Select Page

રાજ્યપાલની ઉપસ્થિતિમાં તરભ શિવધામમાં વિકસિત ભારત યાત્રાનું સ્વાગત


મહેસાણા
સરકારની વિવિધ યોજનાઓના લાભથી એક પણ લાભાર્થી છૂટી ના જાય એ સંકલ્પ સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન સમગ્ર દેશમાં કરાયું છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના તરભ ખાતે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા પૂર્વે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અવધૂત દ્વાર, વાળીનાથ અખાડા મંદિરથી શ્રમદાન કરી લોકોને પ્રેરિત કર્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણની હાકલ કરી છે. ત્યારે સરકારની યોજનાઓનો લાભ તમામ લાભાર્થીના ઘર સુધી પહોંચે તે માટે સૌએ પ્રયાસ કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, લાભાર્થીઓ સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી સંવાદથી એ સ્પષ્ટ થાય છે કે સરકારે જરૂરીયાતમંદ નાગરિકોના ઉત્કર્ષ માટે ખરા અર્થમાં ચિંતા કરી છે. તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જરૂરીયાતમંદ પ્રત્યેક નાગરિક સુધી પહોંચવાના સંકલ્પરૂપ ગણાવી સૌને આ વિકાસ કાર્યમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.
આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવામાં આવી રહ્યા છે. પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને યાત્રા દરમિયાન વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાનો ૧૦૦ ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે.
વિકસિત ભારત
સંકલ્પ યાત્રા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણની હાકલ કરી છે-આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના દશ તાલુકાઓમાં દરરોજ બે ગ્રામ પંચાયોતોમાં આ યાત્રા થકી છેવાડાના માનવીને તેનો લાભ મળી રહ્યો છે.આ યાત્રા અનુંસંધાને આજ દિન સુધી ૨૦૮ મહિલાઓ,૫૭ છાત્રો,૩૩ ખેલાડીઓ અને ૨૪૩ જેટલા સ્થાનીય કલાકારોનું સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા ૧૫ દિવસમાં ૨૪૩ લાભાર્થીઓ મંચ પરથી ’મેરી કહાની મેરી જુબાની’ની વિશેષ પ્રસ્તુતિ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ફરી રહેલા રથો થકી વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તથા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને દેશવાસીઓને વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થવા આહ્‌વાન કર્યું હતું. વડાપ્રધાને ’નમો ડ્રોન દીદી યોજના તેમજ દશ હજારમા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનો પ્રારંભ કરાવી તેના લાભાર્થી રૂચી કુમારી સાથે સંવાદ કર્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત મહાનુભાવો તથા શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનુભાવો સહિત ગ્રામજનોએ વિકસિત ભારત માટે સામૂહિક સંકલ્પ લીધા હતા. ’મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના સ્થાનિક લાભાર્થીઓ દ્વારા પોતાના સુખદ અનુભવ વર્ણવીને કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી.જમાં પ્રાકૃતિક કૃષિ કરતા તરભ ગામના પટેલ કાનજીભાઇએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત લાભો જણાવ્યા હતા તેમજ કુંભાર સિધ્ધીબેને પોતાને મળેલ આવાસ યોજના અંતર્ગત સરકારનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉજ્જવલા, આયુષ્યમાન ભારત, પોષણ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ યોજના વગેરેના લાભાર્થીઓને લાભ અપાયા હતા. સફળ મહિલાઓ તથા રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે રમીને ગૌરવ અપાવનારા રમતવીરોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિજિટલ ઇન્ડિયા તથા નલ સે જલ જેવી યોજનાઓમાં ૧૦૦% લક્ષ્યસિદ્ધિ હાંસલ કરવા માટે તરભ ગ્રામ પંચાયતને મહાનુંભાવોએ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ, મહંત જયરામગીરી, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, કીરીટભાઇ પટેલ, સરદારભાઇ ચૌધરી, અગ્ર સચિવ પંચાયત મોનાબેન ખંધાર, જિલ્લા કલેકટર એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, અગ્રણી ગીરીશભાઇ રાજગોર, હિરેશભાઈ પટેલ(વાલમ) સહિત જિલ્લાના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રબુધ્ધ નાગરિકો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, ગુજકોમાસોલના ડીરેક્ટર અંકિતભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ(કમાણા) તથા કે.સી. પટેલ(કાંસા)એ ભારે દોડધામ કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us