Select Page

સન્માન ન આપો તો કંઈ નહી પરંતુ ઈતિહાસ ભુસવાનો મતબલ શું? ત્રણ દરવાજા ટાવર બજરંગ ચોક કાર સેવકોના ઈતિહાસ સાથે જોડાયેલો

સન્માન ન આપો તો કંઈ નહી પરંતુ ઈતિહાસ ભુસવાનો મતબલ શું? ત્રણ દરવાજા ટાવર બજરંગ ચોક કાર સેવકોના ઈતિહાસ સાથે જોડાયેલો

અયોધ્યા રામ મંદિર મહોત્સવ નિમિત્તે વિસનગરમાં તમામ સંસ્થાઓ, વેપારીઓ, સમાજો, મિત્ર મંડળો, સોસાયટી અને મહોલ્લા દ્વારા અભૂતપૂર્વ કાર્યક્રમો થયા હતા. જેમાં ત્રણ દરવાજા ટાવર પાસે બજરંગ ચોક હોવા છતા ગોવિંદચકલા બજરંગ ચોક નામકરણ કરવામાં આવતા વિવાદ છંછેડાયો છે. કાર સેવકોએ રોષ સાથે લાગણી વ્યક્ત કરી છેકે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખરેખર બલીદાન આપનાર કાર સેવકોનુ સન્માન કરવુ જોઈએ. સન્માન ન આપવામાં આવે તો કંઈ નહી પરંતુ કાર સેવકોનો ઈતિહાસ ભુસવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે દુઃખદ બાબત છે. પૈસો, સત્તા અને જુથબળ હોય તેનો ગેરલાભ ઉઠાવી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. ત્રણ દરવાજા ટાવર બજરંગચોક કાર સેવકોના ઈતિહાસ સાથે જોડાયેલો છે.
અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિસનગરમાં ગોવિંદ ચકલા ધિણોજ નાગરિક બેંક આગળના ચોકને સ્થાનિક વેપારીઓ અને મકાન માલિકો દ્વારા ગોવિંદચકલા બજરંગ ચોક નામકરણ કરવામાં આવ્યુ હતુ. જ્યાંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં માયાબજારમાં લબ્ધ પ્રતિષ્ઠીત અને બુધ્ધીજીવી વેપારીઓએ હાજરી આપી હતી. ગોવિંદચકલા બજરંગ ચોક નામકરણ કરવામાં આવતાજ અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ૩૪ વર્ષથી જે રામ ભક્તો પોતાનુ બલીદાન આપી રહ્યા છે તે કાર સેવકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. કાર સેવકો પૈકીના હર્ષદભાઈ પી.પટેલ, રાજુભાઈ બજરંગી અને બકુલભાઈ દાવડાએ કાર સેવકોના ઈતિહાસ સાથે ખીલવાર કરતુ કૃત્ય વખોડ્યુ હતુ. હર્ષદભાઈ પટેલે જણાવ્યુ છેકે, ત્રણ દરવાજા ટાવર સામે વિવિધ સ્ટેચ્યુ પાછળનો ચોક એ અયોધ્યા મંદિરની જમીનના વિવાદની લડતમાં વિસનગર માટે સેન્ટર પોઈન્ટ હતુ. જ્યા અયોધ્યા મંદિર માટે કાર્યક્રમો થતા હતા. આ ચોકમાં ત્રિશૂળ અર્પણ કરવાનો કાર્યક્રમ થયો હતો. કાર સેવકોએ આ ચોકમાંથી અયોધ્યા જવા માટે પ્રસ્થાન કર્યુ હતુ અને કાર સેવકોની યાદમાં બજરંગ ચોક નામ આપવામાં આવ્યુ હતુ. આ ચોકમાં લોખંડનો પોલ ઉભો કરી કુંભ મુકવામાં આવ્યો હતો. ત્યારે બીજી જગ્યાએ બજરંગ ચોક નામકરણ કરી કાર સેવકોની પ્રતિષ્ઠા અને ભાવનાને ઠેસ પહોચાડી છે. અન્ય જગ્યાએ બજરંગ ચોક નામકરણ કરતા પહેલા કાર સેવકોએ આપેલ ભોગ અને સન્માનનો વિચાર કરવો જોઈતો હતો. આજ કાર્યક્રમ ત્રણ દરવાજા ટાવર આગળ કર્યો હોત તો એમાં શુ તકલીફ હતી.
રાજુભાઈ બજરંગીએ આક્રોશ વ્યક્ત કર્યો છેકે, જે તે સમયે હરીનભાઈ પાઠક સંસદ સભ્ય હતા અને ૧૯૯૦ માં કારસેવામાં ગયા હતા. રામભક્ત જયંતિભાઈ પટેલને નરોડા પાટીયે ગોળી મારતા વિસનગરના આ બજરંગ ચોકમાં હવન કર્યો હતો. મે હાથમાં ત્રિશૂલનો ઘા કરી મારા લોહીથી રક્ત તિલક કર્યુ હતુ. બજરંગ ચોક એકજ છે. કાર સેવકોના માનમાં બજરંગ ચોક નામ આપવામાં આવ્યુ છે. અન્ય જગ્યાએ રામ ચોક, શહીદ ચોક કે અન્ય નામ આપી શકાય. કાર સેવકોને સન્માન આપી શકતા ન હોય તો અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. જે લોકોએ નામ આપ્યુ છે તે ખોટુ કર્યુ છે. સત્તા અને જૂથ બળના જોરે ઈતિહાસ બદલી શકાય નહી. ઈતિહાસ બદલવાનો પ્રયત્ન કરનારનો ઈતિહાસ ભુસાઈ ગયો છે. જ્યારે બકુલભાઈ દાવડાએ જણાવ્યુ છેકે, ૧૯૯૦ માં ત્રણ દરવાજા ટાવર આગળ ધજા લગાવી કળશ મુકીને બજરંગ ચોક નામ આપવામાં આવ્યુ છે. જે સમયે વજીરખાન પઠાણ પાલિકા પ્રમુખ હતા અને બજરંગ ચોક નામકરણનો પાલિકામાં ઠરાવ પણ કરવામાં આવ્યો છે. ત્રણ દરવાજા ટાવર સામેનો જે ચોક છે તેજ સાચો બજરંગ ચોક.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts