અગાઉ ચુંટણીમાં મેન્ડેટ વેચી મારવાના આક્ષેપના હોબાળાથી વિસનગર કોંગ્રેસની મિટીંગમાથી ઓબ્ઝર્વર-નિરિક્ષકે ચાલતી પકડી
એક તરફ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને મજબુત બનાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે કોંગ્રેસની યાદવાસ્થળીનો અંત નહી આવતા મિટીંગમાંથી કોંગ્રેસના નેતાઓને નિકળી જવુ પડે તેવી સ્થિતિ સર્જાય છે. મહેસાણા જિલ્લા પ્રમુખ કમિટીના સભ્યોની સેન્સ લેવા માટે વિસનગર કોંગ્રેસની મિટીંગ મળી હતી. જેમાં અગાઉ ચુંટણી મેન્ડેટ વેચવામાં આવ્યા હોવાના આક્ષેપથી એટલો હોબાળો થયો કે ઓબ્ઝર્વર અને નિરિક્ષકે રીતસરની ચાલતી પકડી હતી.
વિસનગરમાં પાલડી ત્રણ રસ્તા પાસે આવેલી ફન પોઈંટ હોટલના હોલમાં કોંગ્રેસ સંગઠન મજબુત કરવા સંગઠન સૃજન અભિયાનની મિટીંગ મળી હતી. જેમાં વિસનગર વિધાનસભાની આ બેઠકમાં જિલ્લા પ્રમુખની કમિટી માટેની સેન્સ લેવામાં આવી હતી. મિટીંગમાં એ.આઈ.સી.સી.ના પ્રભારી પ્રદીપ નરવાલ ઓબ્ઝર્વર તરીકે હાજર રહ્યા હતા. મીટીંગમાં હાજર ઓબ્ઝર્વર તથા નિરિક્ષકોએ તમામ કાર્યકરોની રજુઆત સાંભળી હતી. મિટીંગમાં જિલ્લા પ્રમુખની દાવેદારીને લઈ ભારે હોબાળો થયો હતો. મિટીંગમાં હાજર કેટલાક કાર્યકરોએ અગાઉ ચુંટણીમા મેન્ડેટ વેચી મારવાનો આક્ષેપ કરતા આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. મિટીંગમાં આ આક્ષેપને લઈને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
મેન્ડેટ વેચાયા હોવાના આક્ષેપ એ બાબતનો છે કે જ્યારે પશાભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હતા. જેમણે વિસનગર તાલુકા પંચાયતની ચુંટણીમાં પરિણામ મેળવી શકે તેવા ઉમેદવાર કોંગ્રેસમાથી પસંદ કર્યા હતા. તાલુકા પંચાયતની ૨૪ સીટમાથી ૧૬ સીટ કોંગ્રેસને મળે તેવી દાવેદારી હતી. પશાભાઈ પટેલની મહેનતથી તાલુકા કોંગ્રેસનુ સંગઠન મજબુત સ્થિતિમાં હતુ. જ્યારે ફોર્મ ભરાયા બાદ મેન્ડેટ આપવાના થયા ત્યારે તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં કોેંગ્રેસના એક કાર્યકર કોરા મેન્ડેટ લઈને ફરતા હતા. જિલ્લા કોંગ્રેસ સંગઠન ફુટી જતા કોંગ્રેસના કોરા મેન્ડેટ વેચાતા કડા રોડ ઉપર આવેલ પશાભાઈ પટેલની ઓફીસ આગળ સંનિષ્ઠ કાર્યકરો એકઠા થઈ જિલ્લા કોંગ્રેસની મેન્ડેટ વેચવાની નિતિ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. આ બનાવ બાદ પશાભાઈ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો નિષ્ક્રિય થઈ ગયા હતા.
વિસનગરમાં કોંગ્રેસની મિટીંગમાં મેન્ડેટ વેચી મારવાના આક્ષેપનો એટલો મોટો હોબાળો થયો કે સેન્સ લેવા આવેલ ઓબ્ઝર્વર સહિતના નિરિક્ષકોએ ચાલતી પકડી હતી. આ મિટીંગમાં પુર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા, બહુચરાજીના પુર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, રામાજી ઠાકોર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.