Select Page

લાયસન્સના ફોર્મ ન આપવા એ રાજકીય ષડયંત્ર-પ્રકાશભાઈ પટેલ

લાયસન્સના ફોર્મ ન આપવા એ રાજકીય ષડયંત્ર-પ્રકાશભાઈ પટેલ

માર્કેટના ચેરમેન અને ધારાસભ્યના વહીવટ માટે વિઘ્નસંતોષીઓના સર્ટીફીકેટની જરૂર નથી-ડીરેક્ટરો

લાયસન્સના ફોર્મ ન આપવા એ રાજકીય ષડયંત્ર-પ્રકાશભાઈ પટેલ

• હુ પોતે ચાલુ ડીરેક્ટર હોવા છતા ફોર્મ મળતુ નથી-પી.સી.પટેલ
• કોઈપણ વેપારીને ફોર્મ આપ્યા ન હોય એવુ બન્યુ નથી-લાયસન્સ કમિટિ ચેરમેન રાજીવભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીઓની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. વેપારીઓના લાયસન્સ રીન્યુના ફોર્મ એક દિવસ નહી મળતા ધારાસભ્ય તેમજ ચેરમેન વિરોધી જુથને હોબાળો કરવાની તક મળી હતી. છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ લડત ચાલતી હતી ત્યારે આ વિવાદમાં ડીરેક્ટર પ્રકાશભાઈ પટેલે ચેરમેન ઋષિભાઈ પટેલનો જાહેરમાં વિરોધ કરી માર્કેટયાર્ડની ચુંટણી જીતવા લાયસન્સ રીન્યુઅલના ફોર્મ નહી આપી રાજકીય ષડયંત્ર કરતા હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારે ચેરમેન તરફે ડીરેક્ટરોએ જણાવ્યુ હતુ કે, માર્કેટયાર્ડના વહીવટ માટે વિઘ્નસંતોષીઓના સર્ટીફીકેટની જરૂર નથી. આ વિવાદમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ડીરેક્ટર તેમજ એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલનુ જુથ સામ સામે આવી ગયુ હોવાનુ જણાયુ હતુ.
એક વર્ષ બાદ આવનાર માર્કેટયાર્ડની ચુંટણીના કારણે અત્યારથી માર્કેટયાર્ડના વહીવટનો વિવાદ શરૂ થઈ ગયો છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની રાજકીય લડાઈ અત્યાર સુધી ભૂગર્ભમાં ચાલતી હતી ત્યારે માર્કેટયાર્ડના વિવાદથી આ બન્ને દિગજ્જો પ્રથમ વખત જાહેરમાં સામસામે આવી ગયા છે. વિસનગર માર્કેટયાર્ડમાં અત્યારે વેપારીઓના લાયસન્સ રીન્યુઅલના ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે. ત્યારે તા.૧૩-૩-૨૦૨૦ ના રોજ માર્કેટયાર્ડના ડીરેક્ટરના નાતે પ્રકાશભાઈ પટેલ સબ કમિટિઓની મીટીંગમાં આવતા કેટલાક વેપારીઓએ ફરિયાદ કરી હતી કે, માર્કેટ ઓફીસમાં વેપારી લાયસન્સ રીન્યુઅલના ફોર્મ આપવામાં આવતા નથી. આ બાબતને લઈ ભારે હોબાળો થયો હતો. પ્રકાશભાઈ પટેલ સાથે ઉપપ્રમુખ મણીભાઈ ચૌધરી, ડીરેક્ટર પી.સી.પટેલ, દશરથભાઈ પટેલ અને પરેશભાઈ પટેલે તપાસ કરતા સેક્રેટરી હાજર નહોતા અને ફોર્મ ઈસ્યુ કરવાની જેની જવાબદારી હતી તે અપૂર્વ પટેલ પણ હાજર નહોતા. આ બાબતે પ્રકાશભાઈ પટેલે રોષ વ્યક્ત કર્યો હતો કે, જેમને ફોર્મ આપવાની જવાબદારી આપવામાં આવી છે તે રજા ઉપર ઉતરી ગયા છે. રજાનો રીપોર્ટ પણ આપ્યો નથી. રજા ઉપર હોય તો અન્ય કર્મચારીને જવાબદારી આપવામાં આવી નથી. માર્કેટયાર્ડમાં આ ચાર વર્ષના બોર્ડમાં પ્રથમ ઘટના બની છે. જે રાજકીય પ્રેરીત ઘટના હોવાનુ સ્પષ્ટ પણે જણાય છે. બોર્ડનુ આ પાંચમુ વર્ષ પૂર્ણ થાય છે. વેપારી, ખરીદ વેચાણ અને સેવા સહકારી વિભાગના લાયસન્સ આપવા ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટા સભ્યો બનાવવામાં આવી રહ્યા છે. જે બાબતે જીલ્લા રજીસ્ટ્રારને જાણ કરવામાં આવી છે. ચેરમેન અને સેક્રેટરીને ખબર છેકે ફોર્મ આપવાનો છેલ્લો દિવસ છે. સમયસર ફોર્મ ન મળે તો વેપારીઓ મીટીંગમાં ફોર્મ મુકી શકે નહી. વેપારીઓને લાયસન્સ ન મળે તેવુ ષડયંત્ર ગોઠવવામાં આવ્યુ છે. વેપારી વિભાગમાં ઘણા બધા ભુતીયા લાયસન્સ માટે ફોર્મ ઈસ્યુ કરવામાં આવ્યા છે. આવનારી ચુંટણી માટે ખોટા લાયસન્સ ધારકોને લાયસન્સ આપી મતદાર યાદીમાં નામ દાખલ કરવા ષડયંત્ર ચાલી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી સાચા વેપારીઓનો અવાજ દબાવવા ચેરમેનશ્રી તથા અન્ય ડીરેક્ટરો દ્વારા ષડયંત્ર ગોઠવવામાં આવ્યુ છે. જે સહકારી પ્રવૃત્તિ ઉપર ઘા કરવા સમાન છે. છેલ્લા ચાર વર્ષથી નવુ બોર્ડ વિસનગરના, ખેડૂતોના અને મંડળીઓના હિતમાં ઘણી કામગીરી કરી છે. ઘણાબધા સારા નિર્ણયો લીધા છે. સશક્ત અને સારા વાતાવરણમાં વહીવટ ચાલી રહ્યો છે. ત્યારે આકસ્મીક રીતે છેલ્લા વર્ષમાં ફળફળાદી અને રૂ તથા ખરીદ વેચાણ વિભાગમાં ૮ મંડળીઓ બનાવાઈ છે. સેવા સહકારી વિભાગમાં ખોટી મંડળીઓ બનાવાઈ છે. વેપારી વિભાગમાં ખોટા લાયસન્સ ધારકોને ઘુસાડી ચુંટણી જીતવા માટેનો કારસો રચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેને અમે વખોડીએ છીએ.
માર્કેટયાર્ડના ડીરેક્ટર પી.સી.પટેલે જણાવ્યુ હતું કે, આજે સબ કમિટિઓની મીટીંગમાં આવ્યો ત્યારે ઘણા વેપારીઓ ફોર્મ લેવા આવ્યા હતા. મારી ૪૦ વર્ષથી પેઢી છે, હું ફોર્મ લેવા આવ્યો ત્યારે સેક્રેટરી હાજર નહોતા. ફોર્મ અપૂર્વભાઈ આપતા હોવાનુ જણાવ્યુ હતુ. તે પણ હાજર નહોતા. બીજા કોઈને ચાર્જ આપવો જોઈતો હતો. માર્કેટ કમિટિ લાયસન્સ માટે ફોર્મ આપતી નથી. હું પોતે ચાલુ ડીરેક્ટર હોવા છતાં ફોર્મ મળતુ નથી. આશરે ૪૦ થી ૫૦ વેપારીઓ ફોર્મ લીધા વગર પાછા ગયા છે. આ રાજકીય ચાલ છે. ૧૦૦ થી ૨૦૦ લોકો લાયસન્સ માટે ફોર્મ લઈ ગયા છે. ડમીના લાયસન્સ રીન્યુ થઈ ગયા છે. સાચા વેપારીને ફોર્મ મળતા નથી.
આ બાબતે માર્કેટ કમિટિમાં હાજર ઈન્સ્પેક્ટર સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, દરેકને ફોર્મ આપવામાં આવે છે. સેક્રેટરી તથા અપૂર્વભાઈ પટેલે રજાનો રીપોર્ટ આપી રજા ઉપર ગયા છે. જેઓ હાજર થશે અને ફોર્મનુ વિતરણ શરૂ થઈ જશે. લાયસન્સ ધરાવતા હોય તેમના રીન્યુઅલનુ કામ ચાલુ છે. જ્યારે લાયસન્સ કમિટિના ચેરમેન રાજીવભાઈ એન.પટેલ સહીત ડીરેક્ટર લક્ષ્મણભાઈ કે.પટેલ, ગંગારામભાઈ સી.પટેલ, પ્રિતેશભાઈ પી.પટેલ અને સોમાભાઈ એચ.પટેલે જણાવ્યુ હતું કે, એપીએમસીમાં વર્ષના અંતે માર્ચ મહિનામાં દર વર્ષે વેપારી લાયસન્સ રીન્યુ કરાવવા માટેની જાહેરાત થાય છે. એટલુંજ નહી ગંજબજારમાં દિવસમાં બે વાર જાહેરાત માઈક ઉપર કરવામાં આવી છે. આ વિષયમાં ખાનગી કે રાજકારણ જેવું કાંઈ જ નથી. તા.૧૨-૦૩-૨૦૨૦ ના રોજ એપીએમસીના સેક્રેટરી અને ફોર્મ વિતરણ કરનાર જવાબદાર કર્મચારી જોગાનુજોગ વ્યક્તિગત કારણોસર રજાઓ રીપોર્ટ મુકી રજા ઉપર હોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એપીએમસીના નિયમ મુજબ ચાલે છે અને આગળ પણ નિયમાનુસાર ચાલવાની છે. તા.૧૪-૦૩-૨૦૨૦ ના રોજથી લાયસન્સના ફોર્મ ઓફીસ દરમ્યાન મળવાના જ છે. હાલના માર્કેટના ચેરમેન અને વિસનગરના લોકપ્રિય ધારાસભ્યનો વહીવટ કેવો છે તેના માટે વિઘ્નસંતોષીઓના સર્ટીફીકેટની જરૂર નથી. વિસનગરના ખેડૂતો અને પ્રજા સારી રીતે જાણે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts