નફરત ફેલાવતા મેસેજથી દેશની એકતાને નુકશાન કાશ્મીરમાં હિન્દુઓ ઉપરાંત્ત મુસ્લીમોના રોજગાર ઉપર પણ આતંકવાદી હુમલો
તંત્રી સ્થાનેથી…
૧૯૪૭ મા ભારતમાંથી પાકિસ્તાન અલગ થયુ ત્યારથી અત્યાર સુધી દેશના હિન્દુ-મુસ્લીમ વચ્ચે વૈમનસ્ય ફેલાયેલુ રહે તેવા કૃત્યો પાકિસ્તાન કરતુ આવ્યુ છે અને તેમા સફળ પણ રહ્યુ છે. દેશના ભાગલા પડ્યાના ૭૮ વર્ષ બાદ પણ હિન્દુ-મુસ્લીમ એક થઈ શક્યા નથી તેની પાછળ એક પાકિસ્તાન પ્રેરીત દેશમાં આતંકવાદી કૃત્ય છે અને બીજુ ગંદુ રાજકારણ જવાબદાર છે. કાશ્મીર ઘાટીમા એક સમય હતો કે જ્યા આર્મી ઉપર પથ્થરમારાના બનાવો રોજીંદા બનતા હતા. કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઘાટી વિસ્તાર તથા અન્ય અંતરિયાળ વિસ્તારમાં થયેલો અભૂતપૂર્વ વિકાસ અને ત્યારબાદ કલમ ૩૭૦ ની નાબુદી બાદ કાશ્મીરમાં કાયમી શાંતી સ્થાપિત થઈ હતી. છેલ્લે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચુંટણી બાદ પણ શાંતીનો માહોલ જળવાઈ રહ્યો હતો. કાશ્મીરમાં કોઈ ઉદ્યોગો નથી ફક્ત પર્યટકો ઉપરજ નભતો આવેલો ખીણ પ્રદેશ છે. આતંકવાદી બનાવો ઘટતા કાશ્મીરમાં પર્યટકોનો ઘસારો વધ્યો હતો. બરફની સફેદ ચાદર ધરાવતો વિસ્તાર હોવાથી દેશના લોકો કાશ્મીરની મુલાકાત લઈને વિદેશી સહેલનો અનુભવ કરતા હતા. છેલ્લા કેટલાક વર્ષથી પર્યટકોનો ઘસારો વધતા તેનો સીધો ફાયદો મોટે ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના સ્થાનિક મુસ્લીમ વેપારીઓનેજ થતો હતો. છેલ્લા કેટલાય સમયથી કાશ્મીરમા અમન અને ચેનનો તથા દેશમા હિન્દુ-મુસ્લીમ એકતાનો માહોલ રાસ નહી આવતા પાકિસ્તાન પ્રેરીત પહેલાગામમા આતંકવાદી હુમલો થયો. પહેલગામનો બૈસરન ખીણ વિસ્તાર મેદાની ઘાસથી ફેલાયેલો હોવાથી મીની સ્વિત્ઝર્લેન્ડ તરીકે ઓળખાય છે. કાશ્મીર જતા પર્યટકો પહેલગામ બૈસરની ખીણ વિસ્તારની મુલાકાત લેવાનુ ચુકતા નથી. પહેલગામથી બૈસરન જવા પાકો રસ્તો નહી હોવાથી ઘોડા અને ટટ્ટુ ઉપર બેસીને જવુ પડે છે. તા.૨૩-૪-૨૦૨૫ ના રોજ દેશના વિવિધ રાજ્યમાંથી આવેલા પર્યટકો બૈસરન ખીણ વિસ્તારમાં પરિવાર સાથે વેકેશનની મજા માણતા હતા. ત્યારે બપોરના સમયે પાંચ થી છ આતંકવાદી આવી કયા ધર્મનો છે તેમ પુછીને ફક્ત હિન્દુ ધર્મના પર્યટકોને ગોળી મારી. બૈસરન ખીણ ૨૮ હિન્દુઓને ગોળીઓ મારી લોહીથી રંગી દેતા અત્યારે સમગ્ર દેશની જનતા સ્તબ્ધ બની ગઈ છે. આતંકવાદીઓએ ધર્મ પુછીને ગોળી મારી અને બીનકાશ્મીરી હિન્દુઓનેજ ટાર્ગેટ કરવામાં આવ્યા. આતંકવાદીની ગોળીથી વિંધાઈને પતિનુ મૃત્યુ થતા પત્નીએ પણ મોત માગ્યુ ત્યારે જવાબ મળ્યો, ‘તુજે નહી મારના, મોદી કો ઈસ બારે મેં બતા દેના’ જે બતાવે છેકે વડાપ્રધાન મોદી ભારત દેશમાં મુસ્લીમોને લગતા કાયદામાં જે સુધારા કરી રહ્યા છે તેની આ દાઝ હતી. પહેલગામમા ૨૮ હિન્દુઓની કત્લેઆમ બાદ વડાપ્રધાનની સુચનાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તાત્કાલીક કાશ્મીર પહોચ્યા. વડાપ્રધાન મોદી દુબઈનો પ્રવાસ ટુંકાવી પરત ફર્યા. અમેરિકા, રશિયા, ફ્રાન્સ સહિતના દેશોએ પહલગામમા આતંકવાદી કૃત્યને વખોડી આતંકવાદ વિરુધ્ધની કાર્યવાહીમાં ભારતની સાથે રહેવા સંદેશો આપ્યો. વકફ એક્ટ ૨૦૨૫ ના વિરોધમા પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં હિન્દુઓ ઉપર થયેલા હુમલામા ચુપ રહેલા કોંગ્રેસના મોવડી સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લીકાર્જુન ખરગે સહિતના નેતાઓએ પહલગામના આતંકવાદી કૃત્યને વખોડી આતંકવાદીઓને મુહતોડ જવાબ આપવા સંદેશો આપ્યો. આતંકવાદીઓએ ફક્ત હિન્દુઓએ ટાર્ગેટ કરતાની સાથેજ તેની સીધી અસર પર્યટકો ઉપર પરિવારનુ ગુજરાન ચલાવનાર કાશ્મીરના મુસ્લીમો ઉપર પડી છે. મુસ્લીમોના ધંધા રોજગાર ઉપર પણ આતંકવાદી હુમલો થયો છે. ઉનાળાની ઋતુમાજ કાશ્મીર સહેલાણીઓ માટે પસંદગીનુ પર્યટન સ્થળ છે. વર્ષ ૨૦૨૪ મા ૨૫ લાખથી વધુ દેશવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી. જેમાંથી ૨૨ લાખ પહેલગામ ગયા હતા. આ બનાવ બાદ પહેલગામ ખાલી થઈ ગયુ છે. હોટલોના બુકીંગ કેન્સલ થઈ ગયા છે. હુમલાખોરોએ ભય ફેલાવી કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને રફે દફે કરી દીધો છે. આ અગાઉના આતંકવાદી હુમલાઓમાં સ્થાનિક મુસ્લીમો ચુપ રહેતા હતા. પરંતુ પહેલગામના હુમલામા પ્રથમ વખત સ્થાનિક મુસ્લીમોએ આતંકવાદી કૃત્યને વખોડ્યુ છે. ગોળીબારમાં ઈજાગ્રસ્ત હિન્દુઓને ખભે અને ટટ્ટુ ઉપર બેસાડી બૈસરન ખીણ વિસ્તારમાંથી નીચે પહેલગામ સુધી લાવનાર મુસ્લીમો હતા. એ ચોક્કસ વાત છેકે આતંકવાદ સાથે જોડાયેલા મુસ્લીમ સમાજના ગણ્યા ગાઠ્યા લોકો છે. દુરાચારી પાકિસ્તાનની એ મનસા કાયમની રહી છેકે ભારત દેશમાં હિન્દુ-મુસ્લીમ ક્યારેય એક થાય નહી. આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના ઈરાદા પ્રમાણેજ દેશના નફરત ફેલાવતા મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. સર્વ સમાજની એકતાજ દેશની તાકાત છે. આતંકવાદી હુમલા બાદ નફરત ફેલાવતા મેસેજ દેશની એકતાને નુકશાન કરનાર છે. ૨૮ નિર્દોષ હિન્દુઓની કત્લેઆમ કરનાર આતંકવાદીઓ તથા તેમને કાશ્મીરમા પનાહ આપનાર લોકોને કોઈ સંજોગોમાં છોડવા જોઈએ નહી. કેન્દ્રીય નેતાગીરી આતંકવાદને મુહતોડ જવાબ આપવામાં સક્ષમ છે તેનો પૂર્ણ વિશ્વાસ છે. પરંતુ આવી વિકટ સ્થિતીમાં એકતા પણ એટલીજ જરૂરી છે.