Select Page

વિસનગરની લોકોત્સવ સમાન ૪૦ મી રથયાત્રા મોકૂફ-કોરોના કાળમાં ભગવાન મંદિરમાંજ દર્શન આપશે

વિસનગરની લોકોત્સવ સમાન ૪૦ મી રથયાત્રા મોકૂફ-કોરોના કાળમાં ભગવાન મંદિરમાંજ દર્શન આપશે

વિસનગરની લોકોત્સવ સમાન ૪૦ મી રથયાત્રા મોકૂફ

કોરોના કાળમાં ભગવાન મંદિરમાંજ દર્શન આપશે

કોરોનાનો કહેર ભગવાન ઉપર પણ. લોકડાઉનમાં મંદિરના દરવાજા બંધ કરાવ્યા, હવે બહાર નિકળવા ઉપર પણ પાબંદી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં અષાઢી બીજે રથયાત્રા મહોત્સવ લોક ઉત્સવની જેમ મનાવાય છે. ત્યારે કોરોનાના કહેરના કારણે આ વર્ષે રથયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી નીજ મંદિર હરિહર સેવામંડળમાંજ દર્શન આપશે. દર્શનાર્થીઓની ભીડ ન થાય તે માટે સોશિયલ ડીસ્ટન્સનુ પુરેપૂરુ પાલન કરવામાં આવશે.
વૈશ્વીક મહામારી કોરોનાના કહેરના કારણે લોકડાઉનમાં વર્ષો જૂની પરંપરા પ્રમાણેના અનેક ધાર્મિક કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા હતા. જેમાં યાત્રાધામના મંદિરો પણ બાકાત નહોતા. કોરોનાએ ભગવાનના મંદિરના દરવાજા બંધ કરાવી દીધા હતા. હવે બહાર નીકળવા ઉપર પણ પાબંદી આવી ગઈ છે. વિસનગરમાં અષાઢી બીજે ભવ્ય રથયાત્રા નીકળે છે. જેમાં ગત વર્ષથી વિસનગર વેપારી મહામંડળ અને ધારાસભ્ય ઋષિભાઈ પટેલના સહયોગથી મોસાળાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવતા રથયાત્રામાં અનેકગણો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે આ વખતે તા.૨૩-૬-૨૦૧૯ ના રોજ રથયાત્રાના દિવસે વિસનગરની ૪૦ મી રથયાત્રાનો મહોત્સવ કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. હરિહર સેવા મંડળની કારોબારી દ્વારા શહેર અને તાલુકામાં કોરોના સંક્રમણ ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે સમાજના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રથયાત્રાના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્રજી લોક દર્શન આપવા શહેરની પરિક્રમાએ નહી નીકળે. પરંતુ હરિહર સેવામંડળમાં જરૂર દર્શન આપશે. રથયાત્રાના દિને ભગવાનના દર્શનનુ ખાસ મહત્વ છે. ત્યારે રથમાં બીરાજેલ ભગવાનના દર્શન માટે હરિહર સેવા મંડળ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હરિહર સેવા મંડળના ટ્રસ્ટી દ્વારકેશભાઈ મણીઆરે જણાવ્યુ છેકે, રથયાત્રાના દિને શહેરની ધર્મપ્રેમી જનતા રથમાં બીરાજમાન ભગવાનના દર્શન જરૂર કરી શકશે. વર્ષ પરંપરાગત રીતે ભગવાનને રથમાં બેસાડી ચાર થી પાંચ વ્યક્તિઓ દ્વારાજ આરતી તથા અન્ય પ્રણાલી પુરી કરવામાં આવશે. આરતીનો ચડાવો કે અન્ય કોઈ કાર્યક્રમ કરવામાં આવશે નહી. રથયાત્રા પ્રયાણના સમયે રથ હરિહર સેવા મંડળના દરવાજાની અંદર ઉભો રાખવામાં આવશે. દર્શનાર્થીઓ દરવાજા બહારથી ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકશે. મેઈન દરવાજાથી અંદર કોઈને પ્રવેશ આપવામાં આવશે નહી.
કોરાનાનો ચેપ નાના શહેરો અને ગામડાઓમાં ફેલાયો છે. આ વર્ષે કોરોના સંક્રમણથી બચીશુ તો આવતા વર્ષે પરંપરાગત કરતા વધારે ભવ્ય રીતે રથયાત્રા કાઢી શકીશુ અને દર્શન કરી શકીશુ. જ્યાં ભીડ વધારે થતી હોય છે ત્યાં કોરોના સંક્રમણ થવાની શક્યતા વધારે રહેતી હોય છે. જુન-જુલાઈમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. તેના કારણે સમાજના હિતમાં વિસનગરની રથયાત્રા મોકૂફ રાખવાનો હરિહર સેવા મંડળની કારોબારીએ મહત્વનો, આવકારદાયી અને સરાહનીય નિર્ણય કર્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us