ઈતર સમાજને મહત્વ આપવાની સુચનાથી તાલુકા ભાજપ પ્રમુખની સ્ક્રીપ્ટ રાતોરાત લખાઈ વિસનગર શહેર ભાજપ પ્રમુખનો તાજ ખુશાલભાઈ પટેલના શિરે
ભાજપના સંગઠન પર્વમાં વિસનગર શહેર તાલુકા ભાજપ પ્રમુખને લઈ છેલ્લા કેટલાક સમયથી ચાલતી રાજકીય ચર્ચાઓનો મંગળવારની રાત્રે અંત આવ્યો હતો. ગત સંગઠનમાં મહામંત્રી તરીકે સફળ રીતે અને નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળનાર ખુશાલ ભરતભાઈ પટેલને શહેર ભાજપ પ્રમુખના તાજની જવાબદારી આપતી જિલ્લા સંગઠન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા ભાજપ પ્રમુખની પસંદગી થઈ ગઈ હતી. પરંતુ ઈતર સમાજને મહત્વ આપવાની પ્રદેશની સુચનાથી તાલુકા ભાજપ પ્રમુખની સ્ક્રીપ્ટ રાતોરાત લખાઈ હોવાનુ જાણવા મળ્યુ છે. આ વખતે દરબાર રાજપૂત સમાજને તાલુકા પ્રમુખનો લાભ મળે તેવા સંકેત રાજકીય ચર્ચાથી મળ્યા છે. તાલુકા ભાજપ પ્રમુખ કોણ તે હવે થોડાજ દિવસોમાં જાણવા મળશે.
કેન્દ્રીય મંત્રીની માર્કેટયાર્ડ ભોજનાલયની મુલાકાત સમયેજ તાલુકામાં આ વખતે પાટીદારને પ્રમુખ પદ નહી મળે તેવો ઈશારો થયો હતો
ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ ૨૦૨૪ અંતર્ગત વિસનગર શહેર અને તાલુકા ભાજપ પ્રમુખના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાજ આ મહત્વના હોદ્દાઓનો લાભ કોને મળશે તેવી રાજકીય ગપશપ ચર્ચાના એરણે ચડી હતી. પ્રમુખ પદ માટે દાવેદારો દ્વારા લોબીંગ પણ થયુ હતુ. પરંતુ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના આશીર્વાદ હોય તેજ કાર્યકરને પ્રમુખનો તાજ પહેરાવવાનુ નક્કી હતુ. જેમાં શહેર પ્રમુખની ચર્ચાઓનો અંત તા.૨૪-૧૨-૨૪ ની રાત્રે આવી ગયો હતો. જિલ્લા ચુંટણી અધિકારી ભરતભાઈ ડાંગર દ્વારા જિલ્લાના વિવિધ ૧૩ મંડલની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિસનગર શહેર ભાજપ પ્રમુખનો તાજ પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ચીમનભાઈ પટેલના પુત્ર તથા ગત સંગઠનના મહામંત્રી ખુશાલભાઈ પટેલને અર્પણ કરાયો હતો. પિતાને પાલિકા પ્રમુખનો અને પુત્રને શહેર ભાજપ પ્રમુખના હોદ્દાનુ ગૌરવ મળ્યુ હોય તેવો શહેરમાં પ્રથમ પરિવાર છે. મનિષભાઈ ગળીયાના પ્રમુખકાળમાં દરેક કાર્યકરને સાથે રાખીને ચાલવાની નીતિને લઈને ખુશાલભાઈ પટેલે સંગઠનનો ઘણો અનુભવ કેળવ્યો છે. જેનો આ લાભ મળ્યો છે. ખુશાલભાઈ પટેલ પ્રમુખ બનતાજ ફરીથી વિસનગર તળ કડવા પાટીદાર સમાજે ભાજપમાં દબદબો જાળવી રાખ્યો છે. વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી ભરતભાઈ પટેલ જ્યારે પાલિકા પ્રમુખ હતા ત્યારે એક વર્કર તરીકે કામ કરી ભારે લોકચાહના મેળવી હતી. ખુશાલભાઈ પટેલ પણ શાંત અને વિનમ્ર સ્વભાવના હોવાથી તેમજ દરેક બુથ પ્રમુખો અને કાર્યકરોને સાથે રાખીને કામ કરવાનો અનુભવ હોવાથી મોરના ઈંડા ચિતરવા નહી પડે તે કહેવત સાચી ઠેરવશે.
શહેરમાં એકજ પરિવારને પાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખનુ ગૌરવ મળ્યુ
શહેર ભાજપ પ્રમુખની સાથે તાલુકા ભાજપ પ્રમુખના નામની પણ મહોર લાગી ગઈ હતી અને જાહેરાત પુરતીજ પ્રક્રિયા બાકી હતી. પરંતુ દરેક તાલુકામાં એક બહુમતી સમાજ અને ઈતર સમાજને પ્રાધાન્ય આપવાની પ્રદેશમાંથી સૂચના મળતા તાલુકા ભાજપ પ્રમુખનુ નામ જાહેર થઈ શક્યુ નહોતુ. જાણવા મળ્યા પ્રમાણે તા.૨૪-૧૨ ની રાત્રે જિલ્લાના સંગઠનોની જાહેરાત થઈ તેજ રાત્રે તાલુકામાંથી એક ઈતર સમાજના કાર્યકરનુ રાતો રાત ફોર્મ ભરાયુ હતુ અને સ્ક્રીપ્ટ તૈયાર કરી દેવામાં આવી હતી. હવે ફક્ત નામ જાહેર કરવાનીજ ઔપચારિકતા બાકી છે. ૨૪ મી ડિસેમ્બરના રોજ વડનગર સુશાસન દિવસની પદયાત્રામાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી ર્ડા મનસુખ માંડવીયા તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે જ્યારે વિસનગર માર્કેટયાર્ડના ભોજનાલયમાં ભોજન માટે આવ્યા ત્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ ઉપર ઉપસ્થિત હતા. આ સમયે થયેલી ચર્ચામાજ તાલુકામાં પાટીદાર સમાજને પ્રમુખ પદ નહી મળે તેવો ઈશારો થઈ ગયો હતો. ઈતર સમાજ અને તેમાં પણ સવર્ણ સમાજમાંથી પ્રમુખ બને તેવુ રાજકીય ચર્ચામાંથી જાણવા મળ્યુ છે. જોકે તાલુકા પ્રમુખની જાહેરાતમાં વિલંબ થતા પીક્ચર બદલાઈ પણ શકે છે.
જોકે એ ચોક્કસ વાત છેકે તાલુકામાં સતીષભાઈ પટેલ જેવા અનુભવી પ્રમુખ મળવા મુશ્કેલ છે. સતીષભાઈ પટેલ આખા તાલુકાની રાજકીય ડિઝાઈનના જાણકાર છે. ઉપરાંત્ત તાલુકાના કયા ગામમાં કયો વિકાસ જરૂરી છે. વિકાસનુ કયુ કામ થાય છે, અને કામ અટક્યુ હોય તો કયા સ્ટેજે તથા કયા કારણે અટક્યુ છે તે એક પંચાયતના કર્મચારીને ખબર નહોતી તેટલી જાણકારી ધરાવે છે. આવા અનુભવી પ્રમુખ હોય તોજ ભાજપને તમામ રીતે ફાયદો થઈ શકે છે. પરંતુ ઉંમરની મર્યાદાનો નિયમ કરી ભાજપે પગ ઉપર કુહાડો માર્યો છે.