Select Page

વિસનગરમાં વાહનોના ડાયવર્ઝનનું નોટીફીકેશન ફક્ત જાહેર કરવા પૂરતુ

વિસનગરમાં વાહનોના ડાયવર્ઝનનું નોટીફીકેશન ફક્ત જાહેર કરવા પૂરતુ

તાલુકામાં પ્રવેશ કરતી ટ્રકો રોકવાની જવાબદારી કોની?

વિસનગરમાં આઈ.ટી.આઈ ઓવરબ્રીજનુ કામ શરૂ થતાજ હાઈવે ઉપરનું ટ્રાફીક ભારણ ઓછુ કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જે નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ તે ફક્ત જાહેર કરવા પુરતુ હોય તેમ હાલમા જણાય છે. પ્રવેશબંધી હોવા છતા મોટી ટ્રકોની અવર જવરના કારણે ફાટક ઉપર ખૂબજ ટ્રાફીક રહે છે. ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના નોટીફીકેશનનો અમલ કરાવવાની જવાબદારી કોની તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બે વર્ષ સુધી બ્રીજનુ કામ ચાલવાનુ છે તો શું પરિસ્થિતિ થશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે. જવાબદારીમાંથી છટકવા માટેજ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
વિસનગરમાં આઈ.ટી.આઈ. ઓવર બ્રીજની કામગીરી દિવાળી પહેલા શરૂ થઈ ગઈ છે. અને ફાટક ઉપર એક સાઈડનો રોડ બંધ કરવામા આવ્યો છે. બ્રીજની કામગીરી દરમ્યાન કોઈ અકસ્માત સર્જાય નહી તેમજ ટ્રાફીક રહે નહી તે માટે ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર જાદવે તા.૯-૧૧-ર૦ર૪ ના રોજથી તા.૩૦-૯-ર૦ર૬ સુધી ટ્રક જેવા ભારે વાહનોના ડાયવર્ઝન માટેનુ જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ હતુ. જેમા ખેરાલુ, વડનગર, ઉંઝા તથા ગાંધીનગર તરફથી આવતા વાહનોને ડાયવર્ટ કરવા માટેની સુચના પ્રસિધ્ધ કરાઈ હતી. જાહેરનામુ પ્રસિધ્ધ કર્યા બાદ આજ પંદર દિવસનો સમય થયો છતા તેનો અમલ જોવા મળ્યો નથી. તાલુકાની હદમા પ્રવેશ કરતા રોડ ઉપર બેરીકેટ મુકવામા આવ્યા છે. પરંતુ કોઈ રોક ટોક નહી હોવાથી મોટી ટ્રકની બિન્દાસ્ત અવર જવર જોવા મળી રહી છે. દિવાળીમાં મજુરો વતન ગયા હોવાથી હજુ બ્રીજનુ કામ શરૂ થયુ નથી.પરંતુ આઈ.ટી.આઈ.ફાટક ઉપર એક તરફનો માર્ગ બંધ કરવામા આવતા મોટા વાહનોની અવર જવરથી ખુબજ ટ્રાફીક રહે છે. ઘણી વખત ફાટકની બન્ને બાજુ વાહનોની એટલી લાંબી લાઈનો લાગે છે કે ૧૦થી ૧પ મિનિટ સુધી ટ્રાફીક હળવો થતો નથી. જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. તો તેનો અમલ કેમ થતો નથી. જવાબદારીમાંથી છટકવા પુરતુ જ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે કે શુ તેવી ચર્ચાઓ થઈ રહી છે.
મહત્વની બાબતતો એ છે કે વિસનગર ડી.વાય.એસ.પી.ડી.એમ. ચૌહાણની હદ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનો તરફથી જ વિસનગર તાલુકામા ભારે વાહનો પ્રવેશ કરી રહ્યા છે. જાહેરનામાનો અમલ કરવાની જવાબદારી પોલીસની છે તો પછી તાલુકામા પ્રવેશ કરતા મોટા વાહનો કેમ રોકવામા આવતા નથી ? આઈ.ટી.આઈ ઓવર બ્રીજને લઈ જાહેરનામુ અમલ કરવા માટે બહાર પાડવામા આવ્યુ છેકે પછી ફક્ત એક વહીવટી કામગીરી બતાવવામા જાહેરનામુ પડાયુ છે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us