ખેરાલુમાં દેસાઈવાડાથી માનકુવા રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર-કલેક્ટરને ફરીયાદ
- કલેકટરશ્રીને શહેરના તમામ રોડ ચકાસવા આમંત્રણ અપાયુ
- ગુજરાત હાઈકોર્ટમા પણ ફરીયાદ અરજ મોકલાઈ
ખેરાલુ શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કામો થઈ રહ્યા છે. જેમા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી જાતે દેખરેખ રાખી રહ્યા છે. પાલિકા ચિફઓફીસર વ્યાપક ભ્રષ્ટાચાર થવા છતા સ્થળ ચકાસણી કરતા નથી. ખેરાલુ શહેરના વિકાસ કામોની દેખરેખ માટે શહેર ભાજપ સંગઠન કે પૂર્વ સભ્યોની કમિટી બનાવવા શહેરના તમામ લોકો માંગણી કરી રહ્યા છે. ધારાસભ્ય કમિટિ કેમ બનાવતા નથી તેની તપાસ કરતા જાણવા મળ્યુ કે જે લોકોની કમિટી બને તે લોકો ધ્યાન રાખે કે નહી તેનો વિશ્વાસ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને નથી. તેમજ જો કમિટી બનાવવામા આવે તો બીજા કાર્યકરો નારાજ થાય જેથી ધારાસભ્ય જાત દેખરેખ રાખે છે. ધારાસભ્ય વિકાસ કામો ઉપર દરરોજ દેખરેખ રાખી શકવાના નથી તે સનાતન સત્ય છે. ખેરાલુના દેસાઈવાડા ડેરીથી માનકુવા થઈને શિતકેન્દ્ર જતા આર.સી.સી.રોડમા વ્યાપક ગેરરીતીઓ થતા ખેરાલુ સિનિયર સિટીઝન કાઉન્સીલના પ્રમુખ દ્વારા કલેકટરશ્રીને સંબોધી રોડના કામમા થતા ભ્રષ્ટાચારની ફરીયાદ કરી છે. આ ફરીયાદની નકલ વડાપ્રધાન, મુખ્યમંત્રી, વિજીલન્સ કમિશ્નર, ગુજરાત હાઈકોર્ટ, ચિફ ઓફીસર તથા પ્રાંત અધિકારીને મોકલાઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી ન કરે તો હાઈકોર્ટમાં અપિલ કરવા માટે અરજી કરાઈ છે. ખેરાલુ પાલિકામા વ્યાપક ભ્રષ્ટાચારની બુમો છેલ્લા ર૦-રપ વર્ષથી ઉઠી છે. પરંતુ આજ સુધી કોઈપણ કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ હાઈકોર્ટમાં અપિલ થઈ નથી જે હવે થશે તેવુ લાગે છે.
રોડના કામમા ભ્રષ્ટાચારની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ખેરાલુ સિનિયર સિટીઝન કાઉન્સીલના પ્રમુખ વાઘજીભાઈ દેસાઈએ અરજી કરી છે. તેના મુખ્ય મુદ્દા જોઈએ તો સરકારી નાણાનો વ્યાપક દૂર ઉપયોગ થઈ રહ્યો છે. રોડનુ કામકાજ હલકી ગુણવત્તા વાળુ બની રહ્યુ છે. બે અઢી મહિનાથી રોડનુ કામ શરુ થયુ છે. ગોકળ ગાયની ગતિથી કામ થાય છે. ટેન્ડરના સ્પેસિફીકેશન પ્રમાણે કામ થતુ નથી. ટેન્ડરના માપ અને સ્થળ ઉપરના માપમાં ભારે તફાવત છે. સ્થળ ઉપર માપ વધુ લઈને ખોટી મેજરમેન્ટ બુક બનાવી ભ્રષ્ટાચાર કરવામા આવે છે. એન્જીનીયરની ગેરહાજરીમાં કામ થાય છે. બનતા રોડની દેખરેખ માટે એક વખત પણ ચિફ ઓફિસર સ્થળ ઉપર આવ્યા નથી. રોડની જાડાઈ જળવાયેલ નથી રોડનુ લેવલ પણ જળવાયેલ નથી આ રોડ ઉપર સામાન્ય વરસાદમાં ખાબોચીયા પાણીથી ભરાઈ જાય છે. જેના કારણે સવારે સાંજે દૂધ લઈને આવતા લોકોની બાજુમાંથી વાહન પસાર થાય તો કપડા બગડે છે. રોડમાં જરૂરી લોખંડ વાપરાયુ નથી રોડનુ કામ અધુરુ હોવા છતા ૭૦% બીલના નાણા ચુકવાઈ ગયા છે. વ્યાપક ભ્રષ્ટાચાર માટે જવાબદાર સામે કાયેદસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
ખેરાલુ શહેરમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે. છતા શહેરનો એક પણ રોડ સારો નથી ખેરાલુ ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ મહેસાણાના જવાબદાર ઈજનેરો શહેરમાં ચાલતા નીકળે તો જ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે તેમ છે. બે વર્ષ પહેલા બનાવેલ રોડ ૪પ લાખના ખર્ચે બન્યો હતો જે તુટી ગયો છે. હાલ બની રહેલો રોડ પણ છ મહિનામાં તુટી જશે . વાઘજીભાઈ દેસાઈ ખેરાલુ પાલિકામા માહિતી અધિકાર પ્રમાણે એમ.બી.રેકર્ડ માંગી સ્થળ ઉપર માંગણી કરી સ્વયંમ ખર્ચે પંચનામુ કરી ગુણવત્તાની ચકાસણી કરી ભ્રષ્ટાચાર વિરૂધ્ધ કાર્યવાહી કરવાના છે. કલેકટરશ્રી મહેસાણાને ખેરાલુના તુટેલા રોડ ઉપર ફરવા આમંત્રણ અપાયુ છે.