દેશના ભાગલા સમયના ઘા નહી રૂઝવા દેવા પાછળનુ કારણ શુ?ગદર-૨ એ મનોરંજન આપતી ફિલ્મ નહી પરંતુ હિન્દુ-મુસ્લીમ નફરત વધારતી કથા
તંત્રી સ્થાનેથી…
વર્ષ-૨૦૦૧ માં રિલીઝ થયેલી ગદર એક પ્રેમકથા ફિલ્મમાં દેશના ભાગલા સમયે એક મુસ્લીમ યુવતીને સરણ આપતી અને ત્યારબાદ બાળકને પાકિસ્તાનમાં રહેતી તેની માતા સાથે મિલાપ કરાવતી વાર્તા હતી. આ ફિલ્મમાં પણ ભારત પાકિસ્તાન ભાગલા સમયના કોમી તોફાનો તથા માર કાપના દ્રશ્યો તો હતાજ, પરંતુ તેમાં સ્ટોરી હતી. ગદર ફિલ્મ બન્યા બાદ ૨૨ વર્ષ બાદ ગદર-૨ અત્યારે દેશના સિનેમા ગૃહોમાં ટંકશાળ પાડી રહી છે. આ ફિલ્મ એ ૪૦૦ કરોડ રૂપિયા ઉપરાંત્તનો વકરો કર્યો છે. આ ફિલ્મમાં પણ ૧૯૪૭ મા દેશના ભાગલા પડ્યા અને ભારત અને પાકિસ્તાન બન્ને દેશમાંથી આવતી ટ્રેનોમાં જે મારકાપ થઈ તેના દ્રશ્યો બતાવી કોમી રમખાણોના ઘા તાજા કર્યા છે. ફિલ્મમાં મોટે ભાગે પાકિસ્તાન અને પાકિસ્તાનના મુસ્લીમ વિરોધી દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. તારાસિંહ (સન્ની દેઓલ) પોતાના પુત્રને બચાવવા પાકિસ્તાનમાં જઈ ત્યાની સ્થાનિક પોલીસ, સૈનિકો અને લોકો સાથે બે બે હાથ કરી લે છે. જેમાં તારાસિંહને ઘેરી વળતા ત્રાડ પાડી હેન્ડપંપ સામે જોતાજ પોલીસ અને ફિલ્મમાં બતાવેલ મુસ્લીમો દોટ મુકીને નાસી જતા ફિલ્મ ગૃહોમાં આ સીનથી સીટીઓ વાગે છે. આવા તો ઘણા દ્રશ્યો ફિલ્મમાં છે. પરંતુ પ્રશ્ન એ થાય છેકે ભારતમાં ક્યા સુધી કોમી લાગણીને ઉશ્કેરતી ફિલ્મો બનશે અને બતાવવામાં આવશે. પાકિસ્તાનમાં વર્તમાન સમયમાં હિન્દુ મંદિરો તોડવામાં આવે છે અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ ઉપર કરવામાં આવતા અત્યાચારના અહેવાલો સાભળી ભારતમાં રહેલા હિન્દુઓમાં ભારે રોષ જોવા મળે છે. ગદર-૨ ફિલ્મમાં મુસ્લીમોને ભલે પાકિસ્તાનના બતાવવામાં આવ્યા છે. પરંતુ ભારતમાં, પાકિસ્તાનમાં કે વિશ્વના કોઈપણ દેશમાં રહેતા મુસ્લીમોનો સંપ્રદાયતો એકજ છે ને? આવા દ્રશ્યો બતાવી ભારતમાં રહેતા મુસ્લીમોને નારાજ કરી કોમી વૈમનસ્ય ફેલાવા સીવાયનુ કંઈ નથી. ક્યા સુધી આવી ફિલ્મો બનતી રહેશે? ભારત દેશ આઝાદ થયો ત્યારથી ગદર-૨ સુધી એવી અનેક ફિલ્મો બની છેકે જેમાં હિન્દુઓ મુસ્લીમોથી અલગ છે અને મુસ્લીમો પારકા છે તેવી માત્રને માત્ર વાહિયાત સ્ટોરીથી જાતિવાદનુ ઝેર પિરસવામાં આવ્યુ છે. લાકડીના ઘા થી પાણી છૂટુ પડવાનુ નથી, તેમ દેશના હિન્દુ-મુસ્લીમ છુટા પડી શકવાના નથી. ભારતમાં હિન્દુ ઉપરાંત્ત મુસલમાન, ખ્રીસ્તી, પારસી, શીખ એક મેકની સાથે રહે છે. પરંતુ કોમવાદ મુખ્યત્વે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે વિકસવા પામ્યો છે. જેમાં આવી ફિલ્મોએ કોમવાદને પોષ્યો છે. કડવાશભર્યા સામાજીક વાતાવરણમાં કોમવાદી માનસને ઉછરતા વાર લાગતી નથી. આજના કોમવાદની શરૂઆત અંગ્રેજોના શાસન દરમ્યાન અને વિશેષ તો ૧૮૫૭ ના બળવા પછી થઈ છે. ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી અંગ્રેજોએ બન્ને કોમને એકમેકથી જુદી રાખી કોમવાદી ઝઘડાના બીજ રોપ્યા. દેશ આઝાદ થયે ૭૬ વર્ષ થયા, પરંતુ ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો હજુ પણ અંત આવ્યો નથી. અંગ્રેજો ભારતમાંથી જતા હવે દેશની રાજકીય પાર્ટીઓએ હિન્દુ મુસ્લીમ વચ્ચે ભાગલા પાડો, કોમી તોફાનો કરાવો અને રાજ કરોની નીતિ અપનાવી છે. જોકે હવે શિક્ષિત સમાજે રાજકીય નેતાઓની મેલી મુરાદને બરોબરની સમજી લેતા હવે કોમી હુલ્લડોના બનાવો ખુબજ ઘટી ગયા છે. બન્ને સમાજના લોકો કોમવાદની માનસિકતા ભુલી તેમાંથી બહાર નિકળવાનો પ્રયત્ન કરે છે. તેવામાં ફરીથી ગદર-૨ જેવી ફિલ્મો કે રાજકીય ઈશારે થતા કોમી તોફાનો કોમવાદને તાજો કરે છે. જ્યા શાંતી હોય ત્યાંજ વિકાસ થાય છે. દેશમાં શાંતી અને વિકાસ જોઈતો હશે તો કોમવાદને પોષતી પ્રવૃત્તિઓ ઉપર સરકારેજ પ્રતિબંધ મુકવો પડશે.