Select Page

ગામના આગેવાને જરૂરી વહીવટી પ્રક્રિયા નહી કરી હોવાનુ જણાવી ઉમતામાં વિકાસકામના રૂા.૩૨ લાખ નહી ચુકવવા ટીડીઓને આવેદન

ગામના આગેવાને જરૂરી વહીવટી પ્રક્રિયા નહી કરી હોવાનુ જણાવી ઉમતામાં વિકાસકામના રૂા.૩૨ લાખ નહી ચુકવવા ટીડીઓને આવેદન

વિસનગર તાલુકાના ઉમતા ગામમાં થયેલ કાંસ સફાઈના કામમાં રૂા.૩૨ લાખ ઉપરના બિલના ચુકવણા મુદ્દે ગામના કેટલાક આગેવાનોએ તેનો વિરોધ કર્યો છે. જેમાં ગામના કેટલાક લોકોએ ગત શનિવારના રોજ વિસનગર ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, અમારા ગામના ભાજપના એક આગેવાને જરૂરી વહીવટી પ્રક્રિયા કર્યા વિના રૂા.૩૨ લાખથી વધુના ખર્ચે ગામમાં કાંસની સફાઈ કરાવી છે. જેનુ બિલ અટકાવવામાં નહી આવે તો અમે જવાબદાર અધિકારી કે તલાટી સામે કાયદાકીય કાર્યવાહી કરીશુ. આગેવાનોની આવી ચિમકીથી ટી.ડી.ઓ. અને તલાટીઓની આ માતબર રકમના બિલનુ ચુકવણુ કરવામાં સેન્ડવીચ જેવી હાલત થઈ છે.
ઉમતાના આગેવાનોની કોર્ટ કાર્યવાહીની મૌખીક ચિમકીથી ટી.ડી.ઓ. સુચીબેન પટેલ, ગ્રામ પંચાયતના તલાટી સાગરભાઈ પટેલ તથા વહીવટદાર તલાટી પ્રદિપભાઈ રાવત કાયદાના સકંજામાં આવ્યા વગર કાંસ સફાઈના બિલનું ચુકવણું કેવીરીતે કરવુ તે મુદ્દે અવઢવમાં મુકાયા છે
વિસનગર તાલુકાના ઉમતા ગામના પુર્વ સરપંચ તેમજ તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના પુર્વ ચેરમેન અંકિતભાઈ મફતલાલ પટેલે ગામમાં વરસાદી પાણી ન ભરાય તે માટે રૂા.૩૭ લાખથી વધુના ખર્ચે સીમમાં કાંસની સફાઈ કરાવી હતી. જેના બિલના નાણાં ચુકવવા મુદ્દે ગામના કેટલાક લોકોએ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં તેનો વિરોધ કર્યો હતો. જેમાં ગામના આગેવાનોએ ગામના કેટલાક લોકોની સહીઓ સાથે ગત શનિવારના રોજ વિસનગર ટી.ડી.ઓ. સુચીબેન પટેલને આવેદન પત્ર આપી પોતાનો વિરોધ દર્શાવી રજુઆત કરી હતી કે, અમારા ગામના મોટા ગજાના કહેવાતા આગેવાને ગ્રામ પંચાયતમા જરૂરી વહીવટી પ્રક્રિયા પુર્ણ કર્યા વગર ગામમાં રૂા.૩૨ લાખ જેટલી માતબર રકમના ખર્ચે કાંસની સફાઈ કરાવી છે. જે કામ નિયમોનુસાર ખોટુ કર્યુ છે. ગામમાં કોઈપણ વિકાસનું કામ કરવુ હોય તો પહેલા ગ્રામ પંચાયતમાં તેનો ઠરાવ કરવો પડે. ત્યારબાદ ગ્રામ પંચાયતના બજેટમાં ઠરાવ મંજુર કરીને તેને તાલુકા પંચાયતમાં મોકલવો પડે. જેમાં રૂા.૩૨ લાખ જેટલી રકમના કામ માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ વિકાસ કમિશ્નર પાસે વહીવટી મંજુરી લેવી પડે. આટલી મોટી રકમનો ખર્ચ કરવા માટે જાણીતા પેપરમાં જાહેરાત આપી ટેન્ડર પ્રક્રિયા કરવી પડે. તેમજ પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર મારફતે કાંસની સ્વચ્છતાનુ સુપરવિઝન થવુ જોઈએ. પરંતુ આ કાંસની સફાઈના કામ માટે તાલુકા કક્ષાએથી તાંત્રીક મંજુર કે વહીવટી મંજુરી લેવામાં આવી નથી. ખોદકામ કરી તેની માટી ક્યાં લઈ જવામાં આવી તેનો કોઈ હિસાબ નથી. માટીકામ શરૂ કર્યા પહેલા અને માટીકામ પુર્ણ થયા બાદના લેવલની કોઈ માહિતી નથી. પંચાયતના ઠરાવમાં કોઈ યોજનામાં આ કામનો ખર્ચ કરવાનો છે તેની કોઈ વિગત નથી કે આ અંગે નાણાંકીય વર્ષમાં અંદાજપત્રની કોઈ જોગવાઈ કરી નથી. આટલી મોટી રકમ ચુકવવાની ગ્રામ પંચાયતની મર્યાદા સિમીત છે. ત્યારે આ વિકાસકામમાં પ્રથમ એસ્ટીમેન્ટ બનાવ્યા વગર હવે જુની તારીખના ખોટા એસ્ટીમેન્ટ બનાવી કામના પ્રમાણમાં ખોટુ અને મોટુ બિલ વસુલવા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અધિકારી ઉપર ખોટુ દબાણ કરવામાં આવે છે. જો તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. કે ગ્રામ પંચાયતના તલાટીઓ રાજકીય દબાણમાં આવી સરકારશ્રીના નિયમોનું ઉલ્લંધન કરી બિલનું ચુકવણુ કરશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહીમાં નોકરીનુ જોખમ ઉભુ થશે. વધુમાં તેમને વહીવટી તંત્ર દ્વારા સરકારી નાણાંનો દુર ઉપયોગ અટકાવવામાં નહી આવે તો ગ્રામજનો ગાંધી ચિન્ધ્યા માર્ગે તાલુકા પંચાયતના પટાંગણમાં ઉપવાસ ઉપર બેસવા મજબુર થશે તેવી ટી.ડી.ઓ. સુચીબેન પટેલ સમક્ષ ચિમકી ઉચ્ચારી હતી. ત્યારે ટી.ડી.ઓ. સુચીબેન પટેલ તથા તલાટી સાગરભાઈ પટેલ તેમજ વહીવટદાર તલાટી પ્રદિપભાઈ રાવત આ બિલના ચુકવણા મુદ્દે અવઢવમાં મુકાયા છે. ટી.ડી.ઓ. અને તલાટીઓ કોઈપણ પ્રકારના વિવાદ વગર કાંસની સફાઈના માતબર બિલનું ચુકવણુ વિવાદ વગર કેવીરીતે કરવુ તેનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું તાલુકામાં ચર્ચાય છે. તાલુકા પંચાયતમાં એવી ચર્ચા છે કે, વિસનગર તાલુકાના કેટલાક પદાધિકારીઓની આંતરિક ડખલગીરીના કારણે વર્ષ ૨૦૧૫ થી આજ સુધીમાં ઈન્ચાર્જ ટી.ડી.ઓ. વિજયભાઈ ચૌધરી (પોણા ત્રણ વર્ષ) સિવાય એકપણ કાયમી કે ઈન્ચાર્જ ટી.ડી.ઓ. લાંબો સમય અહી ટક્યા નથી. હવે ટી.ડી.ઓ. સુચીબેન પટેલ પણ વિસનગરમાં લાંબો સમય ટકે તેવી શક્યતા ઓછી જણાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us