વૈકલ્પીક વ્યવસ્થા નહી કરાય તો પાણી વગર વલખા મારવા પડશે ભાજપની યોજનાઓમાં ભ્રષ્ટાચારથી પાણીની કટોકટી-શામળભાઈ દેસાઈ
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના શહેરમાં અઠવાડીયામાં પાંચ દિવસ પાણી કાપ રહેતા તેની ભારે ટીકા થઈ રહી છે. ભૂતકાળમાં ક્યારેય આવી પાણીની કટોકટી અનુભવાઈ નથી. ત્યારે શહેરીજનોનો એકજ રોષ છેકે મંત્રીશ્રી ગાંધીનગર બેઠા હોય છતા શહેર પ્રત્યે ધ્યાન ન આપી શકે તે કેવુ? વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવતા મંત્રીશ્રીના મત વિસ્તારમાં જો લોકોને પાણી માટે રજળવુ પડતુ હોય તો ગુજરાતના અન્ય વિસ્તારમાં કેવી દશા હશે. ભાજપના શાસનમાં વિકાસ અને સુવિધાઓ આપવાની વાતો “ઉપર ઢોલ અંદર પોલ” જેવી છે. ભાજપની વિકાસ યોજનાઓમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારથી નર્મદા યોજનાની લાઈનોમાં વારંવાર લીકેજ થાય છે અને વિસનગરમાં વારંવાર પાણીની કટોકટી સર્જાય છે. વૈકલ્પીક વ્યવસ્થા માટે વિચાર કરવામાં નહી આવે તો ભવિષ્યમાં નર્મદા યોજના ઉપરનો ભરોસો ઠગારો નિવડશે અને શહેરના લોકો પાણી માટે વલખાં મારશે.
મંત્રીશ્રી ઋષિભાઈ પટેલ કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરી રહ્યા છે તો, ટકાઉ અને મજબુત કામ થાય તે જોવાની પણ જવાબદારી સ્વિકારે
વૈકલ્પીક વ્યવસ્થા રૂપે ધરોઈની લાઈન ચાલુ કરી દર મહિને ચેકીંગ થાય તથા દેળીયા તળાવના કિનારે ફિલ્ટરેશન પ્લાન્ટનો પણ વિચાર કરવો જોઈએ
અત્યારના ટેકનોલોજીના યુગમાં વિદેશ પ્રવાસે હોઈ કે દેશના અન્ય રાજ્યમાં ગયા હોય તો પણ જેનો સંપર્ક કરવો હોય તેનો સંપર્ક થઈ શકે છે. ત્યારે વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ગાંધીનગર હોવા છતા વિસનગરમાં તા.૧૫-૧૨ થી ૨૧-૧૨ ના સાત દિવસમાં પાંચ દિવસ શહેરમાં પાણી કાપ રહેવા છતા વૈકલ્પીક વ્યવસ્થા માટે કેમ કોઈ પ્રયત્ન કર્યા નહી કે, સિંચાઈ વિભાગના અધિકારીઓને દોડતા કર્યા નહી તે પ્રશ્ન લોકોમાં થઈ રહ્યો છે. વિસનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર તથા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ જણાવ્યુ છેકે, સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તારના શહેરમાં અઠવાડીયામાં પાંચ દિવસ પાણી કાપ રહ્યો તે બતાવે છેકે, સરકારના કામમાં વ્યસ્ત મંત્રીશ્રીને હવે શહેરના લોકોની કોઈ દરકાર નથી. જેમણે મત આપ્યા છે તે મતદારોની મુશ્કેલી અને સમસ્યાનો નિકાલ કરવાનો મંત્રીશ્રી પાસે સમય નથી. અઠવાડીયામાં પાંચ દિવસ પાણીનો કાપ રહેવાની શહેરમાં ટેન્કર રાજ થઈ ગયુ હતુ. કટોકટીમાં બ્લેકમાં પાણી વેચાતુ હતુ અને ટેન્કરના રૂા.૬૦૦ થઈ ગયા હતા. પૈસા પાત્ર લોકોએ તો ગમે તે રીતે પાણીની વ્યવસ્થા કરી પરંતુ જેમની પાસે સ્ટોરેજની ક્ષમતા નહોતી તે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની હતી. આખો દિવસ કાળી મજુરી કરે છે તે મજુરીયાત વર્ગના લોકોના ઘરમાં ન્હાવા કે ઘરકામ માટે પણ પાણી નહોતુ. ભૂતકાળમાં આટલા સળંગ દિવસો સુધી પાણી બંધ રહ્યુ હોય તેવુ ક્યારેય જોવા મળ્યુ નથી.
શામળભાઈ દેસાઈએ વધુમા જણાવ્યુ છેકે, ભાજપની યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી નર્મદા આધારીત વિસનગર જુથ પાણી પુરવઠા યોજનાનુ કામ હલકી ગુણવત્તાનુ થયુ છે. આ યોજનાને હજુ ત્રણ વર્ષ પણ પુરા થયા નથી ને પાઈપલાઈનો વારંવાર તુટે છે અને લીકેજ થાય છે. મંત્રીશ્રી કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરી રહ્યા છે તો ટકાઉ અને મજબુત કામ થાય તે જોવાની જવાબદારી પણ સ્વિકારે. નર્મદા આધારીત પાણીની યોજના શરૂ થયા બાદ અનેક વખત શહેરમાં પાણી કાપનુ સંકટ આવ્યુ છે ત્યારે વૈકલ્પીક વ્યવસ્થા માટે પણ વિચાર કરવો જોઈએ. ધરોઈની લાઈન ચાલુ રાખવાની સૂચના આપવા છતા સિંચાઈ વિભાગના અધિકારીઓ મંત્રીશ્રીની સૂચનાનુ પાલન કરતા નથી તે બતાવે છેકે ભાજપમાં અધિકારી રાજ ચાલી રહ્યુ છે. વૈકલ્પીક વ્યવસ્થા રૂપે ધરોઈની લાઈન ચાલુ કરી મહિનામાં એક વખત લાઈનમાં સપ્લાય આપી ચેકીંગ કરવુ જોઈએ. આ સીવાય દેળીયા તળાવના કિનારે ફિલ્ટરેશન પ્લાન્ટ નાખીને પણ વૈકલ્પીક વ્યવસ્થા કરી શકાય તેમ છે.
નોધપાત્ર બાબત છેકે વિસનગરના ભાજપ અગ્રણી જશુભાઈ પટેલ જ્યારે પાણી પુરવઠા બોર્ડના ચેરમેન હતા ત્યારે તેમના પ્રયત્નોથી રૂા.૩૧૧ કરોડના ખર્ચે ૧૯૯૯ માં ધરોઈ વાવ ફિલ્ટરેશન પ્લાન્ટનુ ખાતમુહૂર્ત થયુ હતુ અને વર્ષ ૨૦૦૨ મા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ યોજનાનુ લોકાર્પણ થયુ હતુ. આ યોજના શરૂ થઈ ત્યારે તેની આવરદા દશ વર્ષની હતી. પરંતુ આ યોજનામાંથી વિસનગર શહેરને પીવાનુ પાણી મળવાનુ હોવાથી જશુભાઈ પટેલે દેખરેખ રાખી ગુણવત્તાવાળુ કામ કરાવતા. ૧૫ વર્ષ સુધી લાઈન લીકેજની કોઈ ફરિયાદો ઉઠી નહોતી. ક્લોરીનિકેશનના કારણે લોખંડની પાઈપો કટાઈ જતા પાઈપોમાં કાણાં પડવાથી લીકેજ થઈ હતી. જ્યારે નર્મદા આધારીત વિસનગર જૂથ યોજનાને હજુ ત્રણ વર્ષ થયા નથી ને વારંવાર પાઈપ લીકેજની સમસ્યા સર્જાય છે.