Select Page

પ્રમુખ-ઉપપ્રમુખના રહેણાંક વિસ્તારના રોડ પાણીમાં

વિસનગરમાં ગાયત્રી મંદિરથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહી થતા

વિસનગરમાં ગાયત્રી મંદિર આસપાસ વરસાદી પાણી ભરાતા જો પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખના રહેણાંક વિસ્તારના રોડ પાણીમાં ગરકાવ થઈ જતા હોય તો શહેરમાં પાણી ભરાવાની સમસ્યામાંથી કોણ મુક્ત કરશે તેવી ટીકા થઈ રહી છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ થતો નથી. ત્યારે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે નક્કર કામગીરી થાય તેવી આ વિસ્તારના લોકોની રજુઆત છે.
આ વર્ષે સતત અને ભારે વરસાદે વિસનગર પાલિકા તંત્રની પોલ ખોલી છે. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલના બંગલા આવેલા છે. ત્યારે ભારે વરસાદના કારણે ગાયત્રી મંદિરથી ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલના ઘર સુધીના રોડ ઉપર એક થી દોઢ ફૂટ પાણી ભરાયુ હતુ. આ વિસ્તારમાં અનુકુલ ફ્લેટની આસપાસ પણ વરસાદી પાણી ભરાયુ છે. પાણી ભરાવાથી લોકો બહાર નિકળી શકતા નથી. ટુ વ્હીલર વાહન નિકળવા જતા બંધ થઈ જાય છે. ગત વર્ષે પણ આ પ્રશ્ન હતો. જેમાં ગાયત્રી મંદિર બાજુથી રોડ લેવલ ઉંચુ કરવામાં આવ્યુ હતુ. પરંતુ અનુભવ અને આવડત વગરની મહેનત તેમજ ખર્ચ માથે પડ્યા છે. લોકો પ્રમુખ તથા ઉપપ્રમુખની ટીકા કરી રહ્યા છેકે પોતાના વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરી શકતા નથી તે શહેરના વરસાદી પાણીનો નિકાલ ક્યાથી કરી શકવાના છે. વરસાદી પાણીની સમસ્યાને લઈ પ્રમુખ ઉપપ્રમુખના માથે માછલા ધોવાઈ રહ્યા છે.
ગાયત્રી મંદિર વિસ્તારની સોસાયટીઓનુ વરસાદી પાણી અગાઉ રેલ્વે ટ્રેકની બાજુમાં થઈ કોલેજ ફાટક તરફ જતુ હતુ. જે પાણીનો ફાટક નીચેના નાળામાંથી કોલેજ તરફ નિકાલ થતો હતો. ફાટકથી કોલેજના ગેટ તરફ સિલ્વર બીચ માર્કેટની બાજુની કેનાલ સુધી કેનાલ પણ છે. પરંતુ બ્રોડગેજ લાઈનના કારણે માટી પુરાણ થતા પાણી નિકાલનો કુદરતી માર્ગ બંધ થઈ ગયો છે. ર્ડાક્ટર હાઉસ આગળથી કેનાલ પસાર થાય છે. પરંતુ ગાયત્રી મંદિર વિસ્તારથી આ કેનાલનુ લેવલ ઉંચુ છે. જેથી વરસાદી પાણીની લાઈન નાખી કેનાલમાં પાણીનો નિકાલ થાય તેમ નથી. આવા કારણોને લઈ છેલ્લા બે-ત્રણ વર્ષથી ગાયત્રી મંદિર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વકરી છે. રેલ્વે તંત્રની મંજુરી લઈ કુદરતી માર્ગ છે ત્યા કેનાલ કે પાઈપલાઈનની વ્યવસ્થા કરવામાં આવે તોજ વરસાદી પાણી નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેમ છે. પાણી ઓછુ ભરાય તે માટે રોડ ઉંચા કરવામાં આવશે તો આજુબાજુના મકાનોમાં પાણી ઘુસવાનુ છે. અખતરા કર્યા વગર કોઈ અનુભવી એન્જીનિયરના માર્ગદર્શનમાં પાણી ન ભરાય તેવો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોકો રજુઆત કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us