Select Page

૧૫૬ ધારાસભ્યોની સરકારમાં કેબીનેટ મંત્રી બન્યા પણ હજુ વિશેષ કોઈ લાભ નહીવિસનગરના વિકાસના પડતર પ્રશ્નો બજેટમાં સમાવવા પ્રયત્નો

૧૫૬ ધારાસભ્યોની સરકારમાં કેબીનેટ મંત્રી બન્યા પણ હજુ વિશેષ કોઈ લાભ નહીવિસનગરના વિકાસના પડતર પ્રશ્નો બજેટમાં સમાવવા પ્રયત્નો

પોતાના મત વિસ્તારના ધારાસભ્ય સરકારમાં મહત્વના હોદ્દા ઉપર હોય ત્યારે વધુમાં વધુ વિકાસ થાય તેવી ઝંખના કોને ન હોય? ખોબલે ખોબલે મત મેળવીને ઋષિભાઈ પટેલે ૧૫૬ ધારાસભ્યોની સરકારમાં પોતાનુ રાજકીય કદ વધાર્યુ છે. પરંતુ વિસનગરના વિકાસનુ કદ વધારી શક્યા નથી તે હકીકત છે. વિશ્વાસુ અને કર્મઠ મંત્રી બનવાના મૉહમા સરકારની જવાબદારીની વ્યસ્તતાના કારણે વિસનગરના વિકાસ માટે સમય કાઢી નહી શકતા વિકાસના પ્રશ્નોનો મુદ્દો હાલ પૂરતો કોરાણે મુકાયો હોય તેમ જણાય છે. વિસનગર વેપારી મહામંડળે શહેરના વિકાસને લગતા મહત્વના મુદ્દાઓનો બજેટમાં સમાવેશ કરવા રજુઆત કરી છે. ત્યારે કેબીનેટ મંત્રી કેટલો લાભ અપાવે છે તે જોવાનુ રહ્યુ.
વિસનગરના વિકાસને લગતા એક નહી પરંતુ અનેક પડતર પ્રશ્નો છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવે છે અને હવે તો વડાપ્રધાનના કાર્યક્રમમાં હરોળમાં બેસવા સુધીનુ રાજકીય કદ ધરાવે છે તે ગૌરવની બાબત છે. પરંતુ આ રાજકીય કદનો લાભ શહેરને મળે તે પણ એટલુજ મહત્વનુ છે. વર્ષ-૨૦૨૪ માં આવતી લોકસભાની ચુંટણીના કારણે બજેટ બેઠકો શરૂ થઈ છે. રાજ્ય સરકારનુ બજેટ વહેલુ જાહેર થાય તેવી શક્યતાઓ છે. ત્યારે શ્રી વિસનગર વેપારી મહામંડળના આવકાર વસ્ત્રાલયવાળા ઈશ્વરલાલ નેતા દ્વારા શહેરના વિકાસના મુદ્દાઓનો બજેટમાં સમાવેશ થાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. આમતો વેપારી મહામંડળ કાયમ ઋષિભાઈ પટેલના ટેકામાં પડખે રહ્યુ છે. પરંતુ શહેરના વિકાસને લક્ષમાં રાખી મંડળના મહામંત્રી હર્ષલકુમાર પટેલ અને ઈશ્વરલાલ નેતા દ્વારા શહેરના વિકાસના મુદ્દાઓનો બજેટમાં સમાવેશ થાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. શહેરના વિકાસના પડતર કયા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી તે સવિસ્તાર જોઈએ તો, ખુબજ ટ્રાફીક ધરાવતો આદર્શથી વિજાપુર રોડને જોડતો રોડ ચાર માર્ગીય બનાવવો, ખુબજ ટ્રાફીક ધરાવતા મહેસાણા ચાર રસ્તા ઉપર ઓવરબ્રીજ કે સર્કલ નાનુ કરવુ, શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપરના સર્કલ નાના કરવા, શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા માટે જુદી જુદી જગ્યાએ પાર્કિંગ ઝોન બનાવવા, રેલ્વે સમયે ટ્રાફીક જામ થતા ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવા, વરસાદી પાણીના નિકાલ માટે યોજનાઓનો અમલ કરવો, ઉમિયા માતાના મંદિરથી મહેસાણા ચાર રસ્તા સુધીની કેનાલ પાકી બનાવી ઉપર શોપીંગ સેન્ટર બનાવવા, ૫૦ વર્ષથી પણ જુની પાલિકાના બીસ્માર બનેલા માર્કેટો રિનોવેશન કરવા, જી.ડી.હાઈસ્કુલને સ્માર્ટ સ્કુલનો દરજ્જો આપી સાથે અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિકથી ઉચ્ચત્તર માધ્યમીક સુધી શિક્ષણ શરૂ કરવુ. શૈક્ષણિક નગરીના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વાંચનાલય બનાવવુ, શહેરનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા સંગીત તાલીમ સાથે ટાઉનહૉલ બનાવવો, કાચા મકાનોમાં રહેતા ગરીબો માટે આવાસ યોજના બનાવવી, શહેરમાં ટી.પી.સ્કીમ દાખલ કરી નવો વિકાસ નકશો બનાવવો, શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવુ, આગ અકસ્માત ટાળવા ફાયર સ્ટેશનમાં મોટુ વૉટર બાઉઝર ફાળવવુ, ધરોઈ કોલોનીમાં અદ્યતન સરકારી ગેસ્ટ હાઉસ બનાવવુ, રોજગારી ઉભી થાય તે માટે નવા ઉદ્યોગો સ્થાપવા, ટ્રાફીકને નડતરરૂપ વિજ પોલ દુર કરવા, શહેરમાં અંડર ગ્રાઉન્ડ લાઈટ કેબલની યોજનાની અમલવારી કરવી, શાકભાજી વિક્રેતાઓ માટે જુદી જુદી જગ્યાએ વ્યવસ્થા કરવી, રખડતા ઢોર ઢાખરનો ત્રાસ દૂર કરવા ઢોરવાડો બનાવવો, બંધ પડેલા જયશંકર સુંદરી હૉલને નાના મોટા પ્રસંગો માટે ચાલુ કરવો, દાતાઓના દાનથી શહેરનાં પ્રવેશ માર્ગે આકર્ષક ગેટ બનાવવા, શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપરના ટ્રાફીકનુ ભારણ દુર કરવા, બાયપાસ રોડની કાર્યવાહી ઝડપી કરવી અને નવો રીંગ રોડ બનાવવો, ખેડૂતોના ખેત પેદાશનો માલ સંગ્રહ કરવા રાહતદરના ભાડેથી ગોડાઉનોની માર્કેટયાર્ડ દ્વારા વ્યવસ્થા કરાવવી, દેળીયા તળાવ આસપાસના દબાણો દૂર કરી તળાવની ચારેકોર ગાર્ડન અને લાઈટીંગની વ્યવસ્થા કરવી, જી.ડી.જનરલ હોસ્પિટલમાં બી.એસ.સી.નર્સિંગ, જી.એન.એમ. નર્સિંગ કોલેજ, એક્સ-રે ટેક્નિશીયન સર્ટીફીકેટ કોર્સ, ઓપ્થાલ્મિક ટેક્નિશીયન સર્ટીફીકેટ કોર્સ, લેબ ટેક્નિશીયન સર્ટીફીકેટ કોર્સ, સેનેટરી ટેક્નિશીયન સર્ટીફીકેટ કોર્સ તથા હોસ્પિટલ મેનેજમેન્ટ કોર્સ શરૂ કરવા, વિસનગરથી અમદાવાદ તરફ રાત્રી બસ સેવા ન હોઈ ગુજરાત સ્ટેટની રાજસ્થાન તરફથી અમદાવાદ આવતી બસો ઉંઝાથી વાયા વિસનગર કરવી, સેશન કોર્ટના પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિસનગર વેપારી મહામંડળના સહયોગથી લોકઅદાલતની વ્યવસ્થા કરવી, જી.ડી.જનરલ હોસ્પિટલમાં તાકીદે જનરલ સર્જન ર્ડાક્ટરની નિમણુંક કરવી, કમાણા રોડ ઉપરનુ મધેક તળાવ અને જાળેશ્વર રોડ ઉપરનુ દેપલ તળાવનો વિકાસ કરવો.
એમ.એન.કોલેજના વિકાસ બાબતે રજુઆત કરી છેકે, લૉ કોલેજ શરૂ કરવી, ૫૦ વર્ષ જૂનુ જર્જરીત ટ્યુટોરીયલ બીલ્ડીંગ તોડી નવુ બનાવવુ, સ્ટાફ ક્વાટર્સના ૭૫ વર્ષ જુના મકાનો નવા બનાવવા, જર્જરીત રજીસ્ટ્રાર બંગલો નવો બનાવવો, ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી કોલેજને ઓટોનોમસ બનાવવી, કોલેજ કેમ્પસમાં ગેસ્ટ હાઉસ બનાવવુ, પી.જી. અને અન્ય સામાન્ય વિદ્યાર્થીઓના વાંચન માટે કેમ્પસમાં વાંચનાલય બનાવવુ, બોટનીકલ ગાર્ડનને અપડેટ કરી નવીનીકરણ કરવુ, બોરનુ પાણી પીવા લાયક ન હોય તેમજ ક્ષારયુક્ત પાણીથી ગાર્ડનમાં પાણી પીવડાવી શકાય તેમ ન હોઈ કોલેજમાં નર્મદા પાણીની લાઈનની વ્યવસ્થા કરવી, ૬૦ વર્ષ જુની અને જર્જરીત પાણીની ટાંકી નવી બનાવવી, કોલેજના બીન શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ જેવી કે રજીસ્ટ્રાર, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્કની જગ્યાઓ તાકીદે ભરવી.
કેન્દ્ર સરકારને લગતા પ્રશ્નોની સાંસદ શારદાબેન પટેલને રજુઆત કરવામાં આવી છેકે, શહેરમાં બેંકની સેવા વધારવી અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં પરચુરણ તથા જુની નોટો બદલવા વ્યવસ્થા કરવી, શહેરમાં તમામ દેશના ચલણ વટાવવાની વ્યવસ્થા કરવી, જુના રેલ્વે સ્ટેશનમાં વેઈટીંગ રૂમની વ્યવસ્થા હતી તો વેઈટીંગ રૂમ બનાવવો, ટીકીટ બારી આગળ લાઈન થતા પેસેન્જરોને રેલ્વે સ્ટેશન જવામાં ધક્કામુક્કીનો સામનો કરવો પડે છે તો પ્લેટફોર્મ ઉપર જવા આવવા અલગ ગેટ બનાવવો તેમજ ટીકીટ બારી આગળ પેસેન્જરો વ્યવસ્થીત ઉભા રહે તેવી વ્યવસ્થા કરવી, ગાંધીનગર ઉજ્જૈન શક્તિ એક્ષપ્રેસ વડનગર સુધી લંબાવવાની માગણી સંતોષવા રેલ્વે મંત્રીને રજુઆત કરવી, દિવસમાં ચાર વખત અવરજવર કરે તેવી મહેસાણા તારંગા ડેમુ ટ્રેન સેવા શરૂ કરવી, વરેઠા ગાંધીનગર ટ્રેનને અમદાવાદ, વડોદરા સુધી લંબાવવી, તારંગા-વડનગર-અમદાવાદ-મુંબઈ ટ્રેનની માગણી સંતોષવી.
ઈશ્વરલાલ નેતાએ ખુબજ ચિંતન કરી શહેરના વિકાસને લગતા અને પડતર પ્રશ્નો બાબતે રજુઆત કરી છે. શહેરના તમામ વિભાગો અને મુદ્દાઓને રજુઆતમાં આવરી લીધા છે. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ શહેરના વિકાસ માટે કેટલી તત્પરતા દાખવે છે તે હવે જોવાનુ રહ્યુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts