સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવતા કેબીનેટ મંત્રીની પડખે રહીશુ તો શહેરને અને સંસ્થાઓને ફાયદો થવાનો છેલોકસભાની ટીકીટની ક્યાય દાવેદારી કરી નથી-પ્રકાશભાઈ પટેલ
મહેસાણા લોકસભા સીટમાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં નિરિક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવતા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની દાવેદારીની ચર્ચાથી શહેરના રાજકારણમાં ભારે ચકચાર જાગી હતી. દાવેદારીની રાજકીય ચર્ચાનુ ખંડન કરતા પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, લોકસભાની ટીકીટ માટે કોઈ દાવેદારી કરવામાં આવી નથી. રાજકીય પ્રતિસ્પર્ધા કરવાની જગ્યાએ તક મળી છે ત્યારે સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવતા કેબીનેટ મંત્રીશ્રીના હોદ્દાનો શહેરના અને સંસ્થાઓના હિતમાં વધુમાં વધુ લાભ લેવો જોઈએ તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી.
લોકસભાની ચુંટણીમાં મહેસાણા સીટની સેન્સ પ્રક્રિયામાં જીલ્લાના અન્ય નેતાઓ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની સમર્થકો દ્વારા દાવેદારી કરવામાં આવી હોવાના અહેવાલથી વિસનગરના રાજકારણમાં હલચલ જોવા મળી હતી. જે બાબતે પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, પ્રથમ તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં નિરિક્ષકો ક્યારે આવ્યા તેની કોઈ ખબર નથી. નિરિક્ષકો સમક્ષ ટીકીટની દાવેદારી માટે મારા કોઈ સમર્થક રજુઆત કરવા ગયા નથી. હું રજુઆત કરવા ગયો નથી કે ટેકેદારોએ રજુઆત કરી નથી પછી નામ ક્યાથી આવ્યુ તેની કોઈ જાણકારી નથી. હુ તો દાવેદાર નથીજ પરંતુ વિસનગરના કોઈને ટીકીટ મળશે તો તેમાં વિસનગરનુજ ભલુ થયાનુ છે. કેબીનેટ મંત્રી વિસનગરના હોય અને સાંસદ વિસનગરના હોય તો તેનો શહેરને વધુ લાભ મળશે. જ્યારે જીલ્લામાં સિનિયર આગેવાનો હોય ત્યારે મારે ટીકીટની દાવેદારીમાં કોઈનો ઓવરટેક કરવાનો થતો નથી.
સાંકળચંદદાદા, શીવાકાકા અને રમણીકભાઈ મણીયારની જેમ શહેરના તથા સંસ્થાઓના વિકાસમાં હંમેશા સુમેળભર્યુ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયત્ન કર્યો છે
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સાથેના મતમતાંતર બાબતે પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, ઋષિભાઈ પટેલનુ રાજકીય કદ ઘટે તેવુ ક્યારેય કર્યુ નથી. તેમણે પદ માટે કદ નીચુ થાય તેવા પ્રયત્નો કર્યા નથી. સંસ્થાના વિકાસમાં ઋષિભાઈ પટેલે હંમેશા હકારાત્મક અભિગમ દાખવી મદદ કરી છે. વિસનગરને પ્રથમ વખત કેબીનેટમાં સ્થાન મળ્યુ હોય અને એ પણ વિસનગરનુ પ્રતિનિધિત્વ સરકારમાં બીજા નંબરના સ્થાને હોય ત્યારે શહેરના તેમજ સંસ્થાઓના વિકાસમાં સદ્ઉપયોગજ કરવાનો હોય. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ વિસનગર અને ગુજરાતનુ ગૌરવ છે. અત્યારે જે સંસ્થાઓ ચલાવીએ છીએ તે શહેરના હિતમાજ ચલાવીએ છીએ. ઋષિભાઈ પટેલની પડખે રહીશુ અને ખભે બેસાડીશુ તો તેનો લાભ શહેરનેજ મળવાનો છે.
પ્રકાશભાઈ પટેલે એ પણ જણાવ્યુ હતું કે ગત વિધાનસભામાં ત્રણ ટર્મથી ધારાસભ્ય હોય તેમને રીપીટ કરવા કે ન કરવા તેવો પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવાય તેવી શક્યતા હતી. જેમાં ઋષિભાઈ પટેલની સુચનાથીજ ટીકીટની દાવેદારી કરી હતી. નૂતન હોસ્પિટલમાં સ્ઇૈંમશીનનુ ઉદ્ઘાટન કેબીનેટ મંત્રીશ્રીના હસ્તેજ કરવાનુ હતુ. જેમાં ઋષિભાઈ પટેલને પુછીને ૧૬/૨ નો કાર્યક્રમ નક્કી કરતા તેમને દિલ્હી જવાનુ થતા ઉદ્ઘાટન માટે તા.૧૫/૨ નક્કી કરાઈ. જે દિવસે સરકારનુ પ્રતિનિધિ મંડળનો ગબ્બર પરિક્રમ કાર્યક્રમ ગોઠવાતા ઋષિભાઈ પટેલ હાજર રહી શક્યા નહોતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અમથેર માતાજીના કાર્યક્રમમાં આવતા તેમના હસ્તે તા.૧૫-૨ ના રોજ સ્ઇૈં મશીનનુ ઉદ્ઘાટન કરાયુ. ઋષિભાઈ પટેલને ક્યારેય ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો નથી. શહેરના અને સંસ્થાઓના વિકાસમાં સાંકળચંદદાદા, શીવાકાકા અને રમણીકભાઈ મણીયારની જેમ હંમેશા સુમેળભર્યુ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયત્ન કર્યો છે. પાર્ટી બોલાવે કે ઋષિભાઈ સૂચન કરે તો દાવેદારી કરવાની અલગ વાત છે. લોકસભાની ટીકીટ માટે કોઈ દાવેદારી કરી નથી અને ક્યાથી નામ જાહેર થયુ તેની કોઈ ખબર નથી.