પૈસા પાત્ર વર્ગના વિસ્તારમાજ વિકાસ- ક્યા સુધી ભેદભાવ રખાશે
વિસનગર પાલિકા દ્વારા હંમેશા વિકાસ કાર્યમા ભેદભાવ રાખવામા આવ્યો છે. જે આથમણા ઠાકોરવાસની પરિસ્થિતિ ઉપરથી કહી શકાય. વરસાદી પાણીની કેનાલની શરૂઆત ઠાકોરવાસથી થાય છે. જ્યારે આર.સી.સી. કેનાલ બનાવવાનુ કામ ગોવિંદ ચકલા પટેલવાડીથી શરૂ થયુ ત્યારે શહેર ભાજપ પ્રમુખે પ્રશ્ન કર્યો છે કે, શું પૈસાપાત્ર વર્ગના વિસ્તારમાજ વિકાસ કામ કરવાના! ગરીબ મધ્યમ અને શ્રમજીવી વર્ગના ઠાકોરવાસ પાસેથી પસાર થથી કેનાલ પાકી બનાવવા કેમ ગ્રાન્ટ ફાળવવામા આવતી નથી. ઠાકોરવાસને વિસનગર પાલિકા હદની બહારનો વિસ્તાર ગણવામા આવે છે!
વિસનગર શહેરના વરસાદી પાણીનો નિકાલ પટણી દરવાજા ઉમિયા માતાના મંદિર સામેની કેનાલથી મહેસાણા રોડ તરફની કેનાલમા થાય છે. વરસાદી કેનાલમા ગટરના પાણીનો પણ નિકાલ થતા બારેમાસ ગંદકી રહેતી હતી. કેનાલની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી નિકળતા મચ્છરોનો અને જીવજંતુનો ઉપદ્રવ રહેતો હતો. શહેર મધ્યેથી પસાર થતી કાચી કેનાલ પાકી આર.સી.સી.ની કેનાલ બને તે માટે ઘણા વર્ષોથી રજુઆતો થતી હતી. પરંતુ રૂા.૧૦ કરોડ ઉપરાંતનો ખર્ચ હોવાથી પાકી કેનાલ બનાવવાનુ શક્ય ન હોતુ. પાલિકા દ્વારા આર.સી.સી. કેનાલ બનાવવાનુ શરૂ થયુ તે પણ ગોવિંદ ચકલા પટેલવાડીના પાછળના ભાગેથી. ત્યારબાદ મહેસાણા રોડ ઉપર પરિમલ સોસાયટીના નાળા સુધી પાલિકા દ્વારા આર.સી.સી.ની કેનાલ બનાવવામાં આવી છે. પરિમલ સોસાયટીના નાળાથી આગળ મહેસાણા ચાર રસ્તા સુધી પાકી આર.સી. સી.ની કેનાલ બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. પરંતુ નવાઈની વાતતો એ છે કે, પટણી દરવાજા ઉમિયા માતાના મંદિર સામેથી અને આથમણા ઠાકોરવાસ પાછળથી શરૂ થતી વરસાદી કેનાલ પાકી બનાવવા કોઈ નામ લેતુ નથી.
આથમણો ઠાકોરવાસ ગરીબ અને શ્રમજીવી વર્ગનો સ્લમ વિસ્તાર છે. આ વિસ્તાર પાસેથી પસાર થતી કાચી કેનાલમા પારાવાર ગંદકી છે. ખરેખરતો ઉમિયા માતાના મંદિર સામેથી પાકી કેનાલનુ કામ શરૂ કરવુ જોઈતુ હતુ. પરંતુ ગોવિંદ ચકલા પટેલવાડી પાછળથી પાકી કેનાલ બનાવવાનુ શરૂ થયુ અને પરિમલના નાળા સુધી પાકી કેનાલ બની. પાલિકા દ્વારા ઠાકોરવાસની પાકી કેનાલ બનાવવા કોઈ ઠરાવ કરવામા નહી આવતા કે ગ્રાન્ટ ફાળવવામા નહી આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે રોષ વ્યક્ત કર્યો છે કે, ક્યાં સુધી ઠાકોર સમાજ પ્રત્યે ભેદભાવ રાખવામા આવશે. આથમણા ઠાકોરવાસને પાલિકા પોતાના હદમા ગણતી નથી! વિકાસ કામમા ઠાકોરવાસ પ્રત્યે સતત ભેદભાવ તથા અન્યાય કરવામા આવી રહ્યો છે. ઠાકોરવાસની બદ્તર હાલત થવાનુ કારણ પાલિકાની ભેદભાવ વાળો વિકાસ છે. મહેસાણા રોડ ઉપર પૈસાપાત્ર અને વગરદાર આગેવાનોની સોસાયટીઓ આવેલી છે. જ્યાં પાકી કેનાલ બનાવવાનુ કામ થયુ જ્યારે આથમણા ઠાકોરવાસના ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકોની મુશ્કેલી દેખાતી નથી. ચુંટણીઓ આવે છે ત્યારે મત લેવા માટે ઠાકોેરવાસના લોકો યાદ આવે છે. ચુંટણીમાં જીત્યા પછી લાભ આપવાની વાત હોય ત્યારે ઠાકોરવાસ કે ગંદકીમા રહેતા ઠાકોરવાસના લોકો યાદ આવતા નથી. ઠાકોરવાસમા અત્યારે સ્વચ્છતા થતી નથી. સ્ટ્રીટ લાઈટની પુરતી વ્યવસ્થા નથી. ગટર લાઈનના ઠાંકણા નથી. ઠાકોરવાસના લોકોને પાલિકાનો લાભ લેવાનો હક્ક નથી? ઠાકોર સમાજ પ્રત્યે ક્યા સુધી અણગમો રાખવામાં આવશે.?