Select Page

વિસનગરમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનુ ઠેર ઠેર સ્વાગત

રથ મોસાળા મહોત્સવમાં ઉમિયા માતાની વાડીએ હતો ત્યારે વ્યાયામ વિરો સાથેની યાત્રા ડોસાભાઈ બાગે પહોચી

વિસનગરમાં પરંપરાગત રથયાત્રાનો ઉત્સાહ દર વર્ષે વધતો જાય છે. હરિહર સેવા મંડળ દ્વારા વિવિધ વેશભુષા અને નૃત્ય મંડળીઓ પાછલ માતબર રકમનો ખર્ચ કરવામાં આવતા રથયાત્રા દર્શનનુ લોકોમાં આકર્ષણ વધતુ જાય છે. નગરપરિક્રમા માટે નિકળેલા ભગવાન જગન્નાથજીનુ ઠેર ઠેર સ્વાગત સાથે રથયાત્રાને લોક ઉત્સવ બનાવવા માટે હરિહર સેવા મંડળના ટ્રસ્ટી દ્વારકેશભાઈ મણીયાર સહિતના સંચાલકોનુ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.
વિસનગર અષાઢી બીજ તા.૨૦-૬-૨૦૨૩ને મંગળવારના રોજ હરિહર સેવા મંડળથી વર્ષ પરંપરાગત ૪૩મી રથયાત્રાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અને શહેર તાલુકા ભાજપ દ્વારા રૂા.૧,૫૧,૦૦૦/-મા ચડાવો કરી આરતીનો લાભ લીધો હતો. જ્યારે રૂા.૩૧,૦૦૦/- ચડાવો બોલી પટેલ હસમુખભાઈ સાંકળચંદભાઈ જનસંઘવાળાએ પ્રથમ રથ ખેચવાનો લ્હાવો લીધો હતો. રથયાત્રાનો ખર્ચ રૂા.૭ થી ૮ લાખ જેટલો થાય છે. ત્યારે આરતી તથા રથ ખેચવાના ચડાવાની આવક વધારે થાય તે માટે હરિહર સેવા મંડળ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. સવારે ૧૦-૩૦ કલાકે રથયાત્રાના પ્રસ્થાન થવાની જગ્યાએ અડધો કલાક મોડુ થયુ હતુ. રસ્તામાં ઠેર ઠેર સેવા કેમ્પ અને રથના સ્વાગતના કારણે મોસાળા મહોત્સવમા ઉમિયા માતાની વાડીએ બપોરે ૧૨-૩૦ કલાકે જગન્નાથજીની રથયાત્રા સાથે પહોચ્યા હતા. જ્યાં રથયાત્રીઓનો જમણવાર, ભગવાન જગન્નાથજીને છપ્પભોગ વિગેરે કાર્યક્રમોના કારણે મોડુ થતા રથ ઉમિયા માતાની વાડીએ હતો. ત્યારે વ્યાયામ શાળાના વ્યાયામ વિરો સાથેનો રથયાત્રાનો આગળનો ભાગ ડોસાભાઈ બાગ આગળ પહોચ્યો હતો. પાછળથી સુચના આપવામાં આવતા રથયાત્રા આગળ જતી રોકવામાં આવી હતી. મોસાળા મહોત્સવના તમામ કાર્યક્રમો બાદ લગભગ બપોરે ૩-૦૦ કલાકે ઉમિયા માતાની વાડીથી જગન્નાથજીનો રથે બાકીની યાત્રા માટે પ્રસ્થાન કર્યુ હતુ.
આ વર્ષે રથયાત્રામાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રથયાત્રાના રૂટમા લગભગ ૪૦ સ્થળોએ સેવા કેમ્પ અને વિવિધ સમાજ દ્વારા જગન્નાજી, સુભદ્રા અને બાલભદ્રજીનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રથયાત્રામા જોડાયેલી ૧૫ થી ૨૦ જેટલી વેષભુષા અને આદિવાસી તેમજ અન્ય નૃત્યની ટીમોએ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. લગભગ એક કિ.મી.થી પણ વધારે લાંબી રથયાત્રા જ્યાથી પસાર થઈ ત્યા માનવ સાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રા જ્યાથી પસાર થઈ ત્યાં “જય રણછોડ માખણ ચોર” “મંદિરમા કોણ છે રાજા રણછોડ છે” ના જય ઘોષથી અલૌકીક ધાર્મિક વાતાવરણ છવાયુ હતુ. વર્ષ પરંપરાગતના રૂટ ઉપર ફરીને રથયાત્રા સાંજે ૬-૩૦ કલાકે હરિહર સેવા મંડળમા પરત ફરી હતી. કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગી, ડી.વાય.એસ.પી.દેસાઈ તથા પી.આઈ, એસ.એસ.નિનામાનુ સતત પેટ્રોલીંગ રહ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us