Select Page

ભાજપની ભ્રષ્ટાચારની ચર્ચા માટે ઓપન ચેલેન્જ-કોંગ્રેસનુ વૉકઆઉટ

પાલિકા જનરલમાં સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે ગરમાગરમ ચર્ચા

  • દિપરા દરવાજા પોપટલાલ મહારાજના મંદિર પાસેના ચાર રસ્તામાં સર્કલ તથા હાઈમાસ્ક ટાવર માટે ઠરાવ કરાયો
  • ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે-વિપક્ષ નેતા શામળભાઈ દેસાઈ
  • સસ્તી પ્રસિધ્ધિ માટે શામળભાઈ દેસાઈ તથ્ય વગરનો વિરોધ કરે છે-રૂપલભાઈ પટેલ

વિસનગર પાલિકાની જનરલ શરૂ થાય તે પહેલાજ વિરોધ પક્ષે પાલિકા પ્રમુખને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. સત્તાધારી પક્ષમાંથી રૂપલભાઈ પટેલ ઉભા થતા શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ગરમા ગરમ ચર્ચાઓ થઈ હતી. વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ ભાજપનુ શાસન ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે સસ્તી પ્રસિધ્ધિ માટે શામળભાઈ દેસાઈ દરેક જનરલમાં ખોટો વિરોધ કરી રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ. ચાલુ જનરલમાજ વિરોધ પક્ષે વૉકઆઉટ કર્યુ હતુ. જનરલમાં કેટલાક મહત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા.
વિસનગર પાલિકાના સભાખંડમાં તા.૩૦-૪-૨૦૨૪ ને મંગળવારના રોજ પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, દંડક અમાજી ઠાકોર તથા સભ્યોની ઉપસ્થિતિમાં જનરલ શરૂ થાય તે પહેલાજ ઝીરો અવર્સમાં વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ પ્રમુખને ફોન કરતા ફોન ઉઠાવે છે પણ કામ કરતા નથી. ૨૦ થી ૨૫ ટકા એબોવ ટેન્ડરો મંજુરી માટે મોકલી કોન્ટ્રાક્ટરોને ખોટી રીતે છાવરતા હોવાના તેમજ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાનુ જણાવી પ્રશ્નોની જડી વરસાવી પ્રમુખને ઘેર્યા હતા. લોઢાને લોઢુજ કાપે તેમ વિરોધ પક્ષના અનુભવી સિનિયર સભ્ય શામળભાઈ દેસાઈની સામે શાસક પક્ષમાંથી પ્રમુખ વતી રૂપલભાઈ પટેલે મોરચો સંભાળ્યો હતો.
પાલિકા જનરલમાં વિરોધ પક્ષ દ્વારા પ્રશ્નો રૂપી છોડવામાં આવેલા તિક્ષ્ણ તિરનો ઢાલ બની સામનો કરનાર રૂપલભાઈ પટેલે જવાબ આપ્યો હતો કે, જુના એસ.ઓ.આર. પ્રમાણે પ્લાન એસ્ટીમેટ તૈયાર થયા હોવાથી ૨૦ થી ૩૫ ટકા સુધીના એબોવ ટેન્ડર આવે છે. પાલિકાને ૧૦ ટકા એબોવ સુધીના ટેન્ડર મંજુર કરવાની સત્તા હોવાથી ૧૦ ટકા ઉપરના એબોવ ટેન્ડર આર.સી.એમ.માં મંજુરી માટે મોકલવામાં આવે છે. અગાઉ ૩૫ થી ૫૫ ટકા એબોવ સુધીના ટેન્ડર રદ કર્યા છે. વારંવાર ટેન્ડર પ્રોસેસમાં વિકાસ કામમાં વિલંબ થતો હોવાથી ૧૦ ટકા ઉપરની એબોવ રકમના ટેન્ડર આર.સી.એમ.માં મોકલવામાં આવે છે. જેની મંજુરી મળ્યા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવે છે. ચર્ચામાં વચ્ચે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે એ પણ જણાવ્યુ હતું કે, નવા એસ.ઓ.આર. રેટમાં ૧૦ થી ૧૫ ટકા નીચા ભાવના પણ ટેન્ડર આવ્યા છે. ભ્રષ્ટાચારના આક્ષેપમાં વિપક્ષ નેતાને ચેલેન્જ આપી હતી કે પુરાવા હોય તો બજાર ટાવર ચોકમાં જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છીએ. ખોટી વાતો લઈને સસ્તી પ્રસિધ્ધિ લેવા દરેક જનરલમાં બુમો પાડવામાં આવે છે તે હવે બંધ કરવુ જોઈએ. ગરમા ગરમ ચર્ચઓમાજ જનરલનુ કામ શરૂ થતા વિપક્ષના સભ્યોએ ચાલુ જનરલમાં વૉકઆઉટ કર્યુ હતુ.
પાલિકાની આ જનરલમાં રખડતા ઢોર અને કૂતરા પકડવા માટે સેનેટરી ઈન્સ્પેક્ટરના રીપોર્ટની ચર્ચા સાથે ભાથીટીંબા અને ઈન્દીરા પરા વિસ્તારના વસાહતના કાચા મકાનો પાકા બનાવવા, દરબાર નવીન સંપ ચાલુ થયા પછી જાનીવાડાના નાકે આવેલ સંપની જગ્યામાં મીનરલ પ્લાન્ટ શરૂ કરવા, કડા ત્રણ રસ્તાથી આઠ ગામ સમાજની વાડી સુધી ડીવાઈડર ઉપર સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થા કરવા, જુદા જુદા વિસ્તારોમાં જરૂરીયાત મુજબ કચરા માટેના પાંજરા મુકવા, દિપરા દરવાજા પોપટલાલ મહારાજના મંદિર પાસેના ચાર રસ્તા ઉપર સર્કલ બનાવી હાઈમાસ્ક નાખવા તથા જુના ડમ્પીંગ સ્ટેશનની જગ્યામાં સ્વિમીંગ પુલ સાથે સ્પોર્ટસ સંકુલ બનાવવા માટેના મહત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us