વડાપ્રધાનના જન્મદિને વિસનગર-વડનગર-કડીમાં ૧૫૮૭ બોટલ રક્તદાન
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની રાહબરીમાં જીલ્લામાં રક્તદાન કેમ્પ ધમધમ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અમૃત વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની રાહબરીમાં જીલ્લા વહીવટી તંત્ર તેમજ ભાજપ દ્વારા ત્રણ સ્થળે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિસનગર, વડનગર અને કડીમાં યોજાયેલ કેમ્પમાં ૧૫૮૭ બોટલ રક્તદાન થયુ હતુ. વિશ્વમાં દેશનુ ગૌરવ વધારનાર મહેસાણા જીલ્લાના પનોતા પુત્રના જન્મદિને રક્તદાન માટે રક્તદાતાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૭૪ વર્ષ પૂર્ણ કરી અમૃત વર્ષમાં પ્રવેશ કરતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા વિસનગર, વડનગર અને કડીમાં મેગા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાનનો જન્મ દિવસ હોઈ ભાજપના કાર્યકરો તથા લોકોમાં રક્તદાનનો એટલો ઉત્સાહ હતો કે આ ત્રણ કેમ્પમાં ૧૫૮૭ બોટલ રક્તદાન થયુ હતુ. જેમાં વિસનગરમાં ૪૬૫, વડનગરમાં ૬૮૧ તથા કડીમા ૪૪૧ બોટલ રક્તદાન થયુ હતુ. વિસનગર માર્કેટયાર્ડમાં યોજાયેલ રક્તદાન કેમ્પનો કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, સાંસદ હરિભાઈ પટેલ, પ્રાન્ત દેવાંગભાઈ રાઠોડ, મામલતદાર એફ.ડી. ચૌધરી, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી, સિવિલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત, નગરપાલિકા, માર્કેટયાર્ડના સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વીસમો મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે રકતદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના જ વતન વડનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સરકાર કેવળ પરંપરાગત કામ માટે નહીં પરંતુ એનજીઓ તરીકે કામ કરવા માંગે છે. સેવાભાવી સંસ્થા તરીકે કામ કરી શકે તે માટે સમાજમાં મેસેજ આપવાની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. બેટી ભણાવવાની વાત હોય, બેટી બચાવવાની વાત હોય , પાણી બચાવવાની વાત હોય ,વીજળી બચાવવાની વાત હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ આ શરૂઆત કરી છે. દરેક ઘર વીજળી પહોંચે અને આવક થાય તે માટે સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે. કોઈ હોસ્પિટલમાં બ્લડની અછત ઊભી ના થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે.