Select Page

અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં દિવાળી જેવો માહોલ થયો સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ૧,૫૧,૧૧૧ દીવાથી શ્રીરામ-સીતાજીની પ્રતિકૃતિ ઝળહળી

૨૨ જાન્યુઆરી, સોમવારના દિવસે સમગ્ર ભારત દેશ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. બીજી તરફ આ ઐતિહાસિક પળની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામના જીવન આધારિત નાટકો, શોભાયાત્રા, ભજન, રામકથા, રામધૂન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા આ ઐતિહાસિક પળને યાદગાર અને ભવ્ય બનાવવા તારીખ ૨૨ જાન્યુઆરીના દિવસે યુનિવર્સિટી ખાતે ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ૧,૫૧,૧૧૧ દીપ પ્રગટાવીને ‘દીપોત્સવ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ દીવડાઓથી સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ઉર્જામય વાતાવરણનું નિર્માણ થયું હતુ તેમજ યુનિવર્સિટીના ઓપનએર થિયેટર સ્થળે દિવડાઓથી પ્રભુ શ્રીરામ અને સીતાજીની પ્રતિકૃતિ બનાવી હતી જેની ઝળહળતી રોશનીમાં શ્રી સીતારામના દર્શન થયા હતા, જેનું વિશેષ આકર્ષણ રહ્યું હતું.
આ પ્રસંગે નુતન સ્કૂલ તથા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભુ શ્રીરામના જીવન ચરિત્રની અનુભૂતિ કરાવતી નાટયાવલી પણ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત દેશના જાણીતા અને ખ્યાતનામ કલાકાર અક્ષય પટેલ, ભરત બારીયા અને તેમના ગ્રૂપ ‘નૃત્યાવલી’ દ્વારા વસુધૈવ કુટુંબકમની અતિ ભવ્ય દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ અને શ્રીરામ ઉત્સવ નૃત્ય નાટિકા ઉપર નૃત્યાવલી કાર્યક્રમ પણ પ્રસ્તૃત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા જીલ્લા સાંસદ શારદાબેન પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ગુજરાતનાં પ્રસિધ્ધ શિક્ષણવિદ અને લેખક ડો.મફતલાલ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, નુતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, યુનિવર્સિટીના હોદ્દેદારો અને અન્ય આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ, રોટરી ક્લબ, વિસનગર અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આ ઐતિહાસિક પળની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે તેમના ઉદ્દબોધનમાં રામાયણમાં સમાવિષ્ટ આદર્શોને અનુરૂપ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને જાળવી રાખવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ કાર્યક્રમને યાદગાર તથા ભવ્ય બનાવવા માટે તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ, આયોજકો અને સહભાગીઓનો તેમજ પ્રભુ શ્રી રામ સીતાજીની પ્રતિકૃતિ બનાવવામાં અમુલ્ય સહયોગ બદલ ગાંધીનગર કલ્ચરલ ફોરમના પ્રતીનીધી સુનીલભાઈ જોશી અને સી.એલ.મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલે તેમના પ્રાસંગીક ઉદ્દબોધનમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર ઉપર ભાર મૂક્યો હતો અને ન્યાયી અને સુમેળભર્યા સમાજની રચનામાં તેનું મહત્વ સમજાવ્યું હતુ. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આજે આખા વિસનગરમાં નહિ પ્રગટ્યા હોય એટલા દીવાઓ સાંકળચંદ પટેલ યુનીવર્સીટી નાં આંગણે પ્રગટી ચુક્યા છે તે બદલ આ ઐતિહાસિક અવસરની ઉજવણીમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની પહેલની પ્રશંસા કરી હતી. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના “દિપોત્સવ” કાર્યક્રમ થકી માત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જ સીમા ચિહ્નિત કર્યો ન હતો પરંતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક જાગૃતિ લાવવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે કરવામાં આવેલ આતશબાજીથી સમગ્ર વાતાવરણમાં દિવાળી જેવો માહોલ ગુંજી ઉઠ્યો હતો. સાંકળચંદ પટેલ યુનીવર્સીટીના રજીસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદીએ આ “દીપોત્સવ” કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સાથ સહકાર મળેલ તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us