Select Page

વૈદિક કાળથી આપણી સાથે વિજ્ઞાન જોડાયેલુ છે-મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગરમાં કલામ ટીચર સાયન્સ અને કલામ બાળ વૈજ્ઞાનિક સેન્ટરનુ ઉદ્‌ઘાટન

  • આપણા દેશના મહાપુરૂષ સરદાર વલ્લચભાઈ પટેલ અને ગાંધીજીની જેમ ૨૧મી સદીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનુ નામ ઈતિહાસના પાને લખાશે- ઋષિભાઈ પટેલ
  • સમગ્ર ભારત દેશમાં સૌ પ્રથમ વિસનગરમાં કલામ ટીચર સાયન્સ સેન્ટર અને કલામ બાળ વૈજ્ઞાનિક સેન્ટર ઉભુ થયુ છે- ડા.ચંદ્રમૌલી જોષી
વિસનગરમાં કમાણા ચાર રસ્તા નજીક આવેલ નવયુગ શિશુ નિકેતન સ્કુલમાં સરકારના હર ઘર કલામ અભિયાન અંતર્ગત ગુરૂવારના રોજ વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે કલામ ટીચર સાયન્સ સેન્ટર અને કલામ બાળ વૈજ્ઞાનિક સેન્ટરનુ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, પુર્વ ઈસરો વૈજ્ઞાનિક દિપકભાઈ ભટ્ટ, એ.પી.જે.કે. વાય.એસ. મહારાષ્ટ્રના વાઈસ ચેરમેન સુનિલ વાનખેડે, રાજસ્થાનના નેશનલ ડાયરેક્ટર ગજેન્દ્ર ગોપાલા, મહારાષ્ટ્રના નેશનલ સેક્રેટરી સંદિપ પાટીલ, નવયુગ શિશુ નિકેતનના પ્રમુખ ડા.મિહિરભાઈ જોષી, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ દેસાઈ, નેશનલ કાઉન્સીલ ઓફ ટીચર સાયન્ટીસ્ટના રાષ્ટ્રીય ચેરમેન ડા.ચંદ્રમૌલી જોષી, પ્રિન્સીપાલ વિજયભાઈ પટેલ સહિત નવયુગ શિશુ નિકેતનના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ૨૦મી સદીમાથી ૨૧મી સદીમાં પ્રવેશતા જ ભારતનુ ભાગ્ય કરવટ બદલી રહ્યુ છે. સામાન્ય રીતે વૈદિક કાળથી જ આપણી સાથે વિજ્ઞાન જોડાયેલુ છે. ભારત દેશ ૭૦૦ થી ૮૦૦ વર્ષ ગુલામીના કારણે પાછળ રહ્યુ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખુબ જ પ્રગતિ કરી છે. ભારતે વરાહમિહિર અને આર્યભટ્ટ જેવા મહાન વૈજ્ઞાનિકો વિશ્વને આપ્યા છે. કોરોનાના સમયમાં ભારતના વૈજ્ઞાનિકોએ કોરોનાની રસી બનાવી સમગ્ર દુનિયાને આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વ સાથે જોડવાનુ કામ કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે રામજન્મ ભૂમિ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણનુ કાર્ય અને જમ્મુ-કાશ્મીરમાથી ૩૭૦ ની કલમ હટાવવાનુ ઐતિહાસિક કાર્ય કર્યુ છે. જેથી આપણા દેશના મહાપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની જેમ ૨૧મી સદીમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનુ નામ ઇતિહાસના પાને ચોક્કસ લખાશે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, સારા શિક્ષકો થકી બાળકોનો દરેક ક્ષેત્રે વિકાસ થાય છે. બાળકોમાં વિજ્ઞાન સાથે સામાજીક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ વિકાસ થવો જોઈએ. સમાજમાં અને બાળકોમાં માન સન્માન પેદા કરવાનુ કામ શિક્ષકના હાથમાં છે. આજના ટેકનોલોજીના યુગમાં ભારત દેશ સ્માર્ટ ફોન, ચેટ, જી.ટી.પી., આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સમાં સતત પ્રગતિ કરી રહ્યુ છે. જેમાં આ પ્રકારના સાયન્સ સેન્ટર થકી નાના બાળકોમાં વિજ્ઞાન ક્ષેત્રે જીજ્ઞાશા ઉભી થશે અને બાળકો નાનપણથી જ પરિપક્વ બનશે. તેમ જણાવી આ સંસ્થા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરે તેવી સંસ્થાના ટ્રસ્ટીઓને શુભકામના પાઠવી હતી. 
જ્યારે નેશનલ કાઉન્સીલ ઓફ ટીચર સાયન્ટીસ્ટના રાષ્ટ્રીય ચેરમેન ડા.ચંદ્રમૌલી જોષીએ જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશમાં સૌ પ્રથમ વિસનગરમાં કલામ ટીચર સાયન્સ સેન્ટર અને કલામ બાળ વૈજ્ઞાનિક સેન્ટર ઉભુ થયુ છે. જોકે સરકારના હર ઘર કલામ અભિયાન અંતર્ગત દેશમાં આવા ૨૫ સેન્ટરો ઉભા કરવાના છે. આવા સેન્ટરો થકી શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ આવશે અને દેશને સારા વૈજ્ઞાનિકો મળશે. આ ઉપરાંત સંસ્થાના પ્રમુખ ડા.મિહિરભાઈ જોષી, મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ દેસાઈ તથા ગુજરાતના પુર્વ ઈસરો વૈજ્ઞાનિક દિપકભાઈ ભટ્ટે પોતાના પ્રવચનોમાં આજના યુગમાં વિજ્ઞાન અને ગણિતનુ કેટલુ મહત્વ છે તેની માહિતી આપી શિક્ષકો અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે કલામ ટીચર સાયન્સ સેન્ટર અને કલામ બાળ વૈજ્ઞાનિક સેન્ટરની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. કાર્યક્રમની આભારવિધી સંસ્થાના સંચાલક તૃષાબેન દેસાઈએ કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts