વિસનગર ગ્રાહક સુરક્ષાના પ્રયત્નોથી રૂા.૬૫ લાખનુ વળતર
રજુ થયેલા ૨૨૯ કેસમાં ૭૮ કેસ દાખલ કરાયા જ્યારે ૨૫ કેસમા ચુકાદો આવ્યો
- પ્રિલિટિગેશનમાં ૧૫૧ કેસનો નિકાલ કરી અરજદારો સહીત જીલ્લા ગ્રાહક અદાલતનો સમય બચાવ્યો
ગ્રાહકોને ન્યાય મળે તે માટે સતત પ્રવૃત્તિશીલ વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળની કાર્યશૈલીની નોધ હવે રાજ્ય કક્ષાએ લેવાઈ છે. કોઈપણ શેહ શરમ વગર ન્યાય અપાવવાની પ્રક્રિયાને લઈ ગ્રાહકોની રજુઆતોનો ઘસારો વધ્યો છે. ન્યાય પ્રણાલી આધારે વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂા.૬૫ લાખનુ વળતર મળતા છેતરાયેલા અને અન્યાયનો ભોગ બનનાર ગ્રાહકોમાં વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે અદમ્ય વિશ્વાસ સંપાદન કર્યો છે.
વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ ગ્રાહકોના ન્યાય અને હીત માટે સતત જાગૃત તથા પ્રયત્નશીલ રહે છે. પ્રમુખનો હોદ્દો માનદ સેવા હોવા છતા એક સરકારી અધિકારીની જેમ ગ્રાહક સુરક્ષાની ઓફીસમાં સાંજે ૪-૦૦ થી ૬-૦૦ નિયમિત હાજરી આપી નિષ્ઠાપૂર્વકની સેવાથી આજ ગ્રાહક સુરક્ષા મંડળની નોધ સ્ટેટ લેવલે લેવાઈ રહી છે. મંડળના પ્રમુખ સહીત મહામંત્રી હરગોવિંદભાઈ એમ.પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ એસ.સુથાર, કારોબારી સભ્ય વિજયભાઈ બી.ભાવસાર, બાબુભાઈ વાસણવાળા વિગેરે સભ્યોની નિયમિત હાજરીથી ઓફીસના પગથીયા ચડતા ગ્રાહકોને ત્વરીત ન્યાય મળી રહ્યો છે. મંડળના વહિવટી અધિકારી કલ્પેશભાઈ ઠાકોર પણ ગ્રાહકોના ન્યાય માટે એટલાજ પ્રવૃત્તિશીલ રહે છે.
વિસનગર ગ્રાહક સુરક્ષાની શેહ શરમ વગરની કામગીરીથી ગ્રાહકોમાં એક વિશ્વાસ ઉભો થતા હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છેકે મહિનામા ૨૫ થી ૩૦ જેટલી લેખીત રજુઆતો મળી રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪ મા ગ્રાહક સુરક્ષા મંડળમાં ૨૨૯ રજુઆતો મળી હતી. ગ્રાહકો તથા જીલ્લા ગ્રાહક અદાલતનો સમય ન બગડે તે માટે સમાધાનનો પ્રથમ પ્રયત્ન રહે છે. વેપારી અને ગ્રાહકને બોલાવી સમાધાનજ કરતા આ પ્રિલિટિગેશનમાજ ૧૫૧ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. વેપારી જો સમાધાનમાં બેસે નહી તો જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ કરવામાં આવે છે. રજુઆત કરનાર ગ્રાહકને ધક્કા ખાવા પડે નહી તે માટે વિસનગર ઓફીસમાજ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા મંડળના માર્ગદર્શનમાં આવા ૭૮ કેસ કરવામાં આવ્યા હતા. જેમાં ઈન્સ્યોરન્સ કંપનીઓ, ક્લબ મેમ્બરશીપ આપતી ટ્રાવેલ્સ કંપનીઓ તથા કેટલાક કિસ્સામાં બીલ્ડરોનો પણ સમાવેશ થાય છે. ગ્રાહક સુરક્ષા મંડળના માર્ગદર્શનમાં કરવામાં આવેલ કેસમાં ગત વર્ષે ૨૫ કેસમા ચુકાદો મળ્યો છે. ગ્રાહકોને ન્યાય આપવાના સતત પ્રયત્નોના કારણે જિલ્લા ગ્રાહક અદાલતના ચુકાદામાં વ્યાજ સહીત રૂા.૪૦,૦૯,૧૬૭/- તથા પ્રિલિટિગેશનમાં રૂા.૨૫,૨૨,૦૩૬/- સાથે કુલ રૂા.૬૫,૩૧,૨૦૩/- નુ વળતર ગ્રાહકોને મળ્યુ છે. સ્કુલ કોલેજોમાં ગ્રાહક જાગૃતિ માર્ગદર્શન કાર્યક્રમો સાથે બજારમાં ગ્રાહક ન છેતરાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ તથા તોલમાપ વિભાગના અધિકારીઓને સાથે રાખી તપાસ કરવામાં આવતા આજ વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની સેવાઓની સુવાસ સમગ્ર રાજ્યમાં ફેલાઈ છે.