Select Page

વડનગરમાં સ્વ.હીરાબાની શ્રધ્ધાંજલિ-પ્રાર્થના સભા યોજાઈ

વડાપ્રધાનનો પરિવાર તથા રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના દુઃખદ અવસાન પ્રસંગે વડનગરમાં શોકસભા તથા પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વડાપ્રધાનનો બહોળો પરિવાર, રાજકીય અગ્રણીઓ, મોદી સમાજના આગેવાનો તથા વડનગરના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. હીરાબાનુ અવસાન થતા વડનગરના ત્રણ દિવસ બંધનુ એલાન કરાયુ હતુ. ત્યારે વડનગરના હિતકર્તા સોમભાઈ મોદી તેમજ અન્ય ભાઈઓની વિનંતીથી એક દિવસ બંધ પાળી બીજા દિવસથી બજારો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યા હતા.
તા.૩૦-૧૨-૨૦૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનુ અવસાન થયુ હતુ. જેમના અવસાનથી વડનગરમાં ઘેરા શોકની લાગણી જન્મી હતી. વડનગરના વેપારીઓએ સ્વ.હીરાબાના માનમાં ત્રણ દિવસ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બજારો બંધ થાય તેમાં વડનગરનેજ નુકશાન થાય તેવી લાગણીથી સોમભાઈ મોદી તથા પરિવારના અન્ય સભ્યોની વિનંતીથી બીજા દિવસથી વડનગરના બજારો રાબેતા મુજબ ખોલી દેવામાં આવ્યા હતા. હીરાબાની ગાંધીનગરમાં અંતિમ વિધિ બાદ તા.૧-૧-૨૦૨૩ ને રવિવારના રોજ વડનગર નવોદય વિદ્યાલયના હૉલમાં શ્રધ્ધાંજલિ તથા પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હીરાબાના જ્યેષ્ઠ પુત્ર તેમજ વડાપ્રધાનના મોટા ભાઈ સોમભાઈ મોદી, પંકજભાઈ મોદી, પ્રહેલાદભાઈ મોદી સહીત પરિવારના તમામ સભ્યોએ હાજરી આપી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા, પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ, પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સંજય જોષી, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ મંત્રી નરેશભાઈ રાવલ, ઉંઝા ધારાસભ્ય કે.કે.પટેલ, સંતો, મહંતો, મુસ્લીમ આગેવાનો, મોદી સમાજના આગેવાનો, વડનગરના નગરજનો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી સ્વ.હીરાબાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રધ્ધાંજલિ સભાના આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી તથા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે હીરાબાની પ્રાર્થના સભામાં હાજરી આપી શ્રધ્ધાંજલિ સભામાં આવેલ લોકોને ૧૧૦૦ તુલસીના રોપા આપ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us