Select Page

ધરોઈ કેનાલમાંથી દેળીયા તળાવમાં પાણી ક્યારે ઠલવાશે?

ધરોઈ કેનાલમાંથી દેળીયા તળાવમાં પાણી ક્યારે ઠલવાશે?

સિંચાઈ માટે કેનાલ શરૂ થયે બે માસ ઉપરાંતનો સમય થયો

ધરોઈ કેનાલમાંથી દેળીયા તળાવમાં પાણી ક્યારે ઠલવાશે?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરનું ઐતિહાસિક દેળીયુ તળાવ પાલિકાની ઈચ્છા શક્તિના અભાવે નધણીયાતુ બન્યુ છે. સિંચાઈ માટે કેનાલમા પાણી છોડવામા આવે ત્યારે દેળીયા તળાવમાં પાણી ઠલવવા જણાવ્યુ હતું. સિંચાઈ માટે કેનાલમા પાણી શરૂ થયે બે માસનો સમય થવા છતા હજુ દેળીયામા પાણી છોડવામાં આવ્યુ નથી. ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ એ કેમ ભુલી ગયા છે કે દેળીયુ તળાવએ વિસનગરનોજ એક ભાગ છે.
ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની નિષ્કાળજીથી અને ઉપેક્ષાથી શહેરનું ઐતિહાસિક દેળીયુ તળાવ બંજર બને તેવી પરિસ્થિતિ ઉદ્‌ભવી છે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીમા વહિવટી અણઆવડત હોવાથી આ દેળીયુ તળાવ ભરે તેવી આશા રાખવી ખોટી છે. ગત ચોમાસામાં ધરોઈ ડેમ ભરાતા તેનુ પાણી કેનાલોમા નાખી તળાવો ભરવાનું શરૂ કરાયુ હતું. રાજ્ય સરકારે પણ ધરોઈના ઓવરફ્લો પાણીથી ઉત્તર ગુજરાતના ૧૦૦ તળાવો ભરવાની જાહેરાત કરી હતી. ધરોઈના પાણીથી દેળીયુ તળાવ ભરવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તેમના કાર્યાલયમા ધરોઈ સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની હાજરીમાં મિટીંગ કરી હતી. સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ દેળીયુ તળાવ ભરવાની તૈયારી પણ કરી હતી. તળાવ ભરવા કેનાલમા પાણી છોડવાનું હતુ. ત્યારે કેનાલનો કેટલોક ભાગ જર્જરીત હોવાનું જણાવી પાણી છોડવામા આવ્યુ ન હોતું.
હવે દેળીયુ તળાવ ક્યારે ભરાશે તેવી ચર્ચા અંગેના પ્રશ્નમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ૧૫ નવેમ્બર પછી સિંચાઈ માટે જ્યારે પણ પાણી છોડવામા આવશે તે વખતે કેનાલનુ પાણી વાળીને દેળીયુ તળાવ ભરવામાં આવશે. સિંચાઈ માટે કેનાલમા પાણી છોડ્યા બાદ બે માસ ઉપરનો સમય વિતી ગયો છે ત્યારે આ જવાબદાર પદાધિકારીઓની ઉપેક્ષાથી બિચારૂ-બાપડુ બનેલું દેળીયુ તળાવ ધરોઈનું પાણી ક્યારે આવે છે તેની આતુરતાથી રાહ જોઈને બેઠુ છે. ધરોઈ કેનાલમા પાણીની આવકથી ખેરાલુ તાલુકાના તળાવ ભરવામાં આવી રહ્યા છે. તે વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ખેડુતોના પ્રયત્નોથી તળાવ ભરવામા આવી રહ્યા છે. દેળીયુ તળાવ ભરાવાથી તેનો ખેતી માટે કોઈ લાભ નહી હોવાથી આ તળાવ ભરવા કોઈ પ્રયત્ન થતો નથી. તેનાથી વિપરીત જોઈએ તો પિંડારીયા તળાવના પાણીથી ખેતી થતી હોવાથી આ વિસ્તારના ખેડુતોની જાગૃતિથી પિંડારીયુ ભરાયુ છે. મતના રાજકારણમા ધારાસભ્ય પિંડારીયું ભરવા પ્રયત્ન કરે છે. પરંતુ જે તળાવનુ ઐતિહાસિક મુલ્ય છે તે દેળીયુ તળાવ ભરવા કોઈ પ્રયત્ન થતો નથી. તે દુઃખની બાબત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us