Select Page

ડિજિટલ પુછપરછ જેવી કાર્યવાહી ભારતના કોઈ કાયદામા નથી સોશિયલ મીડિયાના રાજમા ડિજિટલ એરેસ્ટથી સાવધાન રહો

ડિજિટલ પુછપરછ જેવી કાર્યવાહી ભારતના કોઈ કાયદામા નથી સોશિયલ મીડિયાના રાજમા ડિજિટલ એરેસ્ટથી સાવધાન રહો

તંત્રી સ્થાનેથી…
છેલ્લા કેટલાક મહિનાથી સવારે ન્યુઝ પેપર ખોલીએ કે ડિજિટલ એરેસ્ટથી થયેલી છેતરપીંડીનો રોજ એક બનાવ વાચવામાં આવી રહ્યો છે. ડિજિટલ એરેસ્ટ કે સાયબર ફ્રોડ જેવા અનેક ગુનાઓ ભારતભરમાં બની રહ્યા છે. પરંતુ ગુજરાતમાં આવા બનાવો એટલા માટે વધારે બને છેકે પ્રજા લાલચમાં આવી છેતરાવાનો ગુણ ધરાવે છે અને કાયદાના ખોટા ભયના કારણે ગુનો કર્યો ન હોય તો પણ ડરી જાય છે. હમણા થોડા સમય પહેલાજ વિસનગરના મહિલા વૈજ્ઞાનિક ર્ડા.લીનાબેન ગુપ્તા સાયબર ક્રોડના ટાર્ગેટમા આવી જતા ડિજિટલ એરેસ્ટનો શિકાર બની લાખ્ખો રૂપિયા ગુમાવ્યા હતા. અમદાવાદના એક વૃધ્ધ દંપત્તીએ ત્રણ કલાક ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂા.૧.૧૫ કરોડ ખંખેરી લીધા. વૃધ્ધ દંપત્તીએ તુર્તજ ૧૯૩૦ નંબર ઉપર પોલીસને જાણ કરતા છેતરપીંડીની રકમમાંથી રૂા.૬૦ લાખ ફ્રીજ થયા હતા. આજ રીતે અમદાવાદની એક મહિલાને એક બે દિવસ નહી પરંતુ પુરા ૫૨(બાવ્વન) દિવસ સુધી ડિજિટલ એરેસ્ટની જાળમાં ફસાવી રૂા.૫.૫૦ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. મહિલાના પૈસા જે બેન્ક ખાતામાં જમા થયા તે બેન્ક ખાતા સુરતના યુવાનોના હતા. આવી ઘટનાઓ સાદો ફોન વાપરનાર સામાન્ય લોકો સાથે નહી પણ સ્માર્ટ ફોન વાપરનાર ભણેલા સ્માર્ટ લોકો સાથે વધારે બને છે. પહેલા અજાણ્યા નંબર ઉપરથી વીડિયો કોલ આવતા હતા. ફોન ઓન કરતાજ યુવતી નિર્વસ્ત્ર થતી હતી. જેનુ રેકોર્ડીંગ મોકલી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવવામાં આવતા હતા. સસ્તા દરે લોન આપવાની અને નોકરી આપવાની લાલચ આપી અગાઉ સાયબર ફ્રોડના ઘણા બનાવ બન્યા. પરંતુ હવે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે છે અને તમારા આધારકાર્ડનો ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે. તમારા પાન કાર્ડથી બેન્કમાં ખાતુ ખુલ્યુ છે અને તેમાંથી દેશ વિરોધી પ્રવૃત્તિઓના ટ્રાન્ઝેક્શન થયા છે. તમારા નામના પાર્સલમાંથી ડ્રગ્સ કે પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. વિગેરે બહાને ડિજિટલ એરેસ્ટ કરીને કસ્ટમ, પોલીસ, સી.બી.આઈ., ક્રાઈમ બ્રાન્ચ, ઈ.ડી., આર.બી.આઈ.ના ઓફીસર વિગેરે વિભાગોની ધમકી આપી ડરાવી ધમકાવીને નાણાં ટ્રાન્સફર કરાવી લે છે. વીડિયો કૉલમાં વાત કરનાર વ્યક્તિ પોલીસના ખાખી ડ્રેસમાં હોય છે. ફ્રોડ કરનાર વ્યક્તિ જ્યારે વીડિયો કોલમાં વાત કરતો હોય ત્યારે પોતે પોલીસ સ્ટેશનમાં બેઠો હોય તેવો માહોલ બનાવવામાં આવે છે. જેના કારણે કાયદાના ડરથી ભરમાયેલો વ્યક્તિ ડિજિટલ એરેસ્ટનો શિકાર બનીને સમાજમાં આબરૂ જવાના ડરથી નાણાં ટ્રાન્સફર કરવા મજબુર બને છે. જોકે જે લોકો સોશિયલ મીડિયામા વધારે વ્યસ્ત રહે છે અને સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરે છે તે લોકોજ ડિજિટલ એરેસ્ટનો વધુ ભોગ બનતા હોવાનુ એક રિપોર્ટમાં બહાર આવ્યુ છે. સાયબર ફ્રોડના બનાવ રોકવા પોલીસે સાયબર સેલ ઉભુ કર્યુ છે પરંતુ ડિજિટલ એરેસ્ટ કરનાર ટેકનોલોજીના એટલા જાણકાર છેકે જેમની સામે પોલીસનો પનો ટૂંકો પડે છે. પોલીસમાં શારીરીક ક્ષમતા આધારે ભરતી કરવાની સાથે ટેકનોલોજી ક્ષમતા આધારે ભરતી કરવાની પણ જરૂર છે. થોડા દિવસ પહેલાજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ન્યુઝ પેપરોમાં આખા પેજની જાહેરાતો આપીને જણાવ્યુ હતું કે, પાર્સલ સ્કેમથી સાવધાન રહો, ફોન કે વીડિયો કોલ કરીને કોઈ પણ પ્રકારની પુછ પરછ કરવામાં આવતી નથી. પોલીસના નામે ફોન કરનારને નાણાંકીય જાણકારી આપશો નહી કે પૈસા ટ્રાન્સફર કરશો નહી. “ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાર્યવાહી ભારતના કોઈ કાયદામાં નથી.” આર.બી.આઈ.ની આવી જાહેરાત બાદ પણ સ્માર્ટ લોકો ફેક વીડિયો કોલ કરનારની વાતમાં આવીને તે કહે તેમ કરે છે અને પૈસા ટ્રાન્સફર કરે છે. આર.બી.આઈ.એ એ પણ જણાવ્યુ છેકે, કોઈ ફોન કરનાર ફંડની માગણી કરે તો ચકાસણી કરવી અને તુર્તજ cybercrime.gov.in પર રિપોર્ટ કરવો અથવા મદદ માટે ૧૯૩૦ નંબર ઉપર કોલ કરવો. ડિજિટલ એરેસ્થી બચવા સાયબર ક્રાઈમે ત્રણ નિયમો વિશે જાણકારી આપી છે. પ્રથમ નિયમ STOP કોઈની સાથે તમારી અંગત માહિતી શેર કરશો નહી. બીજો નિયમ THINK સરકારની કોઈ પણ એજન્સી તમને ફોન ઉપર ધમકી કેમ આપે? ત્રીજો નિયમ છઝ્ર્‌ જો કોઈપણ તમને કહે કે તમે ડિજિટલ એરેસ્ટ થઈ ગયા છો, તો જવાબ આપશો નહી. ફોન કટ કરીને ૧૯૩૦ નંબર ઉપર જાણકારી આપો. ડિજિટલ એરેસ્ટથી બચવા માટે અજાણી લીંક ક્લીક કરશો નહી. શંકાસ્પદ કોલ અથવા અજાણ્યા નંબર ઉપરથી આવતા વીડિયો કોલની અવગણના કરો. સોશિયલ મીડિયાના યુગમાં જાગૃત રહેવુ એજ સૌથી મોટી સુરક્ષા છે. માત્ર સરકાર અને પોલીસનેજ નહી પરંતુ સામાન્ય જનતાએ પણ સાવધ રહેવાની અને અંગત માહિતી શેર નહી કરવાની જરૂર છે. ડિજિટલ યુગમાં સુરક્ષાના ઉપાયો અપનાવીનેજ ડિજિટલ એરેસ્ટને ટાળી તેમાંથી બચી શકાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts