Select Page

સાંસદ શારદાબેન પટેલની જેમ હરિભાઈ પટેલનુ વિસનગરમાં શું યોગદાન

સાંસદ શારદાબેન પટેલની જેમ હરિભાઈ પટેલનુ વિસનગરમાં શું યોગદાન

મહેસાણા જીલ્લા સીટમાં ભાજપે ઉમેદવાર જાહેર કરતાજ કાર્યકરોમાં ગણગણાટ

  • ભાજપના કાર્યકરોમા ચર્ચા-વિસનગરની દિકરીના નામે મત લઈ પાંચ વર્ષ જોવા પણ મળ્યા નથી તેવા સાંસદ શારદાબેન પટેલ પ્રચારમા નિકળશે તો મત બગડશે

મહેસાણા લોકસભાની બેઠક ઉપર ભારે અટકળો બાદ ભાજપ હાઈકમાન્ડે ઉંઝા તાલુકાના સુણક ગામના ૮૪ કડવા પાટીદાર સમાજના અને મહેસાણા જીલ્લા પંચાયતના કારોબારી સમિતિના પુર્વ ચેરમેન હરીભાઈ પટેલનુ નામ જાહેર કરતા ભાજપના સ્થાનિક કાર્યકરોમાં ભારે વિરોધનો સુર ઉભો થયો છે. જેમાં વિસનગર વિધાનસભા ક્ષેત્રની વાત કરીએ તો અહી પુર્વ સાંસદ શારદાબેન પટેલ વિસનગરના દિકરી હોવા છતાં તેઓ ભાજપના જૂથવાદમાં વિસનગરના વિકાસ માટે નિષ્ક્રિય રહ્યા હતા. જેથી આ લોકસભાની ચુંટણીમાં વિસનગર તાલુકાના મતદારો “દૂધનો દાજ્યો છાશ ફુંકીને પીવે” તેમ ભાજપના આ ઉમેદવાર ઉપર કેટલો વિશ્વાસ મુકે છે તે જોઈએ.
લોકસભાની ચુંટણીને લઈ ભાજપ હાઈકમાન્ડે ગુજરાતની ૨૬ બેઠકોના ઉમેદવારના નામોની જાહેરાત કરતા પાર્ટીના નિર્ણયથી નારાજ કાર્યકરોએ પાંચ બેઠક ઉપર જાહેરમાં પોતાનો વિરોધ દર્શાવ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતનના જીલ્લાની રાજકીય લેબોરેટરી ગણાતી મહેસાણા બેઠક ઉપર ગત રવિવારે ઉંઝા તાલુકાના સુણક ગામના ૮૪ કડવા પાટીદાર સમાજના અને મહેસાણા જીલ્લા પંચાયતના કારોબારી સમિતિના ભાજપના પુર્વ ચેરમેન હરિભાઈ નથ્થુરામ પટેલ (ઉં.વ.૬૨)નુ નામ જાહેર કરવામાં આવ્યુ હતુ. ભારે અટકળો બાદ મહેસાણા બેઠક માટે ઉનાવા જીલ્લા સીટના ભાજપના સદસ્ય હરિભાઈ પટેલનુ નામ જાહેર થતા જ ભાજપના સ્થાનિક કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો. ભાજપના એક કાર્યકરની વાતચીતનો ઓડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં ભાજપના અંબાલાલ પટેલ નામના સ્થાનિક કાર્યકર પોતાનો રોષ વ્યક્ત કરતા એવુ કહે છે કે, હરિભાઈ પટેલ સુણકથી મુક્તુપુર સુધી બનેલા રોડ માટે જમીન સંપાદન કરનાર ખેડુતોને છેલ્લા ૧૫ વર્ષથી વળતર અપાવી શક્યા નથી. તો હરિભાઈ લોકસભામાં જઈને બીજાનો શું ઉધ્ધાર કરશે? જે વ્યક્તિ ગામનુ ભલુ નથી કરી શક્યા તે જીલ્લાના લોકોનું શું ભલુ કરશે. હજુ ઉમેદવાર હરિભાઈ પટેલ વિરૂધ્ધ ભાજપના કાર્યકરોનો રોષ શમ્યો નથી. ત્યારે વિસનગર વિધાનસભા ક્ષેત્રમાં લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલનું કોઈ યોગદાન ન હોવાથી તેમને કોઈ ઓળખતુ નથી. જ્યારે બીજી બાજુ ગત લોકસભાની ચુંટણીમાં દિકરીના નામે લોકલાગણી ઉભી કરીને વિસનગર પંથકમાંથી ભાજપ માટે ખોબલે ખોબલે મત લેનાર પુર્વ સાંસદ શારદાબેન પટેલે કોરોનાના કપરા સમયમાં વિસનગરના લોકોની પરવા કરી ન હતી. આ સાથે તેમને રાજકીય કિન્નાખોરીમાં પાંચ વર્ષના શાસનમાં વિસનગર માટે કોઈ મહત્વના વિકાસ કામો કર્યા નથી. જેથી આ લોકસભાની ચુંટણીમાં “સુકા ભેગુ લીલુ બળે ” તે કહેવતની જેમ પુર્વ સાંસદ શારદાબેન પટેલની નિષ્ક્રિયતાના કારણે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને કદાચ નુકશાન સહન કરવુ પડે તો કંઈ નવાઈ નહી. જોકે પુર્વ સાંસદ શારદાબેન પટેલે પોતાની રાજકીય નિષ્ફળતાથી થયેલા વિરોધને જોઈને આ લોકસભાની ચુંટણી નહી લડવાનો નિર્ણય કર્યો હોવાનું ભાજપના કાર્યકરોમાં ચર્ચાય છે. અત્યારે વિસનગર વિધાનસભા ક્ષેત્રમાં પુર્વ સાંસદ શારદાબેન પટેલ કરતા પુર્વ સાંસદ જયશ્રીબેન પટેલનુ રાજકીય વર્ચસ્વ વધુ હોવાનું લોકો માને છે. જેથી પુર્વ સાંસદ જયશ્રીબેન પટેલ વિસનગર તાલુકામાં ચુંટણી પ્રચાર કરશે તો લોકસભામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને મોટો ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના પ્રજાભિમુખ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના જનકલ્યાણકારી કાર્યોના ફળસ્વરૂપે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને મોટો ફાયદો થશે તેવું રાજકીય વિશ્લેષકો ગણિત માંડી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us