Select Page

સિવિલમાં ઈન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવતા હોબાળો

સિવિલમાં ઈન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવતા હોબાળો

વિસનગરમાં ભાજપનું સદસ્ય નોંધણી અભિયાન વિવાદમાં આવ્યુ

  • વિકુભા દરબારે કોંગ્રેસના કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચી પોતાની જાણ બહાર ભાજપના સભ્ય બનાવનાર સિવિલના કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ કરવા લેખિત રજુઆત કરી છે.
  • આ વિવાદ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડા. પારૂલબેન પટેલનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે, આભા કાર્ડ સિવાય અન્ય કોઈ કામગીરીમાં ઓ.ટી.પી.નંબર માંગવામાં આવતો નથી. આ કર્મચારીએ દર્દી પાસે ઓ.ટી.પી.નંબર કેમ માગ્યો તે મામલે તપાસ કરી કડક કાર્યવાહી કરીશુ.

વિસનગર સિવિલ હોસ્પિટલમાં એક આઉટસોર્સ કર્મચારીએ વેક્સીનનું ઈન્જેક્શન લેવા ગયેલા દર્દીના મોબાઈલમાં આવેલો ઓ.ટી.પી. નંબર માગી તેમને ભાજપના સભ્ય બનાવતા મોટો હોબાળો થયો હતો. આ મામલે દર્દીના પતિએ સિવિલ હોસ્પિટલમાં ચાલતા ભાજપના સદસ્ય નોંધણી અભિયાન સામે આક્રોશ વ્યક્ત કરી દર્દીઓને ભાજપના સભ્ય બનાવનાર કર્મચારી સહિત જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા શહેર પોલીસ સ્ટેશનમાં લેખિત રજુઆત કરી છે અને જો પોલીસ કોઈ કાર્યવાહી નહી કરે તો ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપતા ભાજપનું સદસ્યા અભિયાન વિવાદમાં આવ્યુ છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૫મી ઓક્ટોબર સુધી સદસ્યતા નોંધણી અભિયાન પુર્ણ કરવા ભાજપના હોદ્દેદારોને લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના આદેશથી અત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું સદસ્ય નોંધણી અભિયાન ચાલી રહ્યુ છે. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં સભ્ય બનાવવાનો પોતાનો લક્ષ્યાંક પુર્ણ કરવા અવનવા દાવપેચ કરતા ભાજપનું સદસ્યા નોંધણી અભિયાન વિવાદમાં આવ્યુ છે. જેમાં વિસનગર તાલુકાની વાત કરીએ તો તાલુકાના ઈયાસરા ગામના ઠાકોર વિક્રમજી જેસંગજી ઉર્ફે વિકુભા દરબારના પત્નિને કુતરૂ કરડતા તેઓ બુધવારના રોજ વેક્સીનનું ઈન્જેક્શન લેવા માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં એક આઉટસોર્સ કર્મચારીએ દર્દીના પતિ વિકુભા દરબાર પાસે મોબાઈલ નંબર માગી કહ્યુ કે તમારા મોબાઈલમાં એક ઓ.ટી.પી. નંબર આવશે તે મને આપશો તો ઈન્જેક્શન મળશે ત્યારે મહિલા દર્દીના પતિએ ઈન્જેક્શન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડતુ હશે તેવું માનીને મોબાઈલમાં આવેલો ઓ.ટી.પી. નંબર સિવિલના કર્મચારીને આપ્યો હતો. ઓ.ટી.પી.નંબર આપતાજ વિકુભાના મોબાઈલમાં તમે ભાજપના સભ્ય બન્યા છો તેવો મેસેજ આવ્યો હતો. પોતાની જાણ બહાર સિવિલના કર્મચારીએ ભાજપના સભ્ય બનાવતા વિકુભા દરબારે સિવિલ હોસ્પિટલમાં મોટો હોબાળો કર્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલના કર્મચારીએ માફી માગી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વિકુભા દરબારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ગેરમાર્ગે દોરી તેમની જાણ બહાર થતા ભાજપના સદસ્યા નોંધણીના વિવાદને બહાર લાવવા સિવિલના કર્મચારીનો માફી માગતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. ત્યારે સોશિયલ મિડીયામાં લોકો ભાજપના સભ્ય નોંધણીની ટીકા કરતા હતા. બીજી તરફ વિકુભા દરબારને કોંગ્રેસનું સમર્થન મળતા ભાજપના સદસ્ય નોંધણીનો વિવાદ વકર્યો છે. આ મામલે વિકુભા દરબારે ગુરૂવારના રોજ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની જાણ બહાર ભાજપના સભ્ય બનાવનાર કર્મચારી સહિત સિવિલના જવાબદારો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવા શહેર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts