મુખ્ય સુત્રધાર સેંધાજી ઠાકોર સહિત ત્રણ વિરૂધ્ધ ફરીયાદ
વિસનગરમાં ધમધમતી ડબ્બા ટ્રેડીંગની ઓફીસમા પોલીસની રેડ
વિસનગર, વડનગર, ખેરાલુ અને વિજાપુર તાલુકાના ગામડાના ખેતરોમાં ધમધમતા ડબ્બા ટ્રેડીંગનો મુખ્ય સુત્રધાર કંકુપુરા ગોઠવાનો સેધાજી ઠાકોરના વિસનગરમા આવેલ મકાનમા ધમધમતી ઓફસમાંથી શેરબજારમાં નફો કરાવી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડીનો ગોરખધંધો ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસને મકાનનુ રખોપુ કરતા ઈસમને ઝડપી અંદરથી મોબાઈલ, પ્રીન્ટર, કોમ્પ્યુટર, મોબાઈલ નંબરોનુ લીસ્ટ સહીત કુલ રૂા.૧,૧૦,૯૧૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમા ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધપાત્ર બાબત છે કે વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.એ.એન.ગઠવીના માર્ગદર્શનમા પી.એસ.આઈ.જે.ડી.વસાવા તથા સ્ટાફે રેડ કરી વિસનગર શહેરને ડબ્બા ટ્રેડીંગ મુક્ત કરવાનુ કાર્ય કર્યુ છે.
વિસનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.ડી.વસાવા, એ.એસ.આઈ બળવંતસિંહ શીવાજી, હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર ગોવાભાઈ, કોન્સ્ટેબલ દિલીપકુમાર હરગોવિંદભાઈ તથા ભદ્રેશકુમાર કરશનભાઈ શહેરમા પેટ્રોલીંગ કરતા હતા ત્યારે બાતમી મળી હતી કે ધરોઈ કોલોની રોડ પાંચ આંબા વિસ્તારમાં આવેલ કંકુપુરા ગોઠવાના સેધાજી જેસંગજી લાલાજી ઠાકોરના મકાનમા ફતેહ દરવાજાનો રાજકુમાર શૈલેષભાઈ પટેલ સ્ટોક માર્કેટના લાયસંસ વગર શેર માર્કેટના રેન્ડમ મેળવી જેની પ્રીન્ટરમાં કોપી કાઢી લોકોનો મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી નફો કરાવી આપવાની લાલચ આપી છેતરપીંડી કરી રહ્યા છે. પોલીસે ચેકીંગ કરતા વિસનગર આથમણા ઠાકોરવાસનો દિપકજી ગાંડાજી ઠાકોર સ્થળ ઉપરથી મળી આવ્યો હતો. જેણે પોલીસને જણાવ્યુ હતુ કે મકાન માલિક સેધાજી જેસંગજી ઠાકોરે મકાનની સાર સંભાળ રાખવા નોકરી રાખ્યો છે. આ મકાનમાંથી રાજકુમાર પટેલ ગ્રાહકોને મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શેરબજારમાં રોકાણની લોભામણી લાલચ આપે છે.
પોલીસે મકાનમા તપાસ કરતા ૯ જેટલા લીટીવાળા ફુલસ્કેપ ચોપડા મળી આવ્યા હતા. જેમા મોબાઈલ નંબર ગ્રાહકોના નામ, કયા શહેરના છે, કેટલા રૂપિયાની લેતી દેતી છે હાજરી પત્રક વિગેરે વિગતોનુ લખાણ હતુ. મકાનમાંથી સાત મોબાઈલ, કોમ્પ્યુટર સીસ્ટમ, પ્રીન્ટર, એ ફોર સાઈઝના ઝેરોક્ષના કાગળ વિગેરે મળી કુલ રૂા.૧,૧૦,૯૧૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સેંઘાજી જેસંગજી ઠાકોર, રાજકુમાર શૈલેષભાઈ પટેલ તથા દિપકજી ગાંડાજી ઠાકોર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.