મંજુરી વગર ગેરકાયદેસર ધમધમતુ સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પાછળના માર્કેટનુ બાંધકામ સ્થગિત
- રોડ ઉપર થઈ રહેલા બાંધકામોની તપાસ કરવા ટી.પી. કમિટિની પાલિકામાં રજુઆત
વિસનગરમાં કેટલાક બાંધકામોનો વિવાદ છેક હાઈકોર્ટ સુધી પહોચ્યો છે. છતા પાલિકા પોતાની માલિકીની હોય તેમ હું બેઠો છું, કોઈ આવશે નહી, ચીંતા કરવી નહી તેવી વાતોમાં આવી કેટલાક ગેરમાર્ગે દોરાય છે અને પછી ફસાય છે. સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પાછળ મંજુરી વગર રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ માર્કેટનુ બાંધકામ છેલ્લા ત્રણ માસથી ધમધમતુ હતુ. પાર્કિંગના કે અન્ય કોઈ નીતિ નિયમોનુ પાલન થતુ નહી હોવાનુ જણાતા પાલિકા દ્વારા હાલ પૂરતુ કામ સ્થગીત કરવામાં આવ્યુ છે. માયાબજારમાં તથા સવાલા દરવાજા ઢાળમાં કાળકા માતાના પરા આગળ તથા અન્ય વિસ્તારોમાં રોડ ઉપર થઈ રહેલા બાંધકામોની તપાસ કરવા ટીપી કમિટિ દ્વારા પાલિકાને સુચના આપવામાં આવી છે.
બોર્ડ અમારૂ છે, કોઈ મંજુરી લેવાની જરૂર નથી તેવી ભ્રામક વાતોમાં આવી ગયેલ માયા બજારમાં એક વેપારીએ શો-રૂમ બનાવતા હજુ પણ મંજુરી મેળવવા ફાફા મારી રહ્યા છે. ગેરકાયદેસર શો-રૂમના બાંધકામનો મુદ્દો છેક હાઈકોર્ટ સુધી પહોચ્યો છે. શહેરમાં અન્ય બાંધકામો પણ વિવાદમાં સપડાયા છે. છતા પાલિકા જાણે માલિકીની સંસ્થા હોય તેવી હોદ્દેદારોની વાતોમાં આવી સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પાછળ કરવામાં આવેલ કોમર્શિયલ માર્કેટનું બાંધકામ વિવાદમાં આવ્યુ છે. માર્કેટ બનાવવા બાંધકામની કોઈ મંજુરી લેવામાં આવી નથી. વળી રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યુ છે. માર્કેટમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. શેહ શરમમા આ માર્કેટ બનશે તો શહેરમાં વરસાદી પાણીની કેનાલો ઉપર જે રીતે દબાણો થયા છે તેમ બસ સ્ટેન્ડ પાછળથી જતી કેનાલ ઉપર દબાણ થયાની પુરેપુરી શક્યતા છે.
વિસનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોમાં હંમેશા આંખ આડા કાન કરવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનુ બાંધકામ થતુ હોય તો તપાસ કરવાની પાલિકાની ફરજ છે. પરંતુ બાંધકામ બાબતે કોઈ રજુઆત કે ફરિયાદ ન હોય ત્યા સુધી પાલિકા તપાસ કરતી નથી. જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાથી માર્કેટનુ ધમધોકાર કામ ચાલતુ હતુ જેની રજુઆત કરવા છતા પાલિકાએ ગણકાર્યુ નહોતુ. લેખીત રજુઆત થતા છેવટે પાલિકાની સુચનાથી માર્કેટનુ બાંધકામ સ્થગીત કરવામાં આવ્યુ છે. આવા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામના કારણે આડેધડ પાર્કિંગ થતા ટ્રાફીક સમસ્યા સર્જાય છે.
આર.કે. જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલ ભાજપના અદના આગેવાન ઉપરાંત્ત શહેરના અગ્રણી વેપારી છે. છતા શો-રૂમના નવા બાંધકામ સમયે રોડ સાઈડ પાંચ ફૂટ જગ્યા છોડવામાં આવી છે. જે જગ્યા શો-રૂમના કર્મચારીઓ તથા ગ્રાહકોના બાઈકના પાર્કિંગના ઉપયોગમાં આવે છે. માયાબજારમાં કોલેજ બુક અને રૂપરંગની બાજુમાં એક બાંધકામ કરવામાં આવી રહ્યુ છે. જેમાં પાંચ ફૂટની જગ્યા છોડવામાં આવી નથી. સવાલા દરવાજા ઢાળમાં પણ કાળકા માતાના પરા આગળ નીતિ નિયમો વગર બાંધકામ થઈ રહ્યુ છે. આવા રોડ ઉપરના બાંધકામોની તપાસ કરવા ટાઉન પ્લાનીંગ કમિટિ દ્વારા પાલિકામાં રજુઆત કરવામાં આવી છે.