Select Page

મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી જળ સંકટ ટળ્યુ નર્મદા લાઈનમાં ભંગાણથી વિસનગરમાં લગ્નપ્રસંગો ખોરવાયા

મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી જળ સંકટ ટળ્યુ નર્મદા લાઈનમાં ભંગાણથી વિસનગરમાં લગ્નપ્રસંગો ખોરવાયા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નર્મદા આધારીત વિસનગર પાણી પુરવઠા જુથ યોજના એ વખાણી ખીચડી દાઢે વળગ્યા જેવી સાબીત થઈ છે. લાઈનમાં ભંગાણ સર્જાતા દસ દિવસ સુધી પાણી બંધ રહેશે. અચાનક નર્મદા પાણી પુરવઠો બંધ કરવામાં આવતા વિસનગરમાં અસંખ્ય લોકોના લગ્ન પ્રસંગ ખોરવાયા હતા. મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ધરોઈનો બીજો વિકલ્પ ખુલતા ત્રણ દિવસે શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થા ઠેકાણે પડી હતી.
નર્મદા આધારીત વિસનગર જુથ પાણી પુરવઠા યોજના શરૂ થઈ ત્યારે વિસનગર શહેરમાં હવે ક્યારેય પાણીની મુશ્કેલી પડશે નહી તેવી આશા હતી. પરંતુ આ આશા ઠગારી નિવડી છે. વાલમ પ્લાન્ટમાં પાણી પુરૂ પાડતી આગળની લાઈનમાં ભંગાણ થતા તા.૨૬-૧૧-૨૩ ના રોજથી શહેરમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. લગ્નની સીઝન પુર બહારમાં હતી. તેવામાં સુચના વગર અચાનક પાણી પુરવઠો બંધ કરવામાં આવતા શહેરના ઘણા લોકોના લગ્નપ્રસંગ બગડ્યા હતા. લગ્નમાં આવેલા મહેમાનો માટે પાણીની અગવડ ઉભી થઈ હતી. મહોલ્લામાં જ્યા ટેન્કર જઈ શકે તેમ નહોતા તેમની હાલત તો કફોડી બની હતી. ત્રણ દિવસનો શહેરમાં ટેન્કર રાજ આવી ગયુ હતુ. નર્મદા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર પાણી બંધ કરી શહેરને બાનમાં લેતા તેનો ભારે રોષ જોવા મળ્યો હતો.

પાલિકા પ્રમુખ લગ્ન પ્રસંગ છોડી દોડ્યા, વોટર વર્કસ ચેરમેને વડનગરના ધક્કા ખાધા

વખાણી ખીચડી દાઢે વળગી, દસ દિવસ સુધી નર્મદાનુ પાણી બંધ રહેશે
શહેરીજનોના સદ્‌નસીબે એ તો સારૂ હતુ કે ધરોઈનો વિકલ્પ ખુલ્લો હતો. પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે મંત્રી ઋષિભાઈ પટેલનુ ધ્યાન દોરતા તેમના પ્રયત્નોથી તુર્તજ ધરોઈની લાઈન શરૂ કરાવી હતી. બે વર્ષથી લાઈન બંધ હોવાના કારણે વાલ બગડી ગયો હોવાથી એક દિવસ રીપેરીંગમાં ગયો હતો. આમ શરૂઆતના ત્રણ દિવસ તો શહેર પાણી વગરનુ રહેતા ભારે અફડા તફડી સર્જાઈ હતી. પ્રમુખ ઉત્તમભાઈ પટેલ કુટુંબના લગ્નપ્રસંગ છોડી વડનગર દોડી ગયા હતા. જ્યારે વોટર વર્કસ ચેરમેન વડનગરના પાંચ થી છ ધક્કા ખાધા ત્યારે ધરોઈ લાઈનનો પુરવઠો શરૂ થયો હતો. લાઈનો બે વર્ષથી બંધ હોવાથી શરૂઆતમાં કાટ વાળુ ડહોળુ પાણી મળતા તેની પણ ભારે બુમરાડ થઈ હતી.
વિસનગરના ધારાસભ્ય ભાજપના વળી પાછા અદના મંત્રી અને પાલિકામાં ભાજપના ૩૧ સભ્યોની બહુમતી છતા નર્મદાના અધિકારીઓ આગવી કોઈ જાણ કર્યા વગર અચાનક પુરવઠો બંધ કરતા વિરોધ પક્ષે જણાવ્યુ હતું કે, વિસનગરના ધારાસભ્ય મંત્રી પદે હોય તો આવી પરિસ્થિતિ સર્જાવીજ ન જોઈએ. ગત બોર્ડમાં વિકાસ મંચના સભ્યોને ધારાસભ્યનો કે સરકારનો કોઈ સપોર્ટ નહોતો છતા પાંચ વર્ષ પાણીની આવી બુમ આવવા દીધી નથી. તો કયુ બોર્ડ સારૂ? ભાજપના કેટલાક સભ્યો તુમાખી ભર્યા જવાબ આપતા પણ ખચકાતા નથી. મત લીધા હોય તો મતદારો રજુઆત તો કરવાનાજ. વોર્ડ નં.પાંચના એક મહિલાએ સ્વચ્છતા બાબતે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પીનાબેન શાહને ફરિયાદ કરતા રોષ ઠાલવ્યો હતો કે, હવે ભાજપને મત આપીશુ નહી. ત્યારે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પીનાબેન શાહે શાંતીથી જવાબ આપવાની જગ્યાએ સારૂ ફરીથી વિચારજો તેવો જવાબ આપ્યો હતો. એક તરફ પૂરતુ પાણી મળતુ ન હોય તો લોકોને સાત્વના આપવાની જગ્યાએ ભાજપના સભ્યોના તુમાખી ભર્યા જવાબથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નર્મદાનુ પાણી ક્યારે મળશે તેવા પ્રશ્નમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલે તા.૫-૧૨-૨૦૨૩ ને મંગળવારથી નર્મદા આધારીત જુથ યોજનાનો પુરવઠો મળશે તેમ જણાવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us