
વિસનગર-વડનગર-ખેરાલુ-સતલાસણાની ટોળકીનુ દેશભરમાં ડબ્બા ટ્રેડીંગ રેકેટ
રૂા.૨૬.૬૫ કરોડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી તેમજ રૂા.૧.૧૫ કરોડ આંગડીયા હવાલાથી પડાવ્યા
ડબ્બા ટ્રેડીંગ ગેંગને છાવરવામાં વિસનગર ડી.વાય.એસ.પી. ઓફીસ પણ શંકાના દાયરામાં
ડબ્બા ટ્રેડીંગનુ સમગ્ર ભારત ભરમાં જે રેકેટ ચાલતુ હતુ તે વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા વિસનગર ડી.વાય. એસ.પી. ઓફીસની હદમા આવે છે. ત્યારે એ પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય કે ડી.વાય. એસ.પી. ડી.એમ.ચૌહાણે શુ ધ્યાન રાખ્યુ. ડબ્બા ટ્રેડીંગના સ્કેંડલમાં સામેલ વિસનગર સીટી પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓની થોડા સમય પહેલાજ બદલીઓ થઈ હતી. તેમાં સીટી પોલીસ સ્ટેશનના અને ડી.વાય.એસ.પી.ઓફીસમાં ડેપ્યુટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પણ બદલી થઈ હતી. પરંતુ આ કોન્સ્ટેબલને કોની સૂચનાથી છુટો કરવામાં આવ્યો નહોતો તે તપાસનો વિષય છે. જાણવા મળ્યા પ્રમાણે આ કોન્સ્ટેબલ ડબ્બા ટ્રેડીંગ ગેંગના સીધા સંપર્કમા હતો. ચાલુ તાલુકામા સક્રીય ગેંગ પકડાતા તેનો ડી.વાય. એસ.પી. ઓફીસ સુધી રેલો આવતા છેવટે આ કોન્સ્ટેબલની તાત્કાલીક અસરથી જીલ્લા ફેરની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. મહેસાણા એલ.સી.બી.નો પણ એક કોન્સ્ટેબલ બદલી થયેલા કોન્સ્ટેબલના સંપર્કમાં હતો. વિસનગર ડી.વાય.એસ.પી. ઓફીસ અને એલ.સી.બી.માં જ્યા સુધી ધરમૂળમાંથી ફેરફાર નહી થાય ત્યા સુધી ચાર તાલુકામાંથી ડબ્બા ટ્રેડીંગનો અંત આવવાનો નથી.
મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં સંગઠીત ગેંગો દ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોને ટાર્ગેટ કરાતા હતા. શેરબજારમાં નફો કમાવી આપવાની ટીપ્સ આપવાની લાલચ આપી લોકો પાસે શેરબજારના નામે અલગ-અલગ બેન્ક એકાઉન્ટોમાં પૈસા નખાવી તે પૈસા ઓનલાઈન ટ્રાન્જેક્શન, એ.ટી.એમ. વિડ્રોલ, ચેકથી ઉપાડી છેતરપીંડી આચરતી અલગ-અલગ ગેંગ સક્રીય છે. તે અંગે વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુના તથા જાણવા જોગ દાખલ થયેલ હોઈ અને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાધીનગર વિભાગ દ્વારા ગાંધીનગર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી. ગોહીલની અધ્યક્ષતામાં એક ખાસ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની (તપાસ સીટ)ની રચના કરવામાં આવી હતી.
આ તપાસ ટીમ ગાંધીનગર રેન્જના ડી.આઈ.જી.પી.વિરેન્દ્રસિંહ યાદવ તથા ગાંધીનગર જીલ્લાના પોલીસ અધિક્ષક, રવિ તેજા વાસમશેટ્ઠી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રથમ વડનગર સ્માર્ટ પો.સ્ટે. દાખલ થયેલ ગુનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ સાથે આવા શેરબજારના ટ્રેડીંગના ઓઠા હેઠળ છેતરપીંડી કરવા બાબતેની મહેસાણા જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ-૧૨ જાણવા જોગનો અભ્યાસ કરી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ. તે પૈકી કુલ-૩ જાણવા જોગની તપાસ બાદ કુલ-૧૯ ઈસમો વિરુધ્ધ નામજોગ ગુન્હા દાખલ કરી કુલ-૫ આરોપીને અટક કરાઈ હતી. આરોપીઓને કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે દિન-૫ ના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ.
આ ધંધામાં વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારના યુવાનો ગેંગ બનાવી શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોના મોબાઈલ નંબરો આપી તેઓની સાથે કોલ કરાવી કોલર તરીકે કેવી રીતે વાત કરવી તેવી ટ્રેનીંગ આપવામાં આવતી હતી. હિન્દીમાં વાત કરી લાલચ આપી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં શેર બજારમાં ઈન્વેસ્ટના નામે લોકો પાસે પૈસા ટ્રાન્સફર કરાવી તે પૈસા બેન્ક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં તથા સેલ્ફ ચેક તેમજ એ.ટી.એમ. થી મેળવી લઈ છેતરપીંડી કરાતી હતી.
આ ગુના તેમજ જાણવા જોગની તપાસમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ સક્રીય થતાં મહેસાણા જીલ્લામાં આવી શેરબજારના ઓથા હેઠળ ચાલતી ડબ્બા ટ્રેડીંગની પ્રવૃત્તિ કરતી એક સક્રિય ગેંગના સભ્યો પ્રિર્યશ ઉર્ફે પી.પી.સ/ઓ પ્રકાશભાઈ રાવળ તથા મીત પ્રકાશભાઈ રાવળ બન્ને રહે.વડનગર તથા નરેશજી કાંતીજી ઠાકોર વિસનગર, ફતેહ દરવાજા વિસનગરનાઓ મહેસાણા જીલ્લા વિસ્તારની હદ છોડી કલોલ તાલુકા દંતાલી ગામની સીમમાં ગ્રીનવુડ ફ્રેજ-૪, પ્રેરણાધામ નામનો શેડ ભાડે રાખી તેમાં કેટલાક ઈસમોને કોલર તરીકે બેસાડી શેરબજારના નામે લોકો સાથે છેતરપીંડી કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત એલ.સી.બી-૧, ગાંધીનગરને મળતાં સ્પે.ઈન્વે.ટીમના પો.ઈન્સ.ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળ રેઈડ માટે એક ખાસ ટીમ તૈયાર કરી રેઈડ કરી હતી. જેમાં કુલ-૨૪ ઈસમોને પકડી તેઓ પાસેથી મોબાઈલ ફોન નંગ-૭૦, લેપટોપ નંગ-૨, લેપટોપ ચાર્જર, કી બોર્ડ, પેન ડ્રાઈવ નંગ-૧, ચાર્જર નંગ-૧૧, ઈન્ટરનેટ રાઉટર, રોકડ રકમ રૂા.૫૦૦૦/-, ૨-હોન્ડા એક્ટીવા, ૨-ફોરવ્હીલર કાર, નાણાંના હિસાબ માટે રાખવામાં આવેલ નોટબુક, ચોપડા નંગ-૬ અને અલગ અલગ વ્યક્તિઓના નામ, મેઈલ આઈડી કોન્ટેક્ટ નંબરની વિગત લખેલ છુટા કાગળો પેજ નંગ-૬૭, ડેબીટ કાર્ડ, પાનકાર્ડ, અલગ અલગ કંપનીના સીમકાર્ડ કવર નંગ – ૨૮ માં રાખેલ કુલ સીમકાર્ડ નંગ – ૩૨ મળી કુલ રૂા.૧૫,૫૫,૫૦૦/- નો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કર્યો હતો.
આ સમગ્ર રેકેટ જોતાં આરોપીઓ બી.એમ.એન્ટર પ્રાઈઝ રમેશ એન્ટર પ્રાઈઝ, હબ ઓફ બ્રોકરેઝીસ, બ્રોકરેજ ફાર્મ, ઓમ એન્ટરપ્રાઈઝ, શ્રી સિધ્ધેશ્વરી નોવેલ્ટી એન્ડ ગારમેન્ટ, રોયલ MMM, આર.વી.એન્જીનીયરીંગ, કેશર એન્ટર પ્રાઈઝ જેવી અલગ-અલગ ફર્મ(પેઢી)ના કરન્ટ એકાઉન્ટ-બિઝનેશ એકાઉન્ટ તથા અલગ-અલગ વ્યક્તિઓના સેવિંગ એકાઉન્ટ મળી હાલ સુધી આશરે કુલ-૪૨ જેટલા બેન્ક એકાઉન્ટની વિગતો તપાસ દરમ્યાન મળી આવેલ છે. જે પૈકી ૧૯- બેન્ક એકાઉન્ટની માહિતી હાલ સુધી મળી આવેલ છે. તેમાં કુલ આશરે રૂપિયા ૨૬ કરોડ ૬૫ લાખ ૭૮ હજાર ૪૭૧ ફ્રોડ કરી આરોપીઓએ ઓનલાઈન ટ્રાન્જેક્શનથી તેમજ રૂપિયા ૧,૧૫,૧૬,૦૩૦/- રૂપિયા આંગડીયા પેઢી મારફતે હવાલાથી અલગ-અલગ ભોગ બનનાર ગ્રાહકો પાસેથી મેળવી લીધેલ હોવાનુ જણાયુ હતુ. આરોપીઓ ગુજરાત તેમજ સમગ્ર ભારતના અલગ-અલગ રાજ્યો રાજસ્થાન, પંજાબ, હરીયાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ વિગેરે રાજ્યના લોકો સાથે આવી મોડેસ ઓપરેન્ડીથી છેતરપીંડી આચરતા હોઈ હાલ સુધી આશરે ૩૭- જેટલી ઓનલાઈન ફરીયાદ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન – ૧૯૩૦ ઉપર મળેલ છે તેમજ ગુજરાત બહાર ૨-એફ.આઈ.આર દાખલ થયેલ છે.
આરોપીઓ પોતે માર્કેટ પલ્સ, એન્જલ વન, જીરોધા, ગ્રીન સ્ટોક એક્વાઈઝરી, શ્યામ રીચર્સ કંપની રાજકોટ વિગેરે અલગ-અલગ શેર માર્કેટ ટ્રેડીંગ કંપનીઓ તથા મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરી આ કંપની એડવાયઝર (કમીશન એજન્ટ) હોવાની ઓળખ આપી લોકોને છેતર્યા હતા.
આ તમામ ગુનાઓની મુખ્ય સુત્રધાર તરીકે (૧) નરેશજી કનુજી ઠાકોર રહે.વડનગર (૨) મૌલીકસિંહ માનસિંહ ચાવડા રહે.નવા ગામ, તા.તલોદ (૩) પ્રેર્યશ ઉર્ફે પી.પી. પ્રકાશભાઈ રાવળ રહે.વડનગર તા.વડનગર જી.મહેસાણા (૪) મિત પ્રકાશભાઈ રાવળ રહે.વડનગર, તા.વડનગર, જી.મહેસાણા (૫) નરેશજી કાન્તીજી ઠાકોર રહે.વિસનગર શહેર, ફતેહ દરવાજા પાસે, તા.વિસનગર વાળાના નામ ખુલ્યા છે. તમામ આરોપીઓને પકડી મહેસાણા જીલ્લામાં ચાલતા શેરબજાર ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડને નેસ્તનાબુદ કરવા સ્પે.ઈન્વે.ટીમ કટીબધ્ધ છે.
મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા આવી પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સારૂ અવાર-નવાર આવા કેસો દાખલ કરવામાં આવેલ છે. તેમજ તાજેતરમાં પણ મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા ગાંધીનગર રેન્જ આઈ.જી.પી.શ્રીની સુચના તેમજ સંકલનમાં રહી આ પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા કુલ-૧૦ જેટલા ગુનાઓ તેમજ ૪૫ થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરેલ છે. આમ ગાંધીનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી દ્વારા મહેસાણા તથા ગાંધીનગર જીલ્લા પોલીસ દ્વારા સદંતર શેરબજાર ફાઈનાન્સીયલ ફ્રોડ નેસ્તનાબુદ કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ગુનામાં (૧) સંગ્રામસિંહ બળદેવજી ગોવાજી ઠાકોર રહે.વિસનગર, (ર) જયેશજી વજાજી ઠાકોર રહે.વિસનગર (૩) અર્જુનજી વજાજી ઠાકોર રહે.વિસનગર (૪) આકાશજી મુકેશજી ઠાકોર રહે.ગણેશપુરા વિસનગર (પ) જયમીનજી વિષ્ણુજી ઠાકોર રહે.વિસનગર(૬) અનિલજી દશરથજી ઠાકોર રહે.ગોઠવા વિસનગર (૭) ગૌતમજી છનાજી ઠાકોર રહે.ગણેશપુરા વિસનગર (૮) મુકેશજી ચમનજી ઠાકોર રહે. ગોઠવા વિસનગર (૯) ભાવેશજી ઉદાજી ઠાકોર રહે.ગોઠવા વિસનગર (૧૦)રણજીતજી જયંતીજી ઠાકોર રહે.ગોઠવા વિસનગર (૧૧) અજીતજી કાળુજી ઠાકોર રહે. ગોઠવા વિસનગર (૧ર) જીગરજી અભાજી ઠાકોર રહે.ગણેશપુરા વિસનગર (૧૩) નિલેશજી વિજયજી ઠાકોર રહે. ગોઠવા વિસનગર (૧૪) મેહુલજી જેસંગજી ઠાકોર રહે.ગોઠવા વિસનગર (૧પ) પ્રકાશજી મુકેશજી ઠાકોર રહે.ગણેશપુરા વિસનગર(૧૬) રાહુલજી ભીખાજી ઠાકોર રહે. વિસનગર (૧૭) અજયજી બાબુજી ઠાકોર રહે.વિસનગર (૧૮) સિધ્ધરાજજી વિજયજી ઠાકોર રહે.વિસનગર (૧૯) જયકિશનજી રમેશજી ઠાકોર રહે.વિસનગર (ર૦) સહદેવજી રમેશજી ઠાકોર રહે.ગોઠવા વિસનગર (ર૧)લાલુસિંહ કનુસિંહ ડાભી રહે.વાલાપુરા, ઈડર (રર) રાકેશજી દુધાજી ઠાકોર રહે.ગણેશપુરા વિસનગર (ર૩)અનુરાગ નીલેશ બારોટ રહે.વડનગર (ર૪) રોહિતજીજસાજી ઠાકોર રહે ચલુવા- મહેસાણા (રપ) નરેશ કનુજી ઠાકોર રહે. સબલપુર વડનગર (ર૬) મૌલિકસિંહ માનસિંહ ચાવડા રહે. નવા ગામ, તલોદ (ર૭) પ્રેયર્શ ઉર્ફે પીપી પ્રકાશ રાવળ રહે. વડનગર (ર૮)મિત પ્રકાશ રાવળ રહે. વડનગર (ર૯) નરેશજી કાન્તીજી ઠાકોર રહે.વિસનગર પોલીસે ઝડપ્યા છે.
પોલીસની જાહેર જનતાને અપીલ, આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છેકે, શેરબજારના માધ્યમથી શેર લે-વેચમાં વધુ નફો(પ્રોફીટ) કમાવી આપવાની ટીપ્સ આપવાના બહાને જો કોઈ વ્યક્તિ સાથે છેતરપીંડી કરવામાં આવેલ હોય તો આ અંગે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓ દ્વારા રચના કરવામાં આવેલ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (તપાસ સીટ)ના (૧) શ્રી ડી.ટી.ગોહીલ, નાયબ પોલીસ અધિક્ષક, ગાંધીનગર ડિવીજન મો.નં.૯૯૭૮ ૪૦૮૫૯૦ (૨) શ્રી ડી.બી.વાળા, પોલીસ ઈન્સ્પેક્ટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનગર મો.નં.૯૭૨૪૩ ૨૮૪૩૦ નો સંપર્ક કરી શકાશે.