Select Page

સવાલા દરવાજા કેનાલ કામમાં વિલંબ પાછળનું રહસ્ય શું?

સવાલા દરવાજા કેનાલ કામમાં વિલંબ પાછળનું રહસ્ય શું?

પ્રમુખે પોતાના વિસ્તારની કેનાલનું કામ ધમધોકાર શરૂ કર્યુ

સવાલા દરવાજા કેનાલ કામમાં વિલંબ પાછળનું રહસ્ય શું?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીને સવાલા દરવાજા કેનાલ પાકી બનાવવાનું કામ શરૂ થાય તેમા કોઈ રસ હોય તેવુ જણાતુ નથી. પ્રમુખ પોતાના વોર્ડમા કેનાલનુ કામ ધમધોકાર શરૂ કરાવવામાં સવાલા દરવાજાની કેનાલ ભુલી ગયા હોય તેમ જણાય છે. પ્રમુખ માટે શહેરનો તમામ વિસ્તાર એક સમાન હોય, ત્યારે વિકાસમા ભેદભાવ રાખતા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
વિસનગરમાં ગોવિંદ ચકલા પટેલવાડી પાછળની કાચી કેનાલ પાકી બનાવ્યા બાદ સવાલા દરવાજા નાળાથી ભાથીટીંબા, ઠાકોરવાસથી અંબિકા, આશિષ સોસાયટીના નાળા સુધી કાચી કેનાલ પાકી બનાવવાનું ટેન્ડરીંગ તત્કાલીન પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસનમાં થયુ હતુ. જેમા ભાથી ટીંબા, ઠાકોરવાસ, ભુતનાથ મહાદેવ મંદિરથી અંબિકા-આશિષ સોસાયટીના નાળા સુધીની કેનાલ બનાવવાનું કામ શરૂ થયુ હતું. પરંતુ કોન્ટ્રાક્ટરની ગેરરીતીના કારણે કેનાલનું કામ અટકી ગયું હતું. સવાલા દરવાજા નાળાથી મંદિર સુધીની કેનાલમાં કોઈ વિવાદ ન હોતો. તેમ છતાં કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે કેનાલનું કામ થઈ શક્યુ ન હોતું.
પાલિકા પ્રમુખની ખુરશી ઉપર ગોવિંદભાઈ ગાંધી બેસતા કેનાલ પાકી બનાવવાની લડત શરૂ કરનાર ગોવિંદભાઈ ગાંધીના શાસનમાં સવાલા દરવાજા નાળાથી કેનાલનું કામ શરૂ થાય તેવી આશા બંધાઈ હતી. ગોવિંદભાઈ ગાંધી પ્રમુખની ખુરશી સંભાળ્યા બાદ લગભગ ૧૧માસ પછી કેનાલનું કામ શરૂ કરવાનુ નાટક કર્યુ હતુ. જેમા તા.૬-૧૧-૨૦૧૯ના રોજ ગોવિંદચકલાના ઉકરડાનો વરંડો તોડી જેસીબીથી કેનાલ સાફ કરાવાનો ડોળ કરાયો હતો. પરંતુ કામ આગળ વધ્યુ નહોતું. દરીયામા અને નદીઓમા પુલ બને છે ત્યારે કેનાલમા થોડા ઘણા ચાલુ પાણીએ કોન્ટ્રાક્ટર કામ કરવામાં આનાકાની કરતા ગટરના પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા પાઈપ લાઈન નાંખવા લગભગ અઢી લાખ રૂપિયાનું ટેન્ડરીંગ કર્યુ હતુ. જે ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટર પાઈપ લાઈન નાખી નહી શક્તા આ ટેન્ડર રદ ખરી બીજી ટેન્ડરીંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ છે. પરંતુ હજુ સુધી નાળાથી મંદિર સુધી કેનાલનુ કામ શરૂ થયુ નથી.
પ્રથમ બે વર્ષથી વિલંબમા મુકાયેલ કેનાલ બનાવવા પ્રમુખ પ્રયત્ન કરવા જોઈએ ત્યારે પ્રમુખ પોતાના વિસ્તારમા એટેલે કે, અંબિકા, આશિષના નાળાથી પરિમલ સોસાયટીનું નાળુ જૈન મંદિર સુધીના નાળા સુધીની કેનાલ પાકી બનાવવામા યુધ્ધના ધોરણે કામ શરૂ કર્યુ છે. પોતાના વિસ્તારનુ કામ ઝડપથી કરવાના મોહમા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી એ ભુલી ગયા છે કે, શહેરના તમામ વિસ્તારના થતા કામ તેમના મને એક સમાન છે. સવાલા દરવાજા નાળાથી અંબિકા, આશિષના નાળા સુધીની કેનાલની આસપાસ ગરીબ શ્રમજીવી વર્ગના લોકો રહે છે. કાચી અને ગંદકી ભરેલી કેનાલના કારણે આ લોકો વર્ષોથી રીબાઈ રહ્યા છે. ચુંટણી સમયે આ ગરીબ શ્રમજીવી વર્ગના લોકોના મત કિંમતી લાગે છે. પરંતુ પ્રમુખની ભેદભાવ ભરી નિતિના કારણે આ ગરીબ શ્રમજીવી વર્ગના લોકોની કોઈ કિંમત કે મહત્વ હોય તેવુ જણાતુ નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us