Select Page

કોરોના હંમેશ માટે જતો રહ્યો તેવુ માનવુ જોખમી નવો વાયરસ હાનિકારક નથી પરંતુ સાવચેતી રાખવી એટલીજ જરૂરી

કોરોના હંમેશ માટે જતો રહ્યો તેવુ માનવુ જોખમી નવો વાયરસ હાનિકારક નથી પરંતુ સાવચેતી રાખવી એટલીજ જરૂરી

તંત્રી સ્થાનેથી…
ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ અજાણ હતુ. ત્યારે નવેમ્બર-૨૦૧૯ માં ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોધાયો હતો. કોરોના વાયરસના લક્ષણો, તેની અસરો, દવાઓની જરૂરીયાત બાબતેની કોઈ જાણકારી નહોતી અને ૨૦૨૦ માં આ વાયરસે દેશમાં ભયાનક સ્વરૂપ બતાવ્યુ. કોરોનાની પ્રથમ લહેરમાંજ લોકડાઉન કરવામાં આવ્યુ. ધંધા રોજગાર અટકી ગયા હતા. અસંખ્ય લોકોએ નોકરી ગુમાવી હતી. સામાન્ય વર્ગના લોકોનો જીવન નિર્વાહ મુશ્કેલ બની ગયો હતો. કોરોના વાયરસના સંક્રમણના દર્દીઓથી દવાખાના હોસ્પિટલો ઉભરાયા હતા. સારવાર માટે જગ્યા મળતી નહોતી ત્યારબાદની વર્ષ-૨૦૨૧ ની બીજી લહેરમાં કોરોનાની જે ભયાનકતા જોવા મળી તે કલ્પી શકાય નહી તેવી હતી. વાયરસ સીધોજ ફેફસા ઉપર અસર કરતો હોવાથી ઓક્સીજન લેવલ ઘટી જતુ હતુ. હોસ્પિટલમાં ઓક્સીજનની કોઈ વ્યવસ્થા નહી હોવાથી દર્દીઓના ટપોટપ મોત થતા હતા. મોટી હોસ્પિટલોમાં ઓક્સીજન ખુટી ગયો હતો. હોસ્પિટલમાં જગ્યા નહી હોવાથી ઘરમાં સારવાર માટે લોકો ઓક્સીજન સીલીંડર શોધતા હતા. ઓક્સીજન સીલીંડર હતા તો પ્લાન્ટમાં ઓક્સીજન મળતો નહોતો. મૃત્યુઆંક એટલી મોટી સંખ્યામાં હતો કે સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે જગ્યા મળતી નહોતી. મોટા શહેરોમાંથી લોકો સ્નેહી સ્વર્ગસ્થના અગ્નિ સંસ્કાર માટે નાના શહેરમાં આવતા હતા. સ્મશાનોના અગ્નિ સંસ્કાર માટે મૃતદેહોને લાઈનમાં મુકવામાં આવતા હતા. સોશિયલ મીડિયામાં રોજ નજીકના સ્નેહીના મૃત્યુની પોસ્ટ જોવા મળતી હતી. પૈસા ખર્ચે સારવાર કે દવાઓ મળતી નહોતી. કોરોના વાયરસની આ એક એવી ભયાનકતા હતી કે લોકોએ તેમના જીવનમાં ક્યારેય જોઈ નહોતી. ભારત દેશના વૈજ્ઞાનિકોએ વેક્સીનનુ સંશોધન કર્યુ અને દેશના લોકો ધીમે ધીમે કોરોના મહામારીમાંથી બહાર આવ્યા. અત્યારે લોકો કોરોનાની ભયાનકતાને ભુલી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળી રહ્યા છીએ કે ચીન, મલેશીયા, ઈન્ડોનેશીયા અને સીંગાપુર જેવા દેશોમાં કોરોના વાયરસના નવા વેરીયન્ટનો ચેપ જોવા મળી રહ્યો છે. ભારત દેશના ૧૦ રાજ્યોમાં જે.એન વન વાયરસના ૨૬૩ કેસ છે અને દર ૨૪ કલાકમાં ૫૦૦ થી ૬૦૦ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં સક્રીય કેસની સંખ્યા ૫૦૦૦ ઉપરાંત્ત પહોચી છે. કેટલાક લોકોના મોતના પણ અહેવાલ છે. જે.એન વન સબ વેરીયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. ત્યારબાદ આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૦ અને ૨૧ ના કોરોના વૅવમાં દેશ વિદેશમાં સંક્રમણની તપાસમાં તકેદારી અને ઝડપ રાખવામાં આવી હોવા છતા કોરોનાના વધુ કેસો સામે આવ્યા હતા. સ્વાભાવિક છેકે જ્યા સાવચેતી અને તપાસ પ્રત્યે ગંભીરતા નથી ત્યા કોરોના સંક્રમણના વધુમાં વધુ કેસ જોવા મળ્યા છે. એ એક વાસ્તવિકતા છેકે કોરોના આપણી વચ્ચેથી કાયમ માટે વિદાય લેવાનો નથી. કોરોના વાયરસને હંમેશ માટે નાબુદ કરી શકાતો નથી. કોરોના વાયરસ સમયાંત્તરે તેનુ સ્વરૂપ બદલે છે. જે એન. વન નવો વેરીયન્ટ આવતાજ કેન્દ્ર સરકારે તુર્તજ સક્રિયતા દાખવીને એડવાઈજરી લેવા અને જરૂરી પગલા લેવા જણાવ્યુ છે. વિડંબણા એ છેકે કોવિડ આપણી વચ્ચેથી ગયો નથી તે ઘણી હોસ્પિટલ તંત્ર ભુલી ગયુ છે. ઘણી હોસ્પિટલોમાં ઓક્સીજાન પ્લાન્ટ બંધ હાલતમાં છે. કોરોનાનો નવો વેરીયન્ટ ક્યારે કેટલુ ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે તેની કોઈને ખબર નથી. જે એન.વન નવો વાયરસ ભલે હાનિકારક નથી છતા આપણી વચ્ચે કોરોના છે ત્યા સુધી સતર્ક અને સાવચેત રહેવુ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં આપણે સ્વચ્છતા અને કોવિડ પ્રોટોકોલનુ કાળજીપૂર્વક પાલન કરીશુ તો સુરક્ષિત રહીશુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us