વડનગરમાં એરપોર્ટ બનાવવા ૧૪૦ સર્વે નંબરોની માપણી કરાશે
- એરપોર્ટ આસપાસ જમીન લેવા દલાલો અને ઈન્વેસ્ટરો સક્રિય
વડનગરમાં એરપોર્ટ બનાવવા માટે વડનગર, ગુંજા અને ચાંદપુરા ગામના ૧૪૦ નંબરો જ્યાં છે તેની તપાસણી માટે એરપોર્ટ ઓથોરીટી ટીમે મુલાકાત લીધી હતી. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા વડનગરના ૬૪ સર્વે નંબર, ગુંજાના ૬૯ સર્વે નંબર અને ચાંદપુરના ૭ સર્વે નંબરનો પ્રિ-ફિઝીબિલિટીસ્ટડી માટે સ્થળ ચકાસણી કરી હતી.
ગુંજા હેલીપેડ પાસે બપોર એરપોર્ટ ઓર્થોરીટીની ટીમ સાથે ડી.આઈ.એલ.આર. કચેરીના ત્રણ સર્વેયરો સાથે ટીમ અને ગુંજાના સરપંચ સાથે નક્શા બાબતે ચર્ચા કરી હતી. એરપોર્ટ માટે પસંદ કરાયેલા પોઈન્ટો જોવા આખી ટીમ ફરતી હતી. ગુંજા હેલીપેડ પાસે ખેડુતો પહોંચી વિરોધ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગુંજા રેલ્વે લાઈન, દમેશ્વર તળાવ, વડબાર પાટીયા, વડનગર રોડ ટચ સ્કુલ, પાર્ટીપ્લોટ, વડનગર નવોદય વિદ્યાલય પાછળ રેલ્વે ટ્રેક આસપાસ ત્રણથી ચાર કલાક ચકાસણી કરી વિવિધ સ્થળના ફોટા પાડયા હતા. વડનગર, ગુંજા અને ચાંદપુરના ૧૪૦ સર્વે નંબરો સંપાદિત થશે તેવુ લાગતા ગુંજાના ખેડુતોએ વિરોધ શરૂ કર્યો છે. ૧૪૦ સર્વે નંબરોમા હજારો ખેડુત પરિવારો રહે છે. જેમાંથી કેટલાક કાયમી ખેડૂત તરીકે નામ શેષ થશે. વડનગરનો અભુતપૂર્વ વિકાસ થતા વડનગર- ગુંજા રોડ ઉપર જમીનનો ભાવ કરોડોને આંબી ગયા છે. ત્યારે ખેડુતોને યોગ્ય વળતર મળે તે માટે હવે લાંબી લડત ના શ્રી ગણેશ થઈ ગયા છે. અને છેલ્લે મળતી માહીતી પ્રમાણે વડનગર, સિધ્ધપુર, ખાતે એરપોર્ટ બનાવવા સરકારે એમ.ઓ.યુ. પણ કરી દીધા છે.
વડનગર એરપોર્ટ બનતુ હોવાથી જમીન દલાલો અને ઈન્વેસ્ટરો દ્વારા વડનગરમાં આંટાફેરા શરૂ કરી દીધા છે. વડનગરમાં એરપોર્ટ બનાવવા જમીન સંપાદનનુ જાહેરનામુ પ્રસિધ્ધ થયા પછી જમીનનો ભાવ આસમાને જશે. જેથી ખેડુતો છેતરાય નહી અને જમીનો સસ્તા ભાવે વેચી ન દે તે બાબતે જાગૃત આગેવાનોએ ખેડુતોને સમજાવવા પડશે.