રણજીતસિંહ ઠાકોરે ગત વિધાનસભામાં રૂા.૨૫ લાખ લીધાનો આક્ષેપ
વિસનગર કોંગ્રેસની મીટીંગમા ખળભળાટ- ભાજપને જીતાડવા પૈસાની લેતી-દેતીની ચર્ચા
વિધાનસભાની ચુંટણીની તૈયારી માટે વિસનગર શહેર અને તાલુકા કોંગ્રેસની મળેલી મિટીંગમા ગરમા ગરમ ચર્ચાઓ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉપર ગંભીર આક્ષેપો થતા ભારે હોબાળો થયો હતો. મિટીંગમાં હાજર એક કાર્યકરે ગત વિધાનસભામા રણજીતસિંહ ઠાકોરે ભાજપ પાસેથી રૂા.૨૫ લાખ લીધા હોવાનો આક્ષેપ કરવામા આવતા એક સમયે તો મિટીંગમા સન્નાટો છવાઈ ગયો હતો. ચુંટણી પહેલાજ કોંગ્રેસમા આવા આક્ષેપો શરૂ થઈ રહ્યા છે. ત્યારે કહેવાતા આગેવાનો કાર્યકરોને પાર્ટી પ્રત્યેની વફાદારી અને નિષ્ઠાનુ માર્ગદર્શન કેવી રીતે આપશે તેવી ચર્ચાઓ થઈ હતી. જીલ્લા કોંગ્રેસને હચમચાવી નાખતા આક્ષેપ સામે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે પાયા વિહોણા આક્ષેપ હોવાનુ જણાવ્યુ હતુ.
ગત વિધાનસભાની ચુંટણીમા વિસનગર સીટમાં જીત કોંગ્રેસના હાથમા હતી. પરંતુ કોંગ્રેસના કેટલાક આગેવાનો નિષ્ક્રીય થઈ જતા તેમજ કેટલાક લાલચમા આવતા સીટ ગુમાવી હતી. ફરીથી વિધાનસભાની ચુંટણીની તૈયારીમા કોંગ્રેસને પાંચ વર્ષ પહેલા ચુંટણીમા ભાજપ સાથે કરેલી જુગલબંધીનો વિવાદ નડી રહ્યો છે. ચુંટણીની તૈયારી માટે વિસનગર શહેર અને તાલુકા કોંગ્રેસની મિટીંગ તા.૩૧-૭-૨૦૨૨ને રવિવારના રોજ હરિહર સેવા મંડળમા મળી હતી. મિટીંગમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, પુર્વ મંત્રી કિરીટભાઈ પટેલ, વિધાનસભાના પ્રભારી ગુલામહુસેન, બાબુભાઈ વાસણવાળા, જીલ્લા પંચાયતના પુર્વ સભ્ય હસમુખભાઈ ચૌધરી, પ્રદેશ કોંગ્રેસના સુધીરભાઈ પટેલ શહેર તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, ચુંટાયેલા સભ્યો વિગેરે ઉપસ્થિત હતા. વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ પટેલ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ ઠાકોર દ્વારા મિટીંગનુ સુવ્યવસ્થિત આયોજન કરવામા આવ્યુ હતુ.
મિટીંગમાં ચુંટણી લક્ષી માર્ગગદર્શન આપવા રણજીતસિંહ ઠાકોર જેવા ઉભા થયા અને માઈક પકડી બોલવાની શરૂઆત કરી કે તુર્તજ વિકુભા વાઘેલા ઈયાસરાએ અધ વચ્ચેથી રોકી જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમા વિસનગર સીટમા ભાજપને જીતાડવા અને કોંગ્રેસને હરાવવા માટે જે રૂા.૨૫ લાખ લીધા હતા. તેનો પ્રથમ જવાબ આપો. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉપર જાહેરમા થયેલા આક્ષેપથી મિટીંગમા સન્નાટો છવાઈ ગયો હતો. મિટીંગમા ઉપસ્થિત અન્ય આગેનાનો ઉપર પણ કોંગ્રેસને તોડવાના આક્ષેપો થયા હતા. વિકુભા વાઘેલાના આક્ષેપનો અશોકસિંહ વાઘેલા, દિલીપસિંહ ઠાકોર તથા અન્ય કાર્યકરોએ પણ ટેકો આપતો શુર પુરાવ્યો હતો. ચુંટણીમા પૈસાની લેતી-દેતીના આક્ષેપથી હાજર કાર્યકરો સુન્ન થઈ ગયા હતા.
આ બાબતે વિકુભાઈ વાઘેલાનો સંપર્ક કરવામા આવતા તેમણે જણાવ્યુ હતુ કે,હું કોઈ પક્ષનો હોદ્દેદાર નથી. પરંતુ ઠાકોર સમાજના નામે ચુંટણીમા જે વેપલો થાય છે તેનો મારો વિરોધ છે. રણજીતસિંહ ઠાકોરે ગત વિધાનસભામા વિસનગર સીટમા ભાજપ પાસેથી રૂા.૨૫ લાખ લીધા હતા જે વ્યવહાર અજમલજી ઠાકોરના હસ્તે થયો હતો. જેમા ઠાકોર સમાજના હોદ્દેદારો સાક્ષી છે. ભાજપ અને કોંગ્રેસ સમાજને ગુમરાહ કરીને મત લઈ જાય છે પરંતુ વચનો પાળતા નથી. ગત વિધાનસભામા ભાજપે ઠાકોર સમાજના કાર્યાલય માટે જગ્યા આપવા વચન આપ્યુ હતુ. તે પાળ્યુ નથી જેનો ભાજપ પાસેથી પણ સમય આવે જવાબ લેવામા આવશે. જ્યારે કોંગ્રેસે સત્તા હોય કે ન હોય તેમ છતા કાર્યાલયની જગ્યા માટે કમિટમેન્ટ આપ્યુ હતુ. રણજીતસિંહ ઠાકોર વિસનગર તાલુકા ઠાકોર સમાજમા પણ ખોટુ કર્યુ છે. સમાજની રીતે કે કોંગ્રેસના પ્રમુખ તરીકે રણજીતસિંહ ઠાકોર સ્વિકાર્ય નથી. રણજીતસિંહ ઠાકોર ગત વિસનગર તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસમાથી ઉભા રહેલ ઠાકોર સમાજના ઉમેદવારોના પ્રચારમા પણ ગયા ન હોતા ત્યારે હવે ઠાકોર સમાજ શુ કરવા તેમનુ માને.
જ્યારે ભાજપ પાસેથી પૈસાની લેતી-દેતીના આક્ષેપ બાબતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરનો સંપર્ક કરતા જણાવ્યુ હતુ કે. દુખતુ હોય પેટ અને કુટતા હોય માથુ તેવી વાત છે. ખોટી રીતે બદનામ કરવા પાયા વિહોણા આક્ષેપ છે. કોઈ ન મળતુ હોય એનો મતલબ એ નથી કે કોઈના ઉપર આક્ષેપ કરવો. ભાજપનો ખેસ પહેરે છે. ભાજપ માટે કામ કરે છે અને ભાજપનો પ્રચાર કરે છે તેવા કોંગ્રેસની ચીંતા કરવા નિકળ્યા છે.
ભાજપનો ખેસ પહેરનાર કોંગ્રેસની ચિંતા કરવા નિકળ્યા છે. આક્ષેપ પાયા વિહોણા છે- જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર