Select Page

કેનાલની દિવાલ ઉંચી કરાઈ-લોખંડની જાળી લગાવાશે

કિશોરીએ જીવ ગુમાવ્યા બાદ પાલિકાને ડાહપણ આવ્યુ

  • પાલિકા દ્વારા પાણીનો વહેણ જતી કેનાલનો સર્વ કરી લોખંડની જાળી લગાવવાનો નિર્ણય કરાયો

જ્યાં ઝઘડા, વિવાદ અને કંકાસ હોય, એક બીજાને પાડવા અને પગ ખેચવાના જ વિચારો મગજમાં રમતા હોય ત્યાં સારા કાર્યોના વિચાર આવતો નથી. વિસનગર પાલિકામાં આવુ જ થયુ છે. કિશોરીએ જીવ ગુમાવ્યા બાદ હવે ડહાપણ આવ્યુ છે. થલોટા ચાર રસ્તા પાસેની કેનાલની દિવાલ ઉંચી કરવામા આવી છે અને બીજી તરફ કેનાલની આગળ જાળી લગાવવાનો નિર્ણય કરાયો છે. આ બનાવ બાદ પાણીનો વહેણ જતો હોય તેવા કેનાલોનો સર્વે કરી લોખંડની જાળી લગાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
એતો ચોક્કસ વાત છે કે વિસનગર પાલિકાની નિષ્કાળજી અને ફક્ત કાગળ ઉપર પ્રિમોન્સુનની કામગીરીના કારણે ધો.૮માં અભ્યાસ કરતી જીયા નાયીએ જીવ ગુમાવ્યો છે. બનવાકાળ આ બનાવ પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલના વોર્ડનં-૧માં બન્યો છે. કિશોરીએ જીવ ગુમાવતા વિવાદો કરવા ટેવાયેલી પાલિકા વિરૂધ્ધ ભારે રોષ ઉદ્‌ભવ્યો હતો. કિશોરીએ જીવ ગુમાવ્યા બાદ બીજા જ દિવસથી ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલની દેખરેખમાં અભય શોપીંગ સેન્ટર તરફની કેનાલની દિવાલ બનાવવાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરાયુ હતુ. કિશોરી જે બાજુથી કેનાલમાં તણાઈ તે તરફ પણ પ્રોટેકશન કામગીરી કરવામા આવી હતી. કેનાલના નાળાના મુખ આગળ પણ લોખંડની જાળી લગાવવાની પણ કાર્યવાહી કરાઈ હતી. જો કે આ ડહાપણ પહેલા આવ્યુ હોત તો નાયી પરિવારને દિકરી ગુમાવવાનો વારો આવ્યો ન હોત.
કિશોરી જીયા નાયીની જેમ શહેરના બીજા કોઈનો ભોગ ન લેવાય તે માટે પોતાના વોર્ડમાં આવા ભયજનક ખાડા કે કેનાલ હોય તો પાલિકાને જાણ કરવા સભ્યોને સુચન કરાયુ હતુ. આ ઉપરાંત પ્રમુખ વર્ષાબેન પટેલ પાલિકા સભ્યોને સાથે રાખી ભયજનક કેનાલનો સર્વે કરાયો હતો. વિવાદોથી ઘેરાયેલા પ્રમુખે ચોમાસા પહેલા આવો સર્વે કર્યો હોત તો જીયા નાયીનો જીવ બચી શક્યો હોત બનાવ બાદ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો દોડતા થઈ ગયા છે. જાહેર માર્ગ ઉપરથી કેનાલમાં પાણી જતુ હોય તેવી તમામ જગ્યાઓનો સર્વે કરી લોખંડની જાળી લગાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
જો કે થલોટા રોડ ઉપર પાણી ન ભરાય અને આવતા પાણીનો તુર્તજ નિકાલ થાય તેવી હજુ કાર્યવાહી કરવામા આવી નથી. થલોટા ચાર રસ્તા નાળામાં મોટા પત્થર, ઝાંડી-ઝાંખરા અને કાદવ ખડકાયેલો છે. કિશોરીને બચાવવા માટે જીવના જોખમે વૃધ્ધ અમરતભાઈ પટેલ નાણાના અંદરના ભાગે ૧પ ફુટ સુધી ગયા હતા. જેઓ નાળામાં ઝાડી ઝાંખરા અને કાદવના કારણે ખુંપી ગયા હતા. વચ્ચે મોટા પથ્થર હોવાથી આગળ વધી શક્યા નહોતા. નાળુ જો અંદરના ભાગેથી સાફ હોતતો વૃધ્ધ કિશોરી સુધી પહોંચી શક્યા હોત. નાળુ અંદરના ભાગેથી સાફ કરવામાં આવે તો થલોટા રોડ તરફથી આવતુ તમામ પાણી ગાળી શકે તેમ છે. જો કે પાલિકા તંત્ર પાસે નાળા અંદરના ભાગેથી સાફ કરવા કોઈ મશીનરી કે વ્યવસ્થા નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us