અદ્ભૂત સંયોગ – અયોધ્યામાં વડાપ્રધાન મોદીએ જ્યારે વિસનગરમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે રામજી મંદિરના દ્વાર ખોલ્યા
અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ દિન ભારત દેશ માટે ઐતિહાસિક બની ગયો છે તેમ ઝાંપલીપોળ શ્રી રામજી મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ વિસનગરના ઈતિહાસના પાને લખાશે. ભારત દેશની તો ખબર નથી પરંતુ આખા ગુજરાતમાં વિસનગરનુ શ્રી રામજી મંદિરજ એક એવુ મંદિર છેકે જેની પુનઃ પ્રતિષ્ઠા અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ દિન અને સમયની સાથે થઈ. અયોધ્યામાં વડાપ્રધાન મોદીએ શ્રીરામની ભવ્ય પ્રતિષ્ઠા કરી જ્યારે વિસનગરમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે મૂર્તિ પુનઃ પ્રતિષ્ઠા કરી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલ્યા હતા. આ સમયે મંદિર આગળ ભક્તજનો સમાતા નહોતા અને દ્વાર ખુલતાજ મોટી સંખ્યામાં લોકોએ જય શ્રી રામનો વિજયઘોષ કરી શ્રી રામજી મંદિરમાં બીરાજમાન ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. ઝાંપલીપોળ રામજી મંદિરની પુનઃ પ્રતિષ્ઠા થતા આ વિસ્તાર ધમધમતો અને જીવંત થયાનો સ્થાનિક રહેવાસી અને વેપારીઓને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
વિસનગરમાં સંદેશ, ગુજરાત સમાચાર અને અન્ય દૈનિક પેપરોના વ્યવસાયના સ્થાપક તથા દરબાર કુમાર શાળા નં.૧ ના પૂર્વ આચાર્ય ગોવર્ધનદાસ પી.બ્રહ્મભટ્ટ તેમજ પ્રચાર સાપ્તાહિકના આદ્ય સ્થાપક તંત્રી અને બચુભાઈ પેપરવાળાના નામથી પરિચિત બાલમુકુન્દભાઈ ગોવર્ધનદાસ બ્રહ્મભટ્ટના સ્મરણાર્થે પ્રચાર સાપ્તાહિક પરિવાર દ્વારા જીર્ણોધ્ધાર કરવામાં આવેલ ગુંદીખાડ ઝાંપલીપોળ શ્રી રામજી મંદિરનો ત્રણ દિવસનો ભવ્ય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં તા.૨૦-૧-૨૦૨૪ ના રોજ રાત્રે ગુંદીખાડ પરામાં સુંઢીયાવાળા અને હાલ અમદાવાદ રહેતા ધવલભાઈ વ્યાસ દ્વારા સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંદિરના જીર્ણોધ્ધારમાં દાન આપનાર અને નિભામણી ફંડમાં દાન આપનાર દાતાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. તા.૨૧-૧-૨૦૨૪ ની રાત્રે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી અને સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગ ગુજરાત સરકારના સૌજન્યથી ગુજરાતના નામી કલાકારોની ઉપસ્થિતિમાં શ્રી રામના ભજનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિસનગરના વતની અને ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર તેમજ વિસનગરના કોન્ટ્રાક્ટર પંકજભાઈ બારોટના નાના ભાઈ પ્રશાંતભાઈ બારોટે સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સુંદરકાંડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન પટેલ બાબુભાઈ બેન્કરે કર્યુ હતુ.
બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ પત્ની તેમજ પાલિકાના પૂર્વ કોર્પોરેટર અરૂણાબેન બ્રહ્મભટ્ટ, પ્રચાર સાપ્તાહિકના મેનેજીંગ તંત્રી મનોજભાઈ બ્રહ્મભટ્ટ અને તેમના પત્ની હિનાબેન બ્રહ્મભટ્ટ સમગ્ર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન બની યજ્ઞના આચાર્ય રાજુભાઈ એ.જોષી રાજુભાઈ મહારાજ અને વેદાચાર્ય ચીરાગભાઈ દવે ઉંઝાના વૈદિક મંત્રોથી પુનઃ પ્રતિષ્ઠાની પુજા કરી હતી. પ્રતિષ્ઠા મહોત્સવમાં ચમત્કાર અને સાક્ષાતકાર એ થયો હતો કે પ્રતિષ્ઠા થયેલ મૂર્તિના જ્યારેનેત્ર ખોલવામાં આવ્યા ત્યારે મૂર્તિ સમક્ષ મુકવામાં આવેલ આયનાના કાચ ફૂટી ગયા હતા.
અયોધ્યા રામ મંદિર સાથેનો અદ્ભૂત સંયોગ એ હતો કે અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સમયે શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેજ સમયે ૧૨ કલાક ૨૮ મિનિટ અને ૮ સેકંડે ઝાંપલીપોળ રામજી મંદિરમાં મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા વિસનગરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી. પ્રતિષ્ઠા બાદ કેબીનેટ મંત્રીશ્રીએ મંદિરના પિત્તળથી સુશોભિત દ્વાર ખોલતાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ જય શ્રી રામનો વિજયઘોષ કરી દર્શનનો લાભ લીધો હતો. આ સમયે દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી. અયોધ્યા રામ મંદિરથી પૂજન થઈને આવેલ મુખ્ય અક્ષત કળશના દર્શનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ઝાંપલીપોળ રામજી મંદિર આગળ અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના લાઈવ પ્રસારણ માટે એલ.ઈ.ડી. સ્ક્રીન મુકવામાં આવી હતી. વડાપ્રધાન મોદી પૂજાની થાળી લઈને મંદિરમાં પ્રવેશ કરતા જોઈ જય શ્રી રામનો વિજયઘોષ થયો હતો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સહીત ભાજપના કાર્યકરોએ અયોધ્યા મંદિર પ્રતિષ્ઠાનુ પ્રસારણ નિહાળ્યુ હતુ. ગુંદીખાડ પાટીદાર સમાજે ત્રણ દિવસના મહોત્સવની નિઃસ્વાર્થ ભાવે જવાબદારી ઉપાડી પ્રતિષ્ઠા મહોત્સવને નિર્વિઘ્ને સફળ બનાવ્યો હતો. વિસનગરમાં શ્રી રામજી મંદિરનો અયોધ્યા મંદિર સાથેજ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતો હોઈ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ પૂર્ણ સહકાર મળ્યો હતો.
૨૫૦૦ માણસનો ભોજન પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. આ દિવસે શહેરના દરેક વિસ્તાર, દરેક સોસાયટી, દરેક મહોલ્લા, વિવિધ સંસ્થાઓ, વેપારી મંડળો, મિત્ર મંડળો દ્વારા જમણવારના કાર્યક્રમો કરવામાં આવ્યા હોવા છતા ઝાંપલીપોળ રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં ૨૭૦૦ ઉપરાંત્ત રામ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
ઝાંપલીપોળ શ્રી રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સાથે મહત્વની બાબત તો એ છેકે પટણી દરવાજાથી લાલ દરવાજા સુધીનો જુનો ગંજબજાર વિસ્તાર એક સમયે વેપાર ધંધાથી ધમધમતો હતો. બજાર ખસી જતા આ વિસ્તાર પડી ભાગ્યો હતો. ત્યારે શ્રી રામજી મંદિરના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવથી દર્શનાર્થીઓની અવર જવર શરૂ થતા આ વિસ્તાર પુનઃ ધમધમતો બની ગયો છે.