Select Page

ઓવરબ્રીજથી ITI ચાર રસ્તા અકસ્માત ઝોન બનશે

ઓવરબ્રીજથી ITI ચાર રસ્તા અકસ્માત ઝોન બનશે

બ્રીજની ડિઝાઈનનુ ધ્યાન રાખવામાં નહી આવે તો

  • ભૂતકાળમાં ધ્યાન નહી રાખવાથી સાર્વજનિક સ્મશાન પાસેનો અંડરપાસ મોટો બની શક્યો નહી

શહેરના વિકાસની સાથે નવા રોડ અને બ્રીજના વિકાસની પણ એટલીજ જરૂરીયાત છે. પરંતુ વિકાસ એવો ન હોવો જોઈએ કે જેના કારણે લોકોનો ભોગ લેવાય, આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજના કારણે આઈ.ટી.આઈ. ચાર રસ્તા અકસ્માત ઝોન બને તેવી પુરેપુરી શક્યતા છે. બ્રીજની ડિઝાઈન બાબતે જો ધ્યાન રાખવામાં નહી આવે તો આઈ.ટી.આઈ. ચાર રસ્તા અકસ્માતની ભરમાળ સર્જાશે. બ્રીજની ડિઝાઈન બાબતે પુરેપુરો અભ્યાસ કરવો ખુબજ જરૂરી છે. કામ શરૂ થયુ નથી તે પહેલા ફેરફાર કરી શકાય. કામ પૂર્ણ થયા પછી કોઈ સુધારા થઈ શકશે નહી.
મહત્વના વિકાસ કામમાં મોટે ભાગે અધિકારીઓ સ્થળ સ્થિતિનો પુરેપુરો અભ્યાસ કર્યા વગર કે વિકાસ કામ જ્યા થવાનુ છે ત્યા આસપાસના લોકોનો સંપર્ક કર્યા વગર ઓફીસમાં બેસીને પ્લાન અને નકશા તૈયાર કરતા હોય છે. છેવટે આખો વિકાસ ગાડો સાબીત થાય છે. આખો વિકાસ લોકો માટે અડચણરૂપ અને મુશ્કેલીરૂપ બને છે. વિસનગરમાં આઈ.ટી.આઈ. ફાટકનો ઓવરબ્રીજ રૂા.૫૯.૮૫ કરોડના ખર્ચે બની રહ્યો છે. જેનુ ટેન્ડરીંગ પણ થઈ ગયુ છે. પરંતુ હજુ સુધી ઓવરબ્રીજની ડિઝાઈનનો વિસનગરના મોટાભાગના આગેવાનોને ખ્યાલ નથી. બ્રીજ ક્યાંથી શરૂ થાય છે તેની કોઈને ખબર નથી. જાણવા મળ્યા પ્રમાણે ફાટકથી ધરોઈ કોલોની રોડ બાજુ વિદ્યાનગર સોસાયટીની આસપાસથી ફાટકથી આઈ.ટી.આઈ.ના વરંડા પહેલા ક્યાંક સુધી બ્રીજ બનશે. રેલ્વેના કારણે ફાટક બંધ રહેતા ટ્રાફીક ન સર્જાય તે માટે બ્રીજ ખુબજ જરૂરી છે. પરંતુ આઈ.ટી.આઈ. ચાર રસ્તાને ધ્યાને રાખી બ્રીજ ક્યા સુધી બનશે તેનો અભ્યાસ તથા કાળજી રાખવી ખુબજ જરૂરી છે.
આઈ.ટી.આઈ.ના બીજા ગેટ કે વરંડા પહેલા ક્યાંક બ્રીજ પુરો થાય તો તે ચાર રસ્તા ઉપર અવરજવર કરતા વાહન ચાલકો માટે ખુબજ ઘાતક બની શકે છે. બ્રીજ ઉતરતા વાહનો ફૂલ સ્પીડમાં હોય છે. આવા સંજોગોમાં થોડા અંતરે જો ચાર રસ્તા હોય તો ચાર રસ્તા ઉપર અવર જવર કરતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની શકે છે. વળી માલ સામાન ભરેલા મોટા વાહનો બ્રીજનો ઢાળ ઉતરતા હોય તો કંટ્રોલ કરવા કઠીન બને છે. આવી પરિસ્થિતિમાં આઈ.ટી.આઈ. ફાટકના બ્રીજની ડિઝાઈનનો અભ્યાસ ખુબજ જરૂરી છે.
એક વખત કામ થઈ ગયા પછી તેમાં સુધારો કરવો મુશ્કેલ છે. મહેસાણા, વડનગર રેલ્વે બ્રોડગેજનુ કામ ચાલતુ હતુ તે સમયે સાંસદ શારદાબેન પટેલ કે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે રેલ્વે દ્વારા ચાલતી કામગીરી ઉપર થોડુ ધ્યાન રાખ્યુ હોત તો પટણી દરવાજા સાર્વજનિક સ્મશાન પાસેનો અંડરપાસ મોટો બની શક્યો હોત. સેવાલીયા રોડ ઉપર આશાપુરી માતાના મંદિરથી અને પીંડારીયા મંદિરથી વડનગર રોડને જોડતો જે રોડ બનાવવામાં આવ્યો છે તેના રેલ્વે અંડરપાસ એટલા મોટા છેકે આખી ટ્રક પસાર થઈ શકે છે. જ્યારે જ્યા વધારે વાહનોની અવરજવર રહે છે ત્યા નેતાઓની નિષ્કાળજીના કારણે અંડરપાસ મોટો બની શક્યો નથી. આ કારણેજ વિકાસ કામમાં સ્થાનિક લોકો સાથે વિચાર વિમર્સ ખુબજ જરૂરી છે. આઈ.ટી.આઈ. બ્રીજની ડિઝાઈનનુ ધ્યાન રાખવામાં નહી આવે તો લોકોનો ભોગ લેનાર બ્રીજ બનશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us