ભાજપ સંગઠન પ્રમુખ ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરના બનશે
બિલ ગેટ્સની ટીપ્પણીની જેમ ગુજરાત પણ ભાજપની પ્રયોગશાળા
- વર્ષોથી સંગઠન માટે દિવસ રાત મહેનત કરતા જુના ભાજપી આગેવાનોમાં ભારે આક્રોશ
- ભાજપની શિસ્તના કારણે આગેવાનો કોઈપણ વિરોધ વગર નિષ્ક્રિય બન્યા
“ભારત દેશ વસ્તુઓ અજમાવવા માટે એક પ્રકારની પ્રયોગશાળા” તરીકે અમેરીકાના અગ્રણી આઈ.ટી ઉદ્યોગપતિ બિલ ગેટ્સ દ્વારા ટીપ્પણી કરતા સમગ્ર ભારત દેશના લોકોમાં ભારે જન આક્રોશ ફેલાયો છે. તેજ રીતે પ્રદેશ મોવડી મંડળ દ્વારા ૨૫, ૩૦ કે ૪૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સમર્પિત કરી દેનારા આગેવાનો માટે સંગઠન પ્રમુખની ઉંમર ૪૦ થી ૪૫ વર્ષ કરી દેતા ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત પણ પ્રયોગશાળા જ સાબિત થયુ છે. ભાજપની શિસ્તના કારણે આગેવાનો જાહેરમાં વિરોધ કર્યા વગર નિષ્ક્રિય થઈ ગયા છે. જિલ્લાના હોદ્દેદારો તથા નિરિક્ષકો સમક્ષ ચાલીસી વટાવી ચુકેલા આગેવાનો બળાપો કાઢે છે. પરંતુ જિલ્લાના આગેવાનો પોતે કપાઈ જવાના ડરે પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજુઆતો કરતા ડરે છે.
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં ૧૫૬ સીટો આવી ત્યારબાદ કોંગ્રેસીઓ માટે લાલ જાજમ બીછાવતા હાલ ૧૬૨ ધારાસભ્યો ભાજપના છે. જેથી કેન્દ્ર અને પ્રદેશ મોવડી મંડળ એવુ સમજે છેકે સમગ્ર ભારત દેશના સંગઠનમાં કોઈપણ પ્રયોગ કરતા પહેલા ગુજરાતમાં પ્રયોગ કરો, સારુ રિઝલ્ટ મળે તો દેશમાં લાગુ કરવુ નહી તો બીજી ટર્મમાં સુધરી જઈ જુની પધ્ધતિ લાગુ કરવી. આવા આશયથી ગુજરાતમાં ૪૦ વર્ષની ઉંમરનો નિયમ પ્રમુખ પદ માટે લાગુ કર્યો છે. અગાઉ તાલુકામાં બે પ્રમુખ પદ માટે નિયમ લાવ્યા હતા. જે નિયમમાં ખાનગીમાં ભારે હોબાળો થતા ફરીથી જુની પધ્ધતિ પ્રમાણે તાલુકાનો એકજ પ્રમુખ ૪૦ વર્ષની ઉપરનો શોધવા ૮-૧૨-૨૦૨૪ ના દિવસે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરી ઉમેદવારી કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં ૨૫ વર્ષ સુધીમાં કોઈપણ યુવકના લગ્ન થાય છે. ત્યારબાદ જેતે વ્યક્તિ ધંધા રોજગારમાં જોડાય છે. ૧૫-૨૦ વર્ષ સુધી પૈસા કમાઈને સક્રિય રાજકારણમાં આવવાનું વિચારે છે. જે લોકો આર્થિક રીતે સધ્ધર છે તેવા લોકોના પરિવારના યુવકો પોતાના ધંધાની દેખરેખ સાથે રાજકારણમાં પ્રવેશે છે. જેથી ધીરે ધીરે રાજકારણમાં ચુંટણી લડે કે પછી સંગઠનનું કામ કરે છે. જેથી ૪૦ વર્ષનો અનુભવી કાર્યકર તો નજ કહેવાય. ભાજપમાં પણ હવે પ્રમુખનો હોદ્દો ગરીબ, મધ્યમ વર્ગ કે નાની કોમમાંથી આવનારને મળવાનોજ નથી. કારણ કે આર્થિક રીતે સક્ષમ ન હોય તેને રાજકારણ કરતા પરિવારની ચિંતા વધુ હોય છે. ગુજરાતમાં છેલ્લા ૨૫, ૩૦ કે ૪૦ વર્ષથી સક્રિય રાજકારણમાં નાનો મોટો હોદ્દો લઈ કામ કરનાર આગેવાનો લાખોની સંખ્યામાં છે. તમામને જીવનનું એકજ લક્ષ્ય હોય કે તાલુકા ભાજપ કે શહેર ભાજપ સંગઠનમાં પ્રમુખ પદ મેળવીશુ. ૪૦ વર્ષનો પ્રમુખનો ભાજપે નિયમ બનાવતા આવા આગેવાનોમાં ગર્ભિત ગુસ્સો જોવા મળે છે. ભાજપ સંગઠને પ્રમુખ પદ માટે ૪૦ વર્ષ નક્કિ કર્યુ છે ત્યારે મહામંત્રી સહિત ૧૬ હોદ્દેદારો માટે ઉંમરનો કોઈ બાદ નથી. એટલે બે-પાંચ વર્ષથી ભાજપમાં જોડાયેલ વ્યક્તિ સંગઠનનો પ્રમુખ થઈ શકે, તેની નીચે ૧૬ હોદ્દેદારોમાં ભાજપ માટે આખી જાત ઘસી નાંખનારાને માત્ર મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી કે કોષાધ્યક્ષથી સંતોષ માનવો પડે. ૪૦ વર્ષનો પ્રમુખ ૬૦ વર્ષના તેની હાથ નીચેના હોદ્દેદારને જવાબદારી કેવી રીતે નિભાવવી તેનો પાઠ સમજાવી સુચનાઓ આપશે. ૪૦ વર્ષનો પ્રમુખ કે જેને તાલુકાઓની ભૌગોલીક, જ્ઞાતિ સમિકરણની સમજ ન હોય છતા તે ઈચ્છે તેને તાલુકા / જિલ્લા પંચાયતની ચુંટણીઓ લડાવશે. ભાજપનો વિજયરથ રોકવાનો ૪૦ વર્ષના પ્રમુખનો નિયમ બદલવો પડશે. ભાજપના જુના કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા છે. રાજ્ય સંગઠને હુકમ કર્યો છેકે જે લોકોએ બુથ સમિતિઓના પ્રમુખ બનાવ્યા છે તેમને સક્રિય સભ્ય બનાવો. ૪૦ વર્ષના પ્રમુખનો નિયમ બનાવ્યા પછી મોટાભાગના જુના આગેવાનો નિષ્ક્રિય થઈ ઘરે બેસી ગયા છે. જેથી બુથ સમિતિના પ્રમુખને સક્રિય સભ્ય બનાવવા કોણ સમજાવશે.
સંગઠન-૨૦૨૪ ના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેનારા જુના આગેવાનો નિષ્ક્રિય થઈ ગયા છે. કારણ કે તેમને આશા હતી કે એક-બે કે ત્રણ ટર્મથી તાલુકા સંગઠનમાં હોદ્દા ધરાવીએ છીયે. આ ટર્મમાં પ્રમુખ પદ માટે લોબીંગ કરીશુ તો ચાન્સ લાગી જશે. પરંતુ પ્રમુખ પદ માટે ૪૦ વર્ષનો નિયમ બનતા એક જિલ્લા સંગઠનના હોદ્દેદારો જણાવ્યુ હતું કે, પ્રમુખ સહિત તમામ ૧૬ હોદ્દેદારો ૪૦ વર્ષના નિયમ પ્રમાણેજ બનાવવા જોઈએ. પછી મોવડી મંડળને ખબર પડે કે સંગઠન કેવી રીતે ચાલે છે. જુના હોદ્દેદારો નિષ્ક્રિય થશે તો આગામી તાલુકા / જિલ્લા પંચાયતની પેટા ચુંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડશે. ભાજપ મોવડી મંડળે તાલુકામાં બે સંગઠન પ્રમુખો માટે માંડી વાળ્યુ તેજ રીતે ૪૦ વર્ષના પ્રમુખના નિયમ માટે ફેર વિચારણા કરવી જોઈએ, નહિ તો ભાજપ સારા કાર્યકરો અને આગેવાનો ગુમાવશે.