આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ ૧૫૮ દર્દીના નિઃક્ષય મિત્ર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૨૫ સુધીમાં “ટીબી મુક્ત ભારત” ના ધ્યેયને સિદ્ધ કરવા માટે ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર ની જરૂરિયાત હોય છે જેને અનુલક્ષીને આરોગ્ય મંત્રીશ્રી ઋષિભાઈ પટેલે વિસનગર તાલુકાના ૧૫૮ ટીબીના દર્દીઓને છ માસ સુધી પોષણ કીટ પૂરી પાડવાની શરૂઆત કરી “નિઃક્ષય મિત્ર” બની વડાપ્રધાનના ધ્યેયને સમર્થન આપ્યુ છે.
સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ NLEP અંતર્ગત ૨૦૨૫ સુધીમાં “ટીબી મુક્ત ભારત” ને સિદ્ધ કરવા માટે ટીબીના શંકાસ્પદ દર્દીઓને શોધી નિદાન કરી સારવાર પર મૂકવામાં આવે છે આ સારવાર દરમિયાન દર્દીઓ ને પૌષ્ટિક આહાર મળે તે ખૂબ જરૂરી હોય છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર મળે તે માટે સમાજના શ્રેષ્ઠિઓને અપીલ કરી હતી. જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે વિસનગર તાલુકાના ૧૫૮ ટીબીના દર્દીઓને દત્તક લઈ પોષણ કીટ આપવાની શરૂઆત કરી નિઃક્ષય મિત્ર બન્યા છે. જેમનું નિઃક્ષય મિત્ર આઈડી ૮૧૯૪૬૧૪૮૫ છે. નિદાન, દવા અને પૌષ્ટિક આહાર જ ટીબી માટે ઉત્તમ ઉપાય છે.
હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૦૦ ડે ટીબી કેમ્પેઇન અંતર્ગત વલ્નરેબલ વ્યક્તિઓનો આરોગ્ય કર્મચારી દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં શંકાસ્પદ ટીબીના દર્દીઓના એક્સ-રે NAAT તથા ગળફા ની તપાસ કરી નિદાન કરવાની મુહિમ હાથ ધરાઈ છે. જેથી ટીબીના દર્દીઓનું વહેલું નિદાન કરી સમયસર સારવાર કરી શકાય. વલ્નરેબલ ગ્રુપમાં છેલ્લા પાંચ વર્ષના ટીબીના દર્દી, ટીબી દર્દીના સંપર્કમાં આવનારા, ૬૦ વર્ષથી વધારે ઉંમર વાળા લોકો, કુપોષિત લોકો, ધુમ્રપાન કરનાર તથા ડાયાબિટીસના દર્દીઓનો સમાવેશ થાય છે.
જન જન નું રાખો ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન સુત્રને સાર્થક કરવા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે નમ્ર અરજ કરી છે કે આવો, આપણી સૌ સાથે મળી ટીબીના દર્દીઓને દત્તક લઈ આ ટીબી મુક્ત ભારત કરવાના મહાયજ્ઞમાં આપણું યોગદાન આપી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરીએ.
નિઃક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને સાથે સહકાર આપીએ તથા ટીબીના દર્દીઓ સાથે આત્મીયતા કેળવીએ.