Select Page

વિસનગર SBM શાખાના કલ્સ્ટર કો.ઓર્ડીનેટર સામે લાંચનો આક્ષેપ

વિસનગર SBM શાખાના કલ્સ્ટર કો.ઓર્ડીનેટર સામે લાંચનો આક્ષેપ

ઉમતામાં શૌચાલયની સહાય મંજુર કરવા મુદ્દે

  • અગાઉ મનરેગા અને મહેસાણા વોટરશેડ શાખાના કર્મચારીઓ સામે ગેરરીતીના આક્ષેપો થયા હતા. જેમાં કોઈની સામે હજુ સુધી કડક પગલા લેવાયા નથી

વિસનગર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન યોજના (SBM) શાખાના કરાર આધારિત એક કલ્સ્ટર કો.ઓર્ડીનેટરે સૌચાલય માટેની સરકારી સહાય મંજુર કરવા ઉમતાના બે લાભાર્થીઓ પાસેથી ચાર મહિના પહેલા રૂા૧૫૦૦ લાંચ લીધી હોવાનો આક્ષેપ થતા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ભારે ભુકંપ સર્જાયો છે. આ બાબતે બંન્ને લાભાર્થીએ મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને મહેસાણા એ.સી.બી. શાખામાં અરજી કરી કલ્સ્ટર કો-ઓર્ડીનેટર સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. ત્યારે આ તપાસમાં કર્મચારી સામે ક્યારે અને શું પગલા લેવાય છે તે તો સમય જ બતાવશે?
ભાજપ સરકાર વર્ષોથી સરકારી કચેરીઓમા ચાલતો ભ્રષ્ટાચાર નાબુદ કરવાના પ્રજાને વચનો આપે છે. પરંતુ સરકારના કેટલાક ઉચ્ચ તપાસ અધિકારીઓ ભ્રષ્ટાચારી બાબુઓ સામે કડક કાર્યવાહી નહી કરતા ભ્રષ્ટાચારનો સડો ઉધઈની જેમ સરકારી કચેરીઓમાં ફેલાયો છે. અત્યારે સરકારી કચેરીમાં લેતીદેતીના વ્યવહાર વગર કોઈ કામ થતુ નહી હોવાનું લોકો માની રહ્યા છે. જેથી અરજદારો પોતાનું કામ ઝડપથી કરાવવા લક્ષ્મીજીના સાધક કહેવાતા અધિકારીને નોટો આપવા મજબુર થાય છે જો કોઈ જાગૃત નાગરિક ભ્રષ્ટ કર્મચારી વિરૂધ્ધ ઉચ્ચ અધિકારીને રજુઆત કરે તો તેમાં મોટી વગ ધરાવતા કર્મચારીને બચાવવા તપાસમાં ભીનુ સંકેલાય છે. જ્યારે સામાન્ય કર્મચારીને માથાના વાળ જેટલા કાયદા અને નિયમો બતાવીને તેની સામે કડક કાર્યવાહી થાય છે. આમ તપાસ અધિકારીની બેવડી નિતિના લીધે ભ્રષ્ટ કર્મચારીઓ સેટીંગ કરવા જરાય પાછી પાની કરતા નથી. અત્યારે ભ્રષ્ટાચારની તપાસમાં મોટેભાગે સામાન્ય કર્મચારીઓ કાયદાની ચુંગાલમાં ફસાય છે. અગાઉ વિસનગર તાલુકા પંચાયતની મનરેગા શાખા અને મહેસાણા વોટર શેડ શાખાના કર્મચારીઓ સામે વિકાસકામોમાં ગેરરીતીની આક્ષેપોની અરજીઓ થઈ હતી જેમાં મહેસાણા વોટર શેડ શાખાના કરાર આધારિત મહિલા એન્જીનીયર સામેના ગેરરીતીના આક્ષેપમાં અરજદારે કમિશનની માગણીની વાતચીતનું મોબાઈલ રેકોર્ડીંગ રજુ કર્યુ હતુ. આ વાતચીતમાં મહિલા કર્મચારી પોતાના સાહેબને ૪.૫૦ લાખ કમિશનનો હિસાબ આપવાની વાત કરે છે. આ ભ્રષ્ટ મહિલા કર્મચારી કોણ છે તેના અવાજનો FSL રિપોર્ટ બાકી છે.જોકે આ બંન્ને ગેરરીતીના આક્ષેપોની તપાસમાં આજદીન સુધી કોઈની સામે કડક પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે વિસનગર તાલુકાના ઉમતા ગામમાં પટેલ ગાંડાલાલ ત્રિભોવનદાસ અને પ્રજાપતિ ગીતાબેન રજનીકાન્ત બંન્ને લાભાર્થીએ મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિસનગર સ્વચ્છ ભારત મિશન (SBM) શાખાના એક કલ્સ્ટર કો-ઓર્ડીનેટર ઉપર બનાવેલા શૌચાલયમાં સરકારી સહાય મંજુર કરવાના રૂા.૧૫૦૦ લાંચ લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. આ બંન્ને લાભાર્થીઓએ સહાય બાબતે કલ્સ્ટર સાથે મોબાઈલ ઉપર વાતચીત કરતા કલ્સ્ટરે રૂા.૧૫૦૦ લીધા હોવાનુ સ્વિકારી જો સહાય ન મળે તો રૂા.૧૫૦૦ના ડબલ પાછા આપવાનું કહે છે. પરંતુ શૌચાલય બનાવવાની સરકારી સહાય નહી મળતા ગાંડાભાઈ પટેલ અને ગીતાબેન પ્રજાપતિએ તા.૧-૧૨-૨૦૨૩ના રોજ મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડા અને મહેસાણા એ.સી.બી. શાખાના પી.આઈ. શ્રીને અરજી કરી કલ્સ્ટર કો.ઓર્ડીનેટર સામે પગલા લેવાની માગણી કરતા મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મોટો ભુકંપ સર્જાયો છે. હવે આ અરજીની તપાસ ક્યાં સુધી ચાલે છે અને કર્મચારી સામે શું પગલા લેવાય છે તે તો સમય જ બતાવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us