ટી.ડી.ઓ.સુચીબેન પટેલ સહીઓ કરવામાં વિલંબ કરતાવિસનગર તાલુકા પંચાયતમાં દાખલા માટે અરજદારોને ધક્કા
વિસનગર તાલુકા પંચાયતના ટીડીઓ સરકારી અને રાજકીય કાર્યક્રમોની કામગીરીમાં સતત વ્યસ્ત રહેતા ગામડાના અરજદારો આવકના, જાતિના તથા અન્ય દાખલા માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. આ હેરાનગતી બાબતે અરજદારોએ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સમક્ષ રોષ ઠાલવતા તેમને ગામડાના અરજદારોને ઝડપી દાખલા મળે તેવું આયોજન કરવા ટીડીઓને ટકોર કરી હતી. ત્યારે ટીડીઓ સુચીબેન પટેલ દાખલા માટે અરજદારોને થતી હેરાનગતી દુર કરવામાં કેટલી ગંભીરતા લે છે તે જોવાનું રહ્યુ?
અરજદારોએ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકબા ચાવડાને રજુઆત કરતા તેમને અરજદારોને ઝડપી દાખલા મળે તેવુ આયોજન કરવા ટીડીઓને ટકોર કરી હતી
અગાઉ ઈન્ચાર્જ ટીડીઓ મનુભાઈ પટેલ કાર્યક્રમોની જવાબદારીની વ્યસ્તતામાં પણ સમયસર દાખલામાં સહીઓ કરતા હતા
અત્યારે કોઈપણ સરકારી લાભ લેવા માટે આવકનો દાખલો, જાતિનો દાખલો તથા અન્ય દાખલાઓની લોકોને ફરજીયાત જરૂર પડે છે. જેના કારણે દાખલા લેવા માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં અરજદારોનો રોજેરોજ ઘસારો રહે છે. જેમાં વિસનગર ટીડીઓ સુચીબેન પટેલ અત્યારે સરકારી અને રાજકીય કાર્યક્રમોની કામગીરીમાં સતત વ્યસ્ત રહેતા ગામડાના અરજદારો પોતાના દાખલા લેવા માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. અગાઉ ટીડીઓ મેઘાબેન ભગત દાખલાઓમાં સહીઓ કરવામાં વિલંબ કરતા અરજદારોએ તાલુકા પંચાયતમાં ભારે હોબાળો કર્યો હતો. ત્યારબાદ તેઓ લાંબી રજા ઉપર ઉતરી જતા ઈન્ચાર્જ ટીડીઓ તરીકે તાલુકા પંચાયતની વહીવટી કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા મનુભાઈ એમ.પટેલને ચાર્જ સોપવામાં આવ્યો હતો. જોકે વિસનગરમાં કોઈપણ કારણે ટીડીઓ લાંબો સમય નહી ટકતા અવાર નવાર મનુભાઈ પટેલને ચાર્જ સોપવામાં આવતો હતો. ઈન્ચાર્જ ટીડીઓ મનુભાઈ પટેલના સમયગાળામાં મોટા મોટા સરકારી અને રાજકીય સફળ કાર્યક્રમો યોજાયા હતા. પરંતુ તેમની વહીવટી કુશળતાના લીધે ક્યારેય અરજદારોને દાખલા લેવા માટે કચેરીના ધક્કા ખાવા પડતા નહોતા. અને કોઈપણ કાર્યક્રમ હોય તો પણ તેઓ માનસિક તણાવમાં રહેતા નહોતા. જ્યારે અત્યારે ટીડીઓ સુચીબેન પટેલ કાર્યક્રમો અને મીટીંગોની વ્યસ્તતાના કારણે સમયસર દાખલાઓમાં સહીઓ કરતા નથી. આ બાબતે દાખલા માટે ધક્કા ખાઈને થાકેલા અરજદારોએ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકબા ચાવડાને રજુઆત કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારે ઉપપ્રમુખના પતિ જશવંતસિંહ ચાવડા(કડા સરપંચ)એ ગામડાના અરજદારોને ઝડપી દાખલા મળે તેવુ આયોજન કરવા ટકોર કરી હતી. હવે ટીડીઓ સુચીબેન પટેલ ગામડાના અરજદારોને દાખલા માટે થતી હેરાનગતી દુર કરવામાં કેટલી ગંભીરતા લે છે તે જોવાનું રહ્યુ? નહી તો આગામી ટુંક સમયમાં દાખલા માટે તાલુકા પંચાયતમાં હોબાળા થાય તો નવાઈ નહી.