મહેસાણા જીલ્લો નસીબદાર છેકે તેમને જીલ્લાના આરોગ્યમંત્રી મળ્યા-ઋષિભાઈ પટેલ
વિસનગરમાં એમ્બ્યુલન્સનુ લોકાર્પણ-સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
વિસનગર એ.પી.એમ.સી.ના ભોજનાલયના હોલમાં વિસનગર ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં શુક્રવારના રોજ નવીન ચાર આધુનિક એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ, મેઘા બ્લડ ડોનેશન કેમ્પ તથા મેઘા સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જીલ્લા કલેક્ટર એમ. નાગરાજન, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, ડી.ડી.ઓ ડા.ઓમપ્રકાશ, જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, વિસનગર પ્રાન્ત અધિકારી રામનિવાસ બુગાલિયા, જીલ્લા આરોગ્ય અધિકારી ડા. મહેશભાઈ કાપડીયા, એ.પી.એમ.સી. ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ (આર.કે.), તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, વિસનગર સિવિલ અધિક્ષક ડા.પારૂલબેન પટેલ સહિત જીલ્લાના ધારાસભ્યો અને આરોગ્યખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિસનગર એ.પી.એમ.સી. ખાતે ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઈન્ડસ ટાવર ગુજરાતના CSR ફંડમાંથી ફાળવવામાં આવેલ ચાર આધુનિક એમ્બ્યુલન્સ વાન ઉમતા, ઉદલપુર, ધાબવા (દાહોદ) અને અડવાણા (પોરબંદર) સામુહિક પ્રાથમિક આરોગ્યકેન્દ્રને અર્પણ કરવામાં આવી હતી. જ્યારે કેડીલા ફાર્માસ્યુટીકલ લીમીટેડના સહયોગથી મેગા મેડીકલ કેમ્પ તથા વિસનગર એ.પી.એમ.સીના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિસનગર સખી ફાઉન્ડેશનના સહયોગથી ૧૧ સગર્ભા બહેનોને તથા મહેસાણા સદ્ભાવ ફાઉન્ડેશનના સહયોગથી ૨૧ સગર્ભા બહેનોને છ માસ સુધીની પોષણકીટ આપવામાં આવી હતી. કડી હીટાચી એર કન્ડીશનીંગ ઈન્ડીયા લીમીટેડના સહયોગથી શાળાની ૨૫૦૦૦ વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકીન તથા આઈ.એ.કડીવાલા સુરતના સહયોગથી ૨૦૦ બેબી કીટ તેમજ વિકલાંગ ત્રણ લાભાર્થીઓને ટ્રાઈસીકલ અને ત્રણ લાભાર્થીઓને વ્હીલચેર આપવામાં આવી હતી. સુરતના જયેશભાઈ પટેલ નામના દાતાના સહયોગથી પાંચ લાભાર્થીઓને હિયરીંગ મશીન, આર.બી. એસ.કે કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ખોડખાંપણમાંથી સાજા થયેલા બાળકોને પ્રોત્સાહન કીટ તેમજ મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ નવજાત બાળકો માટે હિમાલિયા બેબી કીટ આપવામાં આવી હતી. જ્યારે સર્વ રોગ નિદાન કેમ્પમાં જુદી જુદી બિમારીના ૪૧૫૯ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડા. રાકેશ જોષી, અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલના ડા.અમિતા પટેલ, ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી અમદાવાના ડાયરેક્ટર ડા. શશાંક પંડ્યા, કે.ડી.આર.સી.સિવિલ હોસ્પિટલના ડા.વિનિત મિશ્રા તથા સ્પાઈન ઈન્સ્ટીટ્યુટ એન્ડ હોસ્પિટલના ડા. રાજેશ સોલંકી જેવા સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોની ટીમે આરોગ્યલક્ષી સેવા પુરી પાડી હતી. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, આજે હિન્દુસ્તાનની કંપનીઓ અને એન.જી.ઓ. આરોગ્યલક્ષી સેવા કરવા માટે સતત તત્પર હોય છે. સરકાર અને તબીબોના પ્રયત્નોથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ અત્યારે સમગ્ર દેશમાં મેડીસીટી તરીકે ઓળખાય છે. બીજા રાજ્ય કે દેશમાં મોઘી પડતી તબીબી સારવાર લેવા માટે લોકો અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં આવે છે. ગુજરાતમાં લોકોને સારી આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા માટે સરકારે મેડીકલ કોલેજોમાં MBBS સીટોમાં વધારો કર્યો છે. જેથી વર્ષ ૨૦૨૬ સુધીમાં ગુજરાતની દરેક હોસ્પિટલોમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડાક્ટરો ઉપલબ્ધ હશે. મહેસાણા જીલ્લો નસીબદાર છે કે જેમને જીલ્લાના આરોગ્યમંત્રી મળ્યા છે. મહેસાણા સિવિલ હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે રૂા.૧૮૦ કરોડ ફાળવ્યા છે. આમ ગુજરાતની ડબલ એન્જીનની સરકારે પ્રજાના આરોગ્ય, શિક્ષણ અને કુપોષણની ચિંતા કરી છે. સરકારે લોકોને પાંચ લાખ સુધી વિનામુલ્યે આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મુકી છે. જેનો લાખ્ખો લોકોએ લાભ લીધો છે. વધુમાં મંત્રીશ્રીએ PHC અને CHCના તબીબોને માથાનો દુઃખાવો, પેટનો દુઃખાવો જેવી સામાન્ય બિમારીમાં એલોપેથિક દવાની જગ્યાએ આયુર્વેદીક દવા આપવાનું સુચન કર્યુ હતુ. આ સાથે મહેસાણા જીલ્લાના લોકોને સરકારની આરોગ્યલક્ષી યોજનામાં સારી સારવાર લેવા માટે અમદાવાદ સિવિલનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસનગર અને મહેસાણા જીલ્લાના આરોગ્યખાતાના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની આભારવિધિ તાલુકા હેલ્થ ઓફિસર ડા.આર.ડી..પટેલે કરી હતી.