Select Page

વિસનગર નર્મદાના અધિકારીઓની મનમાનીથી પાણી પુરવઠા વ્યવસ્થા ખોરવાઈ

વિસનગર નર્મદાના અધિકારીઓની મનમાનીથી પાણી પુરવઠા વ્યવસ્થા ખોરવાઈ

આગોતરી જાણ વગર અચાનક સપ્લાય બંધ કરાયો

  • કોઈપણ સુચના વગર બે દિવસમાં ૧૪ કલાક સપ્લાય બંધ કરાયો

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી નર્મદા આધારીત વિસનગર જૂથ યોજના ભલે અમલમાં આવી. પરંતુ નર્મદા યોજનાના અધિકારીઓની મનમાનીના કારણે શહેરમાં અગાઉ જેવીજ પાણી પુરવઠામાં અવ્યવસ્થા સર્જાઈ છે. વિસનગર પાલિકાને આગોતરી જાણ કર્યા વગર બે દિવસમાં ૧૪ કલાક પાણીનો સપ્લાય બંધ કરવામાં આવતા શહેરની પાણી વ્યવસ્થા ખોરવાઈ હતી. અત્યારના લગ્નપ્રસંગની મોસમમાં પાણી નહી મળતા કેટલાક લોકોને ટેન્કરની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.
વિસનગર તાલુકાના વાલમ ગામ પાસે નર્મદા આધારીત વિસનગર જુથ યોજના શરૂ કરવામાં આવી ત્યારે હવે શહેર કે તાલુકામાં ક્યારેય પાણીનો સપ્લાય બંધ થશે નહી તેવી જાહેરાત કરવામાં આવી હતી. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રૂા.૧૫૦ કરોડના ખર્ચે પાણી પુરવઠાની આખી યોજના કાર્યરત છે. આવનાર ૨૫ વર્ષના વિકાસને લક્ષમાં રાખી યોજના બનાવવામાં આવી છે. પરંતુ નર્મદા યોજનાના અધિકારીઓની મનમાનીથી શહેરમાં અગાઉની ધરોઈ પાણી પુરવઠા યોજના જેવીજ હેરાનગતી જોવા મળી રહી છે. દિવાળી બાદ પાઈપલાઈન રીપેરીંગના કારણે એક અઠવાડીયુ પાણી પુરવઠો બંધ કરવામાં આવતા તાત્કાલીક ધરોઈનો સપ્લાય કરવાની ફરજ પડી હતી. નર્મદા યોજના દ્વારા આગોતરી કોઈ જાણ કરવામાં નહી આવતા પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને વૉટર વર્કસ ચેરમેન કિરીટભાઈ પરમાર દોડતા થયા હતા. હવે ફરી પાછી નર્મદા યોજના દ્વારા પાણીનો સપ્લાય અટકાવવાની હેરાનગતી શરૂ થઈ છે.
અત્યારે લગ્નની મૌસમ પુર બહારમાં ખીલી છે. આવા સમયે પાણીનો પુરતો પુરવઠો આપવાની જગ્યાએ વિસનગરમાં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની બુમરાડ જોવા મળી હતી. પાલિકા દ્વારા પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા લગ્ન પ્રસંગમાં ટેન્કરો મંગાવવાની ફરજ પડી હતી. પાણીની શોર્ટેજ કેમ વર્તાઈ તે બાબતે તપાસ કરતા પાલિકા સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું કે, મોટીદઉ નર્મદા લાઈનમાં રીપેરીંગના કારણે તા.૩૦-૧-૨૪ ના રોજ સાત કલાક અને તા.૩૧-૧-૨૪ ના રોજ સાત કલાક માટે વાલમ પ્લાન્ટ દ્વારા પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. પાલિકાના વૉટર વર્કસ વિભાગ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી કે, જો અગાઉથી જાણ કરવામાં આવે તો પાણીનુ સ્ટોરેજ કરીને વ્યવસ્થા કરી શકાય. નર્મદા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવતી નથી. અને અચાનક પાણી સપ્લાય બંધ કરવામાં આવે છે. રોજનુ દોઢ કરોડ લીટર પાણી આપવામાં આવે છે. બે દિવસમાં ૧૪ કલાક વાલમ પ્લાન્ટ દ્વારા સપ્લાય બંધ કરવામાં આવતા શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ હતી. લોકસભાની ચુંટણીઓ નજીક આવતા અત્યારે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર પણ એલર્ટ મોડ ઉપર છે. ત્યારે નર્મદા યોજનાના અધિકારીઓની મનમાનીથી વિસનગર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા વારંવાર ખોટવાઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts