Select Page

વધુ અપેક્ષાઓ દુઃખને આમંત્રણ આપે છે

વધુ અપેક્ષાઓ દુઃખને આમંત્રણ આપે છે

તંત્રી સ્થાનેથી…

દરેક માનવીને કોઈને કોઈ ઈચ્છા થતી રહેતી હોય છે. પરંતુ વધુ પડતી ઈચ્છાઓ અપેક્ષામાં પરીવર્તન પામે છે ત્યારે વ્યક્તિ પોતે પોતાનો ફાયદો મેળવવા પ્રયાસ કરતો રહે છે જ્યારે સામેવાળી વ્યક્તિથી તે અપેક્ષા ચોક્કસ કારણોને લઈ પુરી ન થઈ શકે ત્યારે પોતે દુઃખી દુઃખી થઈ જાય છે. જે વ્યક્તિ અપેક્ષાઓ પૂરી નથી કરી શકતો તેના ઉપર પૂર્વગ્રહ બંધાતા વાર લાગતી નથી. ઈચ્છા મુજબ જો સામે વાળી વ્યક્તિ વર્તે નહિ તો તે વ્યક્તિ માટે પૂર્વગ્રંથી બંધાઈ જાય છે. વધુ પડતી અપેક્ષાઓ માનવીને લાલચુ, લોભી, આળસુ પણ બાનવી દે છે. અપેક્ષા દરેક માનવીના સ્વભાવમાં રહેલી હોય છે. પણ વધારે પડતી અપેક્ષા રાખવાથી માણસ દુઃખની ખીણમાં ધકેલાઈ જાય છે. અપેક્ષા પૂરી ન થતાં માનવીની લાગણીને ઠેસ લાગતાં સંબંધો બગડવામાં બાકી રહેતું નથી. વ્યક્તિએ જેની પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી હોય તેને માટે નકારાત્મક વિચારો આવે છે. એણે આમ કેમ કર્યુ, તેણે આમ કરવું જોઈતું હતું. વ્યક્તિએ કોઈના પર ઉપકાર કરી અપેક્ષા રાખવી ન જોઈએ. રાખેલી અપેક્ષાનો બદલો ઉપેક્ષાથી થાય ત્યારે લાગણીશીલ માણસની લાગણી ઘવાય છે અને તે રડમસ થઈ જાય છે. અપેક્ષા પૂરી ન થતા માનવી ઘણી વખત હતાશ થઈ જાય છે. અપેક્ષા મર્યાદિત હોય તો વાંધો નથી આવતો. પરંતુ જ્યારે અતિરેક થઈ જાય છે ત્યારે માનવી પોતાના પગ ઉપરજ કુહાડી મારે છે. પ્રવર્તમાન સંજોગોમાં લોકો બીજા પાસેથી વધારે પડતી અપેક્ષા રાખતા થઈ જ ગયા છે. પરિવારમાં પણ સભ્યો એકબીજાથી અપેક્ષા રાખે છે. અપેક્ષામાં ભરતી આવવાથી મનદુઃખ થતાં વાર લાગણી નથી ધીરે ધીરે સંબંધો વણસતા જાય છે. વ્યક્તિ વધારેમાં વધારે અપેક્ષા ભગવાન પાસે રાખે છે. ભગવાન તમારી અપેક્ષાઓને સમાભાવે નિકાલ કરે છે. માણસની અપેક્ષાઓનો કોઈ અંત નથી. પગે ચાલતો વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન મને એક સાયકલ અપાવો ભગવાન અરજ સાંભળી સાયકલ લાવી શકે તેટલો આર્થિક સક્ષમ બનાવે છે. સાયકલ આવ્યા પછી સ્કુટરની અપેક્ષા થાય છે. સ્કુટર આવ્યા પછી ફોરવીલ વ્હીકલની આશા ભગવાન પાસે રાખે છે. ફોરવીલમાં વધારે ઉંચી કિંમતના ફોરવીલની આશા રાખે છે. ત્યારે ભગવાન કંટાળે છે કે અપેક્ષાઓનો કેમ અંત આવતો નથી? રમતગમતમાં સારા ખેલાડીઓ સારી રમત કરી ન શકતાં લોકો તેનો હુરીયો બોલાવે છે. પરદેશ ગયેલી ક્રિકેટ ટીમ ખરાબ રીતે હારીને સ્વદેશ પાછી ફરે ત્યારે લોકો ક્રિકેટરોને જુતાના હાર પહેરાવવા તૈયાર થઈ જાય છે. તંત્ર હારેલી ટીમ પર કાંકરી ચાળો ન થાય તે માટે ટીમ પરત આવે ત્યારે રક્ષણ આપે છે. આવુ થવાનું કારણ લોકો રમતવીરો પાસેથી સારી એવી રમતની અપેક્ષા રાખતા હોય છે. મનને હળવું રાખવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. વધુ પડતી અપેક્ષા ન રાખો. ઓછામાં ઓછી અપેક્ષા રાખી સંતોષ રાખવાથી માનવી સદાય સુખી રહી શકે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us