુઓ ખુટે નહી તે માટે માઁ અન્નપૂર્ણાને પ્રાર્થના કરીએ છીએ. ત્યારે પ્રસંગોના જમણવારમાં થાળીમાં અન્નનો બગાડ એ માઁ અન્નપૂર્ણાના અપમાન બરોબર છે. આમંત્રીતોની ગણતરી વગર કરેલા જમણવારમાં વધેલુ ભોજન ભૂખ્યા લોકો સુધી પહોચતુ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ કામ કરી રહી છે. ભૂખ્યાની જઠરાગ્નિ ઠારવા જેટલુ પુણ્ય બીજુ કોઈ નથી તેમ છતા પ્રસંગ કરનાર કેટલાક લોકો આટલી ફરજ પણ પુરી કરતા નથી. વિશ્વમાં અને ભારત દેશમાં કરોડો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. હમણા થોડા સમય અગાઉજ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે વિશ્વના ૧૨૫ દેશની યાદીમાં ભારત ૧૧૧ માં ક્રમે છે. ૧૪૫ કરોડની વસતી ધરાવતા દેશમાં એક ટંકનુ ભોજન પણ મેળવી શકતા ન હોય તેવા અતી ગરીબ લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. અન્નનો થતો બગાડ અટકે તો ઘણા ભૂખ્યાની ભૂખ ભાગે. માઁ અન્નપૂર્ણાની કૃપા દ્રષ્ટિથી પ્રાપ્ત થયેલ અન્ન દેવતાનુ મહત્વ સમજતા લોકોએ જમણવારમાં અન્નનો થતો બગાડ અટકાવવો જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us